છેલ્લા બે દિવસથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદનો માહોલ છે. સોમવાર સાંજે વિજળીના કડાકા સાથે ભારે પવન ફૂંકાયો હતો. રાત્રે પણ વરસાદ વરસ્યો હતો. આજ સ્થિતિ મંગળવારે પણ જોવા મળી હતી. સુરતમાં મંગળવાર બપોરથી ફરી કાળા વાદળો આકાશમાં દેખાયા હતા. જોતજોતામાં ભારે વરસાદ વરસી પડ્યો હતો. કમોસમી વરસાદને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ખેતીને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. નવસારી વલસાડ ધરમપુર વિસ્તારમાં કેરીના પાકને ભારે નુકસાન થયું છે.
રાજ્યમાં હવામાન વિભાગે અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે કરા પડવાની પણ આગાહી કરવામાં આવી છે. સોમવારે સવારે 6 વાગ્યાથી આજે (મંગળવાર) સવારે છ વાગ્યા સુધીમાં રાજ્યના 168 તાલુકામાં એક મિમિથી લઈ દોઢ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. મંગળવાર વહેલી સવારથી રાજ્યના કેટલાક જિલ્લામાં ફરીથી વરસાદ શરૂ થયો હતો. ભારે પવન અને વરસાદના કારણે બે દિવસમાં રાજ્યમાં કુલ 14 લોકોના મોત નિપજ્યા હતા.
વલસાડમાં અચાનક વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડ્યો
વલસાડમાં સોમવારે રાત્રે પડેલા ઝરમર વરસાદ બાદ મંગળવારે બપોર પછી વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જેને લઇ જનજીવન ઠપ્પ થઇ ગયું હતુ. આ વરસાદમાં ઠેક ઠેકાણે પતરા ઉડવાની ઘટના પણ સામે આવી હતી. વલસાડમાં મંગળવારે બપોરે 3.15 કલાકે ગાજ વીજ અને સુસવાટા ભર્યા પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. મંગળવારે સવારે જ હવામાન વિભાગ દ્વારા વલસાડમાં વરસાદની અને કરા પડવાની આગાહી કરી હતી. જે સાચી ઠરી હતી અને બપોર સુધીમાં વરસાદ તૂટી પડ્યો હતો. ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે વલસાડના સ્ટેડિયમ રોડ પર પતરાં ઉડવાની ઘટના સામે આવી હતી. જેના કારણે કેટલાક અકસ્માતો થતા થતાં રહી ગયા હતા.
વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ
વલસાડમાં વરસાદના કારણે મંગળવારે મે મહિનામાં વાતાવરણ પલટાયું હતુ અને ઠંડક પ્રસરી ગઇ હતી. તાપમાનનો પારો સામાન્ય દિવસ કરતા 8 ડિગ્રી ઘટીને 28 ડિગ્રી સેલ્સિયસ થઇ ગયો હતો. ઠંડક સાથે વલસાડમાં 17 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાયો હતો. તેમજ એક કલાકમાં અંદાજીત 2 મિમિ જેટલો વરસાદ વરસ્યો હતો.
ધરમપુર પંથકમાં કમોસમી વરસાદને કારણે કેરીના પાકને નુકસાન
ધરમપુર પંથકમાં સાજે ચાર કલાકે અચાનક ગાજવીજ તથા વાવાઝોડાં સાથે મૂશળધાર વરસાદ પડતાં કેરી નાં પાક સહિત કઠોર શાકભાજી નાં પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યો હતો. વાવાઝોડા ને કારણે ધરમપુર શહેરનાં મસ્જીદ ફળીયા ખાતે મેમણ પરિવારના મકાનના બે પતરાં ઉડી જવા પામ્યા હતા જયારે અનેક જગ્યાએ માર્ગ ઉપર ઝાડ પડવાના બનાવો બન્યા હતા. પવન ફુંકાતા વિધુત બોર્ડ દ્વારા વિજ પુરવઠો બંધ કરી દેવાતા લોકો ની હાલત દયનીય બની જવા પામી હતી. કમોસમી વરસાદને કારણે કેરીના પાક કઠોર શાકભાજી સહિત પાકને નુકસાન થવાની ભીતિ વ્યકત કરાઈ છે.