Gujarat

ભારતને 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવા માટે રેલવેની મહત્વપૂર્ણ ભૂમિકા

અમદાવાદ : ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ સાથે મહત્વપૂર્ણ ઓપન હાઉસ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ઉદ્યોગ, વેપાર અને લોજિસ્ટિક્સ ક્ષેત્રના અગ્રણીઓએ સક્રિય ભાગ લઈ માલ પરિવહન, મુસાફર કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. વેપારી મહામંડળના પ્રમુખ સંદીપ ઇજનેરે ભારતને 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવા માટે રેલવેની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે ભાર મૂક્યો હતો. તેમણે ઉદ્યોગ વિકાસ અને સ્પર્ધાત્મકતા વધારવા માટે લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા સુધારવાની જરૂરિયાત દર્શાવી હતી.

પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના મંડલ રેલ પ્રબંધક વેદ પ્રકાશે રેલવેની નીતિઓ, માલ પરિવહન કાર્યક્રમો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ સંબંધિત તાજેતરની માહિતી આપી જણાવ્યા હતુ કે ભારતીય રેલવેને વૈશ્વિક સ્તરની સુવિધાઓ સાથે વિકસાવવામાં આવી રહી છે.

વેદ પ્રકાશે વેપારીઓ અને ઉદ્યોગકારો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો અને સૂચનોને ગંભીરતાથી લઈ સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી અને તમામ યોગ્ય મુદ્દાઓનો ઝડપથી ઉકેલ લાવવા આશ્વાસન આપ્યું હતું.

રેલવે દ્વારા લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં સ્પર્ધાત્મકતા વધારવા માટે વેગન ઉપલબ્ધતા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને ડિજિટલ એકીકરણ જેવા મુદ્દાઓ પર ધ્યાન આપવાની જરૂરિયાત દર્શાવી હતી.

ઓપન ફોરમ દરમિયાન માલ પરિવહન, પોર્ટ કનેક્ટિવિટી અને મુસાફર સેવાઓ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. ઉદ્યોગ અને રેલવે વચ્ચે વધુ સારો સમન્વય સ્થાપિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

Most Popular

To Top