વાપી: (Vapi) વાપી પાલિકાના મહત્વનો રેલવે પેડસ્ટ્રીયન અંડરપાસનું (Railway Underpass) ખાતમુહૂર્ત શુક્રવારે સવારે ૧૦ કલાકે નાણાં મંત્રી કનુભાઇ દેસાઇના હસ્તે કરવામાં આવશે. વાપી પાલિકાના (Palika) પ્રમુખ વિઠ્ઠલભાઇ પટેલ તેમજ ચીફ ઓફિસર દર્પણ ઓઝા સહિતની ટીમે રેલવે અંડર પાસ બનાવવા માટે રેલવે સાથે લાંબો સમય વાટાઘાટ કરીને છેલ્લે આ પ્રોજેક્ટ હવે સાકાર થવા જઇ રહ્યો છે. વાપી પાલિકાનો આ પ્રોજેક્ટ રૂ.૮.૧૬ કરોડના ખર્ચથી સાકાર થશે. વાપી પાલિકાના આ પ્રોજેક્ટથી વાપીના લોકોને પૂર્વથી પશ્ચિમમાં આવવા માટે રેલવે અંડરપાસની સારી સગવડ મળી રહેશે. વાપી પાલિકા તરફથી ટાઉન પ્લાનર કલ્પેશ શાહની પણ આ પ્રોજેક્ટ માટે સારી મહેનત છે.
હવે ડિઝાઇન સહિત આખા પ્રોજેક્ટને સાકાર કરવા માટે રાજ્ય સરકારના નાણાં તેમજ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી તથા પારડી-વાપીના ધારાસભ્ય કનુભાઇ દેસાઇ શુક્રવારે સવારે ૧૦ કલાકે જૂના ફાટક પાસે પૂર્વ સાઇડમાં અંડરપાસનું ખાતમુહૂર્ત કરીને આ પ્રોજેક્ટ બનાવવા માટે આરંભ કરશે. વાપીના લોકો માટે વાપી પાલિકાના શાસકો તરફથી દિવાળી પહેલા દિવાળી જેવી આ ભેટ આપવામાં આવશે.
લોકો માટે આ અંડરપાસ બની ગયા બાદ પૂર્વથી પશ્ચિમ તરફ જવા માટે ઘણી સરળતા રહેશે. વાપી ટાઉનથી જીઆઇડીસી વિસ્તાર કે નેશનલ હાઇવે તરફ જવા માગતા લોકો માટે રેલવે ટ્રેક ઓળંગીને જવું પડે છે. અહીં ઘણાં લોકો રેલવે અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. આ અંડરપાસ બની ગયા બાદ પાલિકા તરફથી લોકોને એક સૌથી સલામત વ્યવસ્થા ઊભી કરી અપાશે. જે આ વિસ્તારના લોકો માટે આશિર્વાદરૂપ સાબિત થશે. શુક્રવારે ૨૨ ઓક્ટોબરે પાલિકા તરફથી ડો.અબ્દુલ કલામ શોપિંગ સેન્ટરના બીજા માળે ૫૭ જેટલા સફાઇ કામદારને નાણાં મંત્રી કનુભાઇના હસ્તે નિમણૂંક પત્ર અપાશે.
18 ફૂટ પહોળાઇનો હશે અંડરપાસ
વાપી પાલિકા તરફથી વાપી પૂર્વ અને પશ્ચિમને જોડતા જૂના રેલવે ફાટક પાસે પેડેસ્ટ્રીયન સબ વેની પહોળાઇ ૧૮ ફૂટ જેટલી હશે. જયારે તેની ઊંચાઇ ૮ ફૂટ જેટલી હશે. જૂના રેલવે ફાટક પાસે નિર્માણ થનારા આ અંડરપાસની લંબાઇ ૭૩ મીટર જેટલી હશે. લોકોના અવરજવર માટે તૈયાર થનારા આ અંડરપાસનો ખર્ચ રૂ. ૮.૧૬ કરોડ જેટલો થશે. આ અંડરપાસ માટે તેની ડિઝાઇનને લઇને મુંબઇ રેલવે વિભાગ સાથે લાંબો સમય પાલિકાના ટેક્નિકલ સ્ટાફે ચર્ચાઓ કર્યા બાદ હવે તે સાકાર થવા જઇ રહ્યો છે.