સુરત: (Surat) આગામી 16 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે તેઓ કેવડિયા રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરી રહ્યા છે. ત્યારે રેલવે (Railway) દ્વારા પણ તે માટેની તૈયારીઓ ખુબ પુરજોશ કરાઇ રહ્યું છે. રેલવે બોર્ડ દ્વારા વડોદરા-વારાણસી મહામના એક્સપ્રેસ ટ્રેનને કેવડિયા (Kevadia) સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. આ સાથે દેશભરમાંથી 10 જેટલી ટ્રેનો સીધી કેવડિયા પહોંચશે. જેને કારણે સુરતના પ્રવાસીઓને પણ ટ્રેનમાં (Train) મુસાફરી કરી કેવડિયા પહોંચવાની સગવડ મળી રહેશે.
રેલવે કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે નવી ટ્રેન સેવા શરૂ કરી રહ્યું છે. મુંબઇ,વારાણસી, રીવા, દિલ્હી, હૈદરાબાદ, ચેન્નઇ જેવા શહેરોમાંથી સીધી ટ્રેન સેવા કેવડિયા સુધી શરૂ કરવામાં આવશે. રેલવેના વડોદરા ડિવિઝન દ્વારા આ માટે તૈયારીઓ પુરજોષમાં શરૂ કરી દીધી છે. તાજેતરમાં જ રેલવે લાઇન અને વીજલાઇનનું રેલવેના સેફ્ટી ઇન્સ્પેકટર પાસેથી ઇન્સ્પેકશન પણ કરાવી લીધું છે. જયારે ચાંદોદથી કેવડિયા સુધીની લાઇનનું ઇન્સ્પેકશન આગામી 14મી જાન્યુઆરીના રોજ કરવામાં આવશે.
રેલવેના પીઆરઓએ જણાવ્યું હતું કે, દાદર-કેવડિયા ટ્રેન દાદરથી નીકળ્યા બાદ વાપી-વલસાડ, સુરત સહિતના સ્ટેશનો પર સ્ટોપેજ લેશે. સુરતમાંથી પણ મુસાફર મોટી સંખ્યામાં મળી રહે તેવી રેલવેને આશા છે. આમ કેવડિયા જવા ઉત્સુક સુરતના લોકો માટે હવે ટ્રેનની પણ સુવિધા મળી રહેશે. ચાર જેટલી ટ્રેન સુરત સ્ટેશન રોકાશે તેવું રેલવે દ્વારા આયોજન કરાયું છે.
કઇ-કઇ ટ્રેન સુરતથી પસાર થશે
- દાદર-કેવડિયા
- કેવડિયા-વારાણસી મહામના
- કેવડિયા-ચેન્નઇ સેન્ટ્રલ
- કેવિડયા-રીવા મહામના
ત્રિવેન્દ્રમ અને હઝરત નિઝામુદ્દીન વચ્ચે આ વધારાની ટ્રેનો હવે સુરત થઈને દોડશે
રેલવેમાં મુસાફરોની સુવિધા માટે રેલવે બોર્ડ દ્વારા તા. 9 જાન્યુઆરીથી ત્રિવેન્દ્રમ અને હઝરત નિઝામુદ્દીન વચ્ચે વસઈ રોડ અને સુરત થઈને વધારાની ટ્રેન (TRAIN) દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન દક્ષિણ ગુજરાતના વાપી, સુરત અને ભરૂચ સ્ટેશનો ઉપર ઊભી રહેશે.
હઝરત નિઝામુદ્દીન-ત્રિવેન્દ્રમ સુપરફાસ્ટ (SUPER FAST) સાપ્તાહિક વિશેષ ટ્રેન 9 જાન્યુઆરીથી દર શનિવારે રાત્રે 00.30 કલાકે ત્રિવેન્દ્રમથી ઉપડશે અને બીજા દિવસે 22.40 વાગ્યે હઝરત નિઝામુદ્દીન સ્ટેશને પહોંચશે. જયારે રીવર્સમાં આ વિશેષ ટ્રેન તા. 11 જાન્યુઆરીથી દર સોમવારે હઝરત નિઝામુદ્દીનથી 05.00 વાગ્યે ઉપડશે અને બુધવારે સાંજે 04.55 કલાકે ત્રિવેન્દ્રમ પહોંચશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટીંગ કોચ રહેશે. ટ્રેન મુસાફરી દરમિયાન મથુરા, ભરતપુર, સવાઈ માધોપુર, કોટા, રતલામ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી, દહાનુ રોડ, વસઈ રોડ, પનવેલ, રત્નાગીરી, કરમાળી, મડગાંવ, કારવર, ઉડુપી, મંગલોર જંકશન, કન્નુર, કોઝિકોડ, શોરનુર, થ્રિસુર, એર્નાકુલમ ટાઉન, કોટ્ટયામ, કયાનકુલમ અને કોલ્લમ સ્ટેશનોએ ઊભી રહેશે.