સુરત શહેરમાં નવા વર્ષના વધામણાં વરસાદે કર્યા હતા. વહેલી સવારથી શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું હતું. હજીરાના કાંઠાના ગામો, અડાજણ, પાલ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. આ સાથે જ ઠંડા પવનો ફૂંકાવા લાગ્યા હતા જેથી ખરેખર નવા વર્ષના પહેલા દિવસે આજથી શિયાળો બેઠો હોય તેવો માહોલ જામ્યો હતો.
નવા વર્ષના પહેલાં દિવસે આખું શહેર ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાયેલું જોવા મળ્યું હતું. ગાઢ ધુમ્મસના લીધે વિઝિબિલિટી ઓછી થઈ હતી. આજે શહેરનું લઘુત્તમ તાપમાન 18.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે જે પાછલા ત્રણ દિવસની સરખામણીએ 3 ડિગ્રી ઓછું છે. હવામાં ભેજનું પ્રમાણ 91 ટકા જેટલું ઊંચું નોંધાયું છે. તેથી સવારથી વાતાવરણમાં ભેજ અને ધુમ્મસનો અનુભવ થયો છે. મહત્તમ તાપમાન 30 ડિગ્રી આસપાસ સ્થિર નોંધાયું છે. પવનની ગતિને કારણે બપોરે પણ ઠંડક અનુભવાઈ છે. હવાનું દબાણ 1013.5 એચપીએ નોંધાયું છે.
હજીરાના ગામોમાં જોરદાર વરસાદ વરસ્યો
આજે સવારે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. ખાસ કરીને હજીરા કાંઠાના ગામોમાં જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું. રસ્તાઓ ભીના થઈ ગયા હતા. વાહનચાલકો ભિંજાઈ ગયા હતા.
હવામાન વિભાગ શું કહે છે?
હવામાન વિભાગ અનુસાર આગામી થોડા દિવસ ઠંડીનું જોર જોવા મળશે. ઉત્તરીય પવનોને લીધે રાત્રિના તાપમાનમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે. શહેરમાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાઈ શકે છે.