SURAT

ખૈલેયાઓ માટે માઠા સમાચાર, નવરાત્રિમાં મેઘરાજા રમઝટ બોલાવશે, સુરતીઓને ભીંજવ્યા

નવરાત્રિ આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ખૈલેયાઓમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. પરંતુ ખૈલેયાઓના ઉત્સાહ પર પાણી ફરી વળે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.

હવામાન વિભાગ અનુસાર આ વર્ષે નવરાત્રિમાં મેઘરાજા રમઝટ બોલાવશે. ખાસ કરીને પહેલાં બે દિવસે એટલે કે તા. 22 અને 23 સપ્ટેમ્બરે રાજ્યના વિવિધ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગ મુજબ 23 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં કચ્છ, બનાસકાંઢા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ જિલ્લા સિવાયના જિલ્લામાં વરસાદ પડશે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે. તેથી ખૈલેયા અને ગરબા આયોજકોની ચિંતા વધી છે. હવામાન વિભાગ મુજબ ભુજ અને ડીસામાંથી ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે.

સુરત-નવસારીમાં એક કલાક વરસ્યો ધમધોકાર વરસાદ
આજે સવારથી નવસારી, સુરતમાં વાદળછાયું વાતાવરણ હતું. નવસારી અને જલાલપોરમાં બપોરે 12 વાગ્યા સુધીમાં દોઢ ઈંચથી વધારે વરસાદ પડ્યો હતો. બીજી તરફ સુરત શહેરમાં 11 વાગ્યા બાદ લગભગ 12.30 કલાક સુધી વરસાદ વરસ્યો હતો, તેમાંય સતત 30 મિનિટ સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના લીધે વિઝિબિલિટી ઘટતાં નોકરી-ધંધે જતા વાહનચાલકો અટવાયા હતા. નવી સિવિલ હોસ્પિટલના ગેટ પાસે સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પીક અવર્સમાં વરસાદ પડતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

Most Popular

To Top