રાજયમાં આજે દિવસ દરમિયાન અમરેલી, વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદ થયો છે. એકંદરે રાજયમાં 95 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો હતો.ગાંધીનગરમાં સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે અમરેલીના લીલીયામાં સવા ચાર ઈંચ, વલસાડમાં અઢી ઈંચ કરતાં વધુ, ભાવનગરના મહુવામાં અઢી ઈંચ, અમરેલી તાલુકામાં અઢી ઈંચ, ઉમરગામમાં બે ઈંચ વરસાદ થયો હતો. એકંદરે રાજયમાં 9 તાલુકાઓ એવા છે કે જેમાં 1થી 4 ઈંચ વરસાદ થયો હતો. છેલ્લા 24 કલાકમાં રાજયમાં 85 તાલુકાઓમા હળવાથી ભારે વરસાદ થયો હતો.
જેમા વલસાડના ઉમરગામમાં અઢી ઈંચ , તાપીના વાલોડમાં સવા ઈંચ, સુરતના માંડવીમાં સવા ઈંચ, કોડિનારમાં એક ઈંચ વરસાદ થયો હતો. રાજયના ચાર તાલુકાઓમાં એકથી અઢી ઈંચ વરસાદ થયો હતો. રાજસ્થાન ખાતે સક્રિય થયેલી અપર એર સર્કયુલેશન સિસ્ટમના કારણે વરસાદ વરસી રહ્યો છે અને આગામી દિવસોમાં બીજી પણ એક સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતા છે. જો કે હજી પણ રાજ્યમાં સરેરાશ વરસાદ કરતાં 40 ટકાથી પણ ઓછો વરસાદ વરસ્યો છે અને આગામી દિવસોમાં ખેડૂતોને તેના કારણે મુશકેલી પડી શકે તેમ છે.