નવી દિલ્હી: દેશમાં બદલાતા હવામાનની ઘટનાઓ વચ્ચે આજે 2 નવેમ્બરે પણ દક્ષિણના (South) ઘણા વિસ્તારોમાં વરસાદની (Rain) સંભાવના છે, જેના કારણે શાળાઓ બંધ (Schools closed) રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વરસાદના કારણે તમિલનાડુના (Tamil Nadu) 9 જિલ્લામાં મંગળવારે પણ શાળાઓ બંધ રાખવામાં આવી હતી. તિરુવન્નામલાઈ, ચેન્નઈ, તિરુવલ્લુવર, રાનીપેટ્ટાઈ, કાંચીપુરમ, ચેંગલપેટ, વેલ્લોર, વિલ્લુપુરમ અને તિરુપથુરમાં 8મા ધોરણ સુધીની શાળાઓ પણ હવામાન વિભાગ દ્વારા વરસાદ અને પાણી ભરાઈ જવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને 2 નવેમ્બરે બંધ કરવામાં આવી છે. ત્યારે કહી શકાય કે છેલ્લા 30 વર્ષમાં આ પ્રથમ વખત આટલો વરસાદ નોંધાયો છે.
વરસાદને કારણે શાળાઓમાં પાણી ભરાયા
તમને જણાવી દઈએ કે ચેન્નાઈ અને અન્ય જિલ્લાઓ તેમજ તમિલનાડુના અન્ય વિસ્તારોમાં વરસાદ વરસવાનો બંધ થયો નથી. છેલ્લા ત્રણ દિવસથી રાજ્યની રાજધાની અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેના કારણે શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. ચેન્નાઈમાં અનેક જગ્યાએ પાણી ભરાવાને કારણે વાહનવ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. ત્યારે આજે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના દરિયાકાંઠા અને કાવેરી ડેલ્ટા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. આ સાથે જ તમને જણાવી દઈએ કે 29 ઓક્ટોબરે તમિલનાડુમાં પૂર્વોત્તર ચોમાસાનો વરસાદ શરૂ થયો હતો. તાપમાનની વાત કરીએ તો ચેન્નાઈમાં આજે એટલે કે 2 નવેમ્બર લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ છે. આ સાથે જ, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચેન્નાઈમાં 5 નવેમ્બર સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ચેન્નાઈના વરસાદે તોડ્યો 30 વર્ષનો રેકોર્ડ
હવામાન વિભાગ અને સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. હવામાન વિજ્ઞાનના પ્રાદેશિક હવામાન કેન્દ્રના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ એસ બાલચંદ્રને ચેન્નાઈના હવામાન પર વાત કરતા જણાવ્યું હતું કે 1 નવેમ્બરના રોજ નુંગમ્બક્કમમાં 8 સેમી વરસાદ નોંધાયો હતો અને છેલ્લા 30 વર્ષમાં આ પ્રથમ વખત છે અને છેલ્લા 72 વર્ષમાં આવો ત્રીજો રેકોર્ડ છે. તેમણે કહ્યું કે 1990માં ચેન્નાઈમાં 13 સેમી અને 1964માં 1 નવેમ્બરના રોજ બંને વખત 11 સેમી વરસાદ પડ્યો હતો.