બારડોલી, માંડવી: (Bardoli) સુરત જિલ્લામાં ડાંગરનું વાવેતર કરતાં ખેડૂતોમાં (Farmer) ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદ (Rain) ન પડતાં ચોમાસાની (Monsoon) સિઝનમાં ખેડૂતો તૈયાર થયેલ ધરુની રોપણી ન કરી શકતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જ્યારે બીજી તરફ કેટલાક ખેડૂતોએ બોરવેલ અને કૂવાના પાણીથી ડાંગરની રોપણી શરૂ કરી દીધી છે. કેટલાક ખેડૂતોનું કહેવું છે કે, જો હજુ એક સપ્તાહ વરસાદ નહીં વરસે તો ખેડૂતોને મોટાપાયે નુકસાન થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના ખેડૂતો ડાંગરનું વાવેતર (Planting) કરે છે. 15મી જૂન આસપાસ વરસતો સારો વરસાદ 15મી જુલાઈ સુધી વરસ્યો નથી. જેને કારણે વાવણી બાદ રોપણીનું કાર્ય મુશ્કેલ બન્યું છે. જૂન માસની શરૂઆતમાં વરસાદ પડ્યા બાદ છેલ્લા કેટલાક દિવસોથી બારડોલી, મહુવા, કામરેજ, માંગરોળ, પલસાણા તાલુકામાં જોઈએ તેવો વરસાદ ન પડતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
દક્ષિણ ગુજરાતમા ખાસ કરીને સુરત જિલ્લાના ખેડૂતો સોમાસુ ડાંગરનું વાવેતર કરે છે. પરંતુ વરસાદ ખેંચાતાં આ વર્ષે હજુ સુધી રોપણીમાં વિલંબ સર્જાઈ રહ્યો છે. જો કે, કેટલાક ખેડૂતો પાસે કૂવા-બોર અને મોટરની સગવડ છે. એટલે એવા ખેડૂતોએ રોપણીનું કાર્ય આરંભ્યું છે. જ્યારે બાકીના હજુ પણ મેઘરાજાની રાહ જોઈ રહ્યાં છે. રોપણીલાયક વરસાદ તો પડ્યો જ નથી. એટલે જે ખેડૂતો પાસે ટ્યુબવેલ, વીજ પૂરવઠાની સગવડ હતી તે ખેડૂતોને તકલીફ ઓછી વર્તાઈ છે. પરંતુ નાના ખેડૂતો અને આવી સુવિધાથી વંચિત ખેડૂતોની હાલત દયનીય છે. ખેડૂતોનું માનવું છે કે જો આગામી બે-ચાર દિવસમાં વરસાદ આવી જાય તો ખેડૂતોને ઘણી રાહત થશે પણ જો એકાદ સપ્તાહ સુધી લંબાશે તો ખેડૂતોને મોટાપાયે નુકસાન જવાની ભીતિ છે.
માંડવી તથા તાલુકાનાં ગામોમાં વરસાદ ન પડતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. માંડવી તાલુકો 149 જેટલાં ગામો ધરાવતો તાલુકો છે. અને મોટા ભાગના લોકો ખેતી પર નિર્ભર છે. આ વર્ષે વરસાદ ઓછો પડતાં ચોમાસું ડાંગરની રોપણીને અસર થઈ રહી છે. જે ખેડૂતો પાસે પિયતની સગવડ છે એ સિવાયના ખેડૂતો ચિંતાતુર બન્યા છે.
ઓલપાડમાં ખેડૂતોને સિંચાઈના પાણી માટે ફાંફાં
ઓલપાડ ટાઉન: દક્ષિણ ગુજરાતમાં ટાઉતે વાવાઝોડા સાથે શરૂ થયેલા વરસાદથી ૬થી ૮ જેટલું પાણી ઝીંકાયું હતું. જેનાથી ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે હાલ ડાંગરની રોપણી ટાણે જ વરસાદના અભાવથી ખેડૂતો પાણી માટે રઘવાયા બન્યા છે. બીજી બાજુ સિંચાઈ વિભાગ દ્વારા હાલ સિંચાઈનું પાણી છોડવામાં આવ્યું છે તે પૂરતા પ્રમાણમાં ન મળતું હોવાથી ઓલપાડ કાંઠા વિસ્તારના છેવાડાના ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હાલ ડાંગર રોપણીનો મહત્ત્વનો તબક્કો હોવાથી ખેડૂતો સિંચાઈની કેનાલો પર રાત-દિવસ આંટા ફેરા મારી રહ્યા છે. પરંતુ પાણી મેળવવામાં નિષ્ફળતા મળી રહી છે. કેનાલોમાં ઉપરવાસમાં ખેડૂતો નહેરમાં આડાશ કરી પાણી વાળી લેતા હોય છે. જેથી છેવાડાના કાંઠા વિસ્તારમાં પાણી મળતું નથી. આ અંગે ખેડૂત આગેવાનો દ્વારા સિંચાઈ અધિકારીઓને વખતોવખત ધ્યાન દોરવા છતાં રજૂઆતો વાંઝણી પૂરવાર થઇ રહી છે. આ મામલે ઓલપાડના ધારાસભ્ય ખેડૂતોની વહારે આવી સિંચાઇની કેનલોમાં પૂરતા પ્રમાણમાં પાણી છોડાવે એ જરૂરી બન્યું છે.