Dakshin Gujarat

ડાંગમાં મેઘાના તાંડવથી 11 કોઝવે પાણીમાં ગરક, સાપુતારામાં 9.68, આહવામાં 7.68 ઈંચ વરસાદ

સાપુતારા : ડાંગ જિલ્લાનાં સાપુતારા અને આહવા પંથકમાં બે દિવસથી મેઘરાજાએ ધબધબાટી બોલાવતા બારેમેઘ ખાંગાની સ્થિતિ જોવા મળી રહી છે. જેને પગલે નદી, નાળા અને કોતરોમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. ડાંગ જિલ્લાની અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા તથા ધોધડ નદી હાલમાં ગાંડીતુર બની બન્ને કાંઠે થઈ ધસમસતા પ્રવાહમાં વહેતી થઈ છે.

ગિરિમથક સાપુતારા અને ગલકુંડ પંથકમાં અવિરતપણે ધોધમાર વરસાદ ચાલુ રહેતા અંબિકા અને ખાપરી નદીમાં ઘોડાપુર આવ્યા છે. અંબિકા નદીમાં ઘોડાપુર આવતા નદીનાં કાંઠે આવેલા ડાંગરનાં ખેતરોનું ધોવાણ થઈ જવા પામ્યુ છે. જ્યારે શામગહાન (બારીપાડા)થી સુરગાણાને જોડતા રાજ્યધોરીમાર્ગનાં માનમોડી કોઝવેકમ પુલ પર ફરી વળતા રેલિંગ પણ ઘસડી લઈ જતા જંગી નુકશાન થયુ હતુ. ડાંગ જિલ્લાની અંબિકા નદીમાં પુર આવતા વઘઇનો ગીરા ધોધ અધધ પાણીનાં જથ્થા સાથે સોળે કળાએ ખીલી ઉઠ્યો હતો. ખાપરી નદીમાં પણ ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ હતી. સુબિર તાલુકાનો ગીરમાળનો ગીરાધોધ, ગીરા નદીનો વનદેવીનો નેકલેસ વેલી ઓફ વ્યુ પોઈંટ, પાંડવ ગુફા, અંજની કુંડ, આહવા શિવ ઘાટનો ધોધ, ભેગુધોધ, આંકડાનો ધોધ સહિતનાં નાના મોટા જળધોધ અધધ પાણીનાં પ્રવાહ સાથે ખીલી ઊઠ્યા હતા. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન સુબિર પંથકમાં 137 મીમી અર્થાત 5.48 ઈંચ, વઘઇ પંથકમાં 171 મીમી અર્થાત 6.84 ઈંચ, આહવા પંથકમાં 192 મીમી અર્થાત 7.68 ઈંચ જ્યારે સૌથી વધુ સાપુતારા પંથકમાં 242 મીમી અર્થાત 9.68 ઈંચ વરસાદ નોંધાયો હતો.

ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી 11 કોઝવે પાણીમાં ગરક, 40થી વધુ ગામ સંપર્ક વિહોણા
સુબિર તાલુકાનો (1) હિંદળાથી ધુડા રોડ, અને (2) કાકડવિહીરથી ખેંરિન્દ્રા-ચમારપાડા રોડ, સહિત આહવા તાલુકાના (1) ચિકટીયા-ગાઢવી રોડ, (2)રાનપાડા-ભાપખલ-બારીપાડા રોડ, (3) ભવાનદગડ-ધુલચોંડ-આમસરવલણ રોડ, (4) બારીપાડા-ચિરાપાડા રોડ, તથા વઘઇ તાલુકાના (1) ખાતળ ફાટકથી ઘોડી રોડ, (2) માછળી-ચિખલા-દિવડ્યાવન રોડ-૧, (3) માછળી-ચિખલા-દિવડ્યાવન રોડ-૨, (4) વાઝટઆંબા-કોયલીપાડા રોડ, (5) ઘોડવહળ વી.એ.રોડ, (6) આહેરડી-બોરદહાડ રોડ, (7) ચીખલદા વી.એ.રોડ, (8) સુંસરદા વી.એ.રોડ, (9) માનમોડી-બોડારમાળ-નિબારપાડા રોડ, અને (10) આંબાપાડા વી.એ.રોડ,(11)કાલીબેલ-પાંઢરમાળ વાકન રોડ ઓવર ટોપિંગ થતા અવરોધાયા છે.

મેઘાનાં તાંડવનાં પગલે મોન્સૂન ફેસ્ટિવલનો ફિયાસ્કો
ગિરિમથક સાપુતારા ખાતે શનિ રવિની રજાઓમાં ધોધમાર વરસાદ પડતા ફરવા આવેલા પ્રવાસીઓ ખરા સમયે મૂંઝવણમાં મુકાયા હતા. સાપુતારામાં બે દિવસથી વરસાદે માઝા મુકતા જોવાલાયક સ્થળોનાં નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા હતા. સાપુતારામાં પ્રવાસીઓ પણ અસ્ત વ્યસ્ત બની મુંઝવણમાં મુકાયા હતા. એક મહિના માટે મેઘમલ્હાર પર્વ એટલે મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યુ છે. તેવામાં પ્રવાસન વિભાગની કચાસનાં પગલે કાર્યક્રમોનો ફિયાસ્કો થઈ રહ્યો છે. મેઘાએ તાંડવ કરી મોન્સૂન ફેસ્ટિવલનાં પર્વમાં ભાંગરો વાટી દેતા પ્રવાસીઓ પણ મુંઝવણમાં મુકાયા હતા. સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલનાં ડોમમાં પણ સંચાલકોની બેદરકારીનાં પગલે કાર્યક્રમો ફિક્કા જોવા મળ્યા હતા. જેથી સરકારનાં લાખો રૂપિયા પાણીની જેમ વહી ગયાનું જણાઈ આવ્યુ હતુ.

  • ડાંગ જિલ્લાનો 24 કલાકનો વરસાદ
  • સાપુતારા 9.68 ઈંચ
  • આહવા 7.68 ઈંચ
  • વઘઇ 6.84 ઈંચ
  • સુબિર 5.48 ઈંચ

Most Popular

To Top