SURAT

દિવાળીમાં ગોવાની ટૂરનું પ્લાનિંગ કરતા સુરતીઓ માટે ખુશખબર, રેલવેએ લીધો આ મહત્ત્વનો નિર્ણય

સુરત: દિવાળી વેકેશનમાં (Diwali Vacation) ગોવાના (Goa) પ્રવાસે જવા માંગતા સુરતીઓ માટે ખુશખબર છે. સુરતીઓ ગોવા સરળતાથી જઈ શકે તે માટે રેલવે વિભાગ (Railway Department) દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. રેલવે દ્વારા સુરતથી ગોવા વચ્ચે દિવાળી વેકેશન પૂરતું 4 સ્પેશ્યિલ ટ્રેન (Diwali Special Train) દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ સાથે જ રેલવે દ્વારા ટ્રેનનું શિડ્યૂલ જાહેર કરી દેવાયું છે અને બુકિંગ પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. તેથી જો તમે ગોવા જવાનું પ્લાનિંગ કરતા હોય તો તરત જ બુકિંગ કરાવી લો.

પાછલા વર્ષોમાં સુરતના ઉધના સ્ટેશન પરથી દોડતી ગોવા માટેની ટ્રેનને સારો પ્રતિસાદ મળ્યા બાદ ચાલું વર્ષે પણ રેલવે વિભાગે આ વખતે ઉધનાને બદલે સુરત સ્ટેશનથી ગોવા માટેની ટ્રેન દોડાવવા નિર્ણય લીધો છે. સુરતથી કરમાલી વચ્ચે દોડનારી આ સ્પેશિયલ ટ્રેન 26 મી ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી દોડાવાશે. આ ટ્રેન દર મંગળવારે રાત્રે 8.50 કલાકે સુરતથી ઉપડી બીજા દિવસે 9.12 કલાકે થિવીમ પહોંચશે. જ્યારે થિવીમથી દર ગુરુવારે બપોરે 2.30 વાગ્યે ઉપડી બીજા દિવસે સવારે 7.05 કલાકે સુરત પહોંચશે. તેવી જ રીતે બાન્દ્રા – મૌવ વચ્ચે પણ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે.

આ ટ્રેન દર મંગળવારે બાન્દ્રાથી રાત્રે 10.25 કલાકે ઉપડી ગુરુવારે સવારે 7.20 વાગ્યે મૌવ પહોંચશે. જ્યારે દર ગુરુવારે સાંજે 7 વાગ્યે મૌવથી નીકળી શનિવારે સવારે 4.30 કલાકે સુરત પહોંચશે. આ ઉપરાંત સુરત – કાનપુ૨ સેન્ટ્રલ (સુબેદા૨ ગંજ) વચ્ચે પણ 21 મી ઓક્ટોબરથી 27 મી નવેમ્બર વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. આ ટ્રેન દર શુક્રવારે સવારે 6 વાગ્યે સુરતથી ઉપડી શનિવારે સવારે 4.50 કલાકે કાનપુર પહોંચશે. જ્યારે શનિવારે સવારે 11.10 કલાકે સુબેદારગંજથી નીકળી રવિવારે 12.45 કલાકે સુરત પહોંચશે. આ સાથે જ બાન્દ્રા – સંગત માટે પણ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે.

નોંધનીય છે કે, કોરોના મહામારીના લીધે ગયા વર્ષે દિવાળી અને આ વર્ષના ઉનાળું વેકેશનમાં સુરતીઓ ફરવા જઈ શક્યા નહોતા. તેથી આ વર્ષે ગોવા, સિમલા સહિતના ટુરીસ્ટ ડેસ્ટીનેશન પર ફરવા માટે સુરતીઓ ધસારો કરે તેવી શક્યતા જોવામાં આવી રહી છે.

Most Popular

To Top