ચોમાસા દરમિયાન વરસાદે બીજા રાઉન્ડની બેટિંગ શરૂ કરતાં જ કડોદરા ચાર રસ્તા ઉપર ટ્રાફિક સમસ્યાએ અજગર ભરડો લીધો છે. આયોજન વગરની અંદર બાયપાસની કામગીરીને લઈ ઠેરઠેર પાઇપ લાઈનો બ્લોક થતાં વરસાદી પાણી તેમજ ગટરનું પાણી રોડ ઉપરથી વહી રહ્યું છે. અંદરપાસની કામગીરી હાલ વાહન ચાલકો અને નગરજનો માટે દુષ્કર બની છે. કોન્ટ્રાક્ટર સામે પણ પગલાં લેવા નગરજનોની માંગ ઉઠી છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં કડોદરા નગર વિસ્તારમાં અવિરત પડી રહેલ વરસાદને પગલે કડોદરા ચાર રસ્તા બેહાલ થઈ ગયું છે.
અહીં અંડરપાસની કામગીરી ચાલે છે. જો કે, કામગીરી દરમિયાન બંને બાજુના સર્વિસ રોડ ન બનાવવાના કારણે ટ્રાફિક સમસ્યા વધી છે. અહીં અંડરપાસની બંને બાજુઓની ગટર લાઇન તૂટી ગઈ છે. પરિણામે વરસાદી અને ડ્રેનેજ પાણીનો નિકાલ થતો નથી. જેને લઈ વાહન ચાલકોએ અંહીથી પસાર થવું દુષ્કર સાબિત થઈ રહ્યું છે. કડોદરા ચાર રસ્તા વિસ્તારમાં આયોજનનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. સર્વિસ રોડ ખુલ્લા નથી. રોડની બંને બાજુએ લારીગલ્લા તેમજ રિક્ષા પાર્કિંગ કરવામાં આવે છે.
પરિણામે ટ્રાફિક સમસ્યામાં વધારો થાય છે. પોલીસ અને નગરપાલિકા ટ્રાફિક હળવું કરવા મીટિંગ તો કરે છે. પરંતુ જમીન પર વાસ્તવિક કામગીરી નજરે પડતી નથી. પરિણામે વાહનચાલકોએ અને નગરજનોએ આ સમસ્યાનો ભોગ બનવું પડી રહ્યું છે. નગરપાલિકાના ચીફ ઓફિસર અને શાસકો જાણે કઈ બન્યું નથી તે રીતે જ વહીવટ કરી રહ્યા હોવાનું નગરજનો કહી રહ્યા છે.
રોડની વચ્ચોવચ્ચ ગટરનાં ઢાંકણાં ખુલ્લાં
કડોદરા નગરમાં હાઇવે ઉપર બની રહેલા અંડરપાસ ઉપયોગી નીવડશે કે નગરજનો અને વેપારીઓ માટે મુશ્કેલી ઊભી કરશે એ પછીનો વિષય છે. પરંતુ હાલમાં આયોજન વગર જ અંડરપાસની કામગીરી ચાલી રહી છે એ હકીકત છે. અંદર પાસની બંને બાજુના રોડ ઉપર પાઇપલાઇન તૂટી ગઈ છે. પરિણામે પાણીનો નિકાલ નથી. રોડની વચ્ચોવચ્ચ ગટરનાં ઢાંકણો ખુલ્લાં છે. જે પણ અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે. હાલ કડોદરા ચાર રસ્તા વિસ્તારમાં બંને બાજુના રોડ ઉપર બેથી ત્રણ ફૂટ પાણીનો ભરાવો રહે છે. જેને કારણે વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે.