બિહાર(Bihar): સેના(Army)માં ભરતી માટે સરકારે અગ્નિપથ યોજના(Agneepath scheme)ની જાહેરાત કરતા જ રસ્તાઓ પર વિરોધ(Protest) પ્રદર્શન શરુ થઇ ગયું હતું. બિહારથી લઈને ઉત્તર પ્રદેશ(Uttar Pradesh) સુધી યુવાનો રસ્તા અને રેલવે(Railway) ટ્રેક(Track) પર ઉતરી આવ્યા હતા. યુવાનોએ અનેક ટ્રેનો સળગાવી દીધી હતી. ઘણી બસોમાં આગના હવાલે કરી દીધી હતી. જો કે આ વિરોધ વચ્ચે બિહાર પોલીસ કોચિંગ સેન્ટરોની ભૂમિકાની તપાસ કરી રહી છે. તો આગ્રામાં આર્મી ભરતી તાલીમ કોચિંગ કેન્દ્રો બંધ કરી દેવામાં આવ્યા છે.
બિહારમાં ટ્રેનો રદ
બિહારમાં રેલ્વેએ એક મોટો નિર્ણય લેતા સવારે 4 થી 8 વાગ્યા સુધી કોઈ ટ્રેન નહીં ચલાવવાનો નિર્ણય લીધો છે. જેના કારણે ઘણી ટ્રેનો કેન્સલ થઈ શકે છે. રેલવેએ કહ્યું છે કે અત્યાર સુધીમાં 210 મેલ એક્સપ્રેસ અને 159 પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી છે. બે મેલ એક્સપ્રેસ ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી છે. કુલ 371 ટ્રેનો પ્રભાવિત થઈ છે.
બિહારના 15 જિલ્લામાં ઈન્ટરનેટ બંધ
અગ્નિપથ યોજના સામે હિંસક વિરોધ ચાલુ છે. બિહારના અનેક જિલ્લાઓમાં છેલ્લા ત્રણ દિવસથી હિંસક પ્રદર્શનો થઈ રહ્યા છે. દરેક નવા દિવસની શરૂઆત સાથે જ રેલ-બસ સળગાવવાની અને પથ્થરમારાની ઘટનાઓ સામે આવે છે. બગડતી સ્થિતિને જોતા બિહાર સરકારે રાજ્યના 15 જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દીધી છે. બિહાર પોલીસ પણ એક્શનમાં છે. બિહાર પોલીસે તેના ગુપ્તચર તંત્રને એલર્ટ કરી દીધું છે. ઘણા વિરોધીઓ પણ પકડાયા છે.
જહાનાબાદમાં બસ-ટ્રકને આગ
બિહારના જહાનાબાદમાં અગ્નિપથના વિરોધે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જહાનાબાદમાં રોષે ભરાયેલા દેખાવકારોએ એક બસ અને એક ટ્રકને આગ ચાંપી દીધી હતી. ટ્રક અને બસ બળીને રાખ થઈ ગયા હતા. દેખાવકારોએ પથ્થરમારો પણ કર્યો હતો. જોકે, પથ્થરમારાની ઘટનામાં કોઈ નુકસાન થયું નથી. હંગામાની માહિતી મળતાં જ જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જહાનાબાદમાં નિયંત્રણ હેઠળ હોવાનો દાવો પોલીસ-પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યો છે.
મુંગેરમાં BDOના વાહન પર હુમલો
બિહારના મુંગેરમાં દેખાવકારોએ તારાપુર-સુલતાનગંજ મુખ્ય માર્ગને બ્લોક કરી દીધો હતો. દેખાવકારોએ ટાયરો સળગાવીને આ માર્ગ પરનો વાહનવ્યવહાર બંધ કરી દીધો હતો. વિરોધીઓએ તારાપુરના BDOના સરકારી વાહન પર પણ હુમલો કરી તોડફોડ કરી હતી. બીડીઓના સરકારી વાહનને નુકસાન થયું છે. ટ્રાફિક બંધ અને પ્રદર્શનની માહિતી મળતાં જ ભારે પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. અગ્નિપથ યોજનાને તાત્કાલિક પાછી ખેંચવાની માગણી કરીને, પોલીસ-પ્રશાસનના અધિકારીઓએ સૂત્રોચ્ચાર કરી રહેલા વિરોધીઓને શાંત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ કંઈપણ સાંભળવા તૈયાર ન હતા. રોડની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.
યુપીના જૌનપુરમાં રોડવેઝની બસમાં વિસ્ફોટ થયો
અગ્નિપથ યોજના સામે હિંસક વિરોધની જ્વાળાઓ ઉત્તર પ્રદેશ સુધી પહોંચી ગઈ છે. ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લામાં પ્રદર્શનકારીઓએ બસો અને પોલીસના વાહનોને નિશાન બનાવ્યા હતા. પ્રદર્શનકારીઓએ બસો અને પોલીસના વાહનોમાં તોડફોડ કરી હતી
બિહાર પોલીસ ‘અગ્નિપથ’ વિરોધમાં કોચિંગ સેન્ટરોની ભૂમિકાની તપાસ કરી રહી છે
બિહાર પોલીસે શનિવારે જણાવ્યું હતું કે તે રાજ્યમાં કેન્દ્રની અગ્નિપથ ભરતી યોજના સામે હિંસક વિરોધ ભડકાવવામાં કોચિંગ કેન્દ્રોની ભૂમિકાની તપાસ કરી રહી છે. ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ યુનિયનની આગેવાની હેઠળ બિહારમાં વિદ્યાર્થી સંગઠનોએ આ અઠવાડિયે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સૈન્યમાં નવી ભરતી યોજનાને તાત્કાલિક પાછી ખેંચવાની માંગ સાથે 24 કલાકના બિહાર બંધનું આહ્વાન કર્યું છે. પટનાના ડીએમ ચંદ્રશેખર સિંહે કહ્યું કે 170 લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે, જેમાંથી 46ની દાનાપુર રેલવે સ્ટેશનમાં તોડફોડ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે.
આગ્રામાં આર્મી ભરતી તાલીમ કોચિંગ કેન્દ્રો બંધ
અગ્નિપથ યોજના સામે ચાલી રહેલા દેશવ્યાપી વિરોધને કારણે, આગ્રા જિલ્લા પ્રશાસને એક મોટો નિર્ણય લીધો છે અને જિલ્લામાં સેનાની ભરતીની તાલીમ આપતા કોચિંગ કેન્દ્રોને બંધ કરી દીધા છે. મોટાભાગના કેન્દ્રોમાં બહારના વિદ્યાર્થીઓ છે. તંત્રએ બળજબરીથી બધાને ઘરે મોકલી દીધા છે અને કહ્યું છે કે જ્યારે કેન્દ્ર ફરી ખુલશે ત્યારે માહિતી આપવામાં આવશે. મોટાભાગના કોચિંગ સેન્ટર ન્યુ આગ્રા વિસ્તારમાં છે. આ સાથે જિલ્લાના તમામ લશ્કરી તાલીમ કેન્દ્રો અનિશ્ચિતકાળ માટે બંધ કરી દેવામાં આવ્યા છે.