બારડોલી: બારડોલીની (Bardoli) અસ્તાન રેલવે ફાટક (railway crossing) પર ઓવરબ્રિજની (Overbridge) મંજૂરી મળ્યાને બે વર્ષ તેમજ ખાતમુહૂર્ત થયાને 6 મહિના બાદ પણ કામગીરી શરૂ થઈ શકી નથી. 30.49 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ઓવરબ્રિજનું કામ ક્યાં અને કયાં કારણોસર અટક્યું છે તે જાણી શકાયું નથી.
વર્ષ 2020માં ગુજરાત સરકાર દ્વારા ફાટકમુક્ત ગુજરાતની નેમ સાથે રાજ્યની 20 નગરપાલિકા વિસ્તારોમાં 16 રેલવે ઓવરબ્રિજ અને 10 રેલવે અંડરબ્રિજના (Underbridge) નિર્માણ માટે 753.37 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં બારડોલીના અતિ વ્યસ્ત ગણતાં અસ્તાન રોડ પર આવેલ અસ્તાન ફાટક પર પણ ઓવરબ્રિજ નિર્માણની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. બારડોલીથી પસાર થતી સુરત ભુસાવળ રેલવે લાઇન ડબલટ્રેક થઈ જતાં આ લાઇન પર ટ્રેનોની સંખ્યામાં ઘણો વધારો થયો છે. અંદાજિત દસ દસ મિનીટના અંતરે ટ્રેનો પસાર થતી હોય ફાટક બંધ રહેવાથી હાલમાં વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. વારંવાર ટ્રેન આવવાથી અમુક વખત તો લાંબા સમય સુધી વાહનચાલકોએ ફાટક ખૂલે તેની રાહ જોવી પડે છે. જેને કારણે સમય અને ઈંધણ બંનેનો બગાડ થાય છે.
બીજી તરફ ફાટક બંધ રહેવાને કારણે બારડોલીની સુગર ફેક્ટરી ફાટક અને અસ્તાન ફાટક બંને સાથે જ બંધ થતી હોય ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાય છે. આથી બારડોલીમાં કોઈ પણ એક ફાટક પર ઓવરબ્રિજ બને એવી સ્થાનિક લોકોની ઘણા સમયથી માંગ હતી. જેને સરકારે બે વર્ષ પહેલાં મંજૂરી આપી હતી. પરંતુ મંજૂરીના બે વર્ષ બાદ પણ વિસ્તારની જનતા રેલવે ઓવરબ્રિજની રાહ જોઈને બેઠી છે. ગત તા.8મી ઓગસ્ટ-2021ના રોજ તાત્કાલિક વિધાનસભાના અધ્યક્ષ અને વર્તમાન મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા બારડોલીમાં 30.49 લાખ રૂપિયાના ખર્ચે બનનાર 795 મીટર લંબાઈના નવા રેલવે ઓવરબ્રિજનું ઇ-ખાતમુહૂર્ત કર્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ રેલવે ઓવરબ્રિજ માટે ટેન્ડર પ્રક્રિયા પૂરી થવાની સાથે એજન્સીની પણ નિમણૂક થઈ ચૂકી છે. પરંતુ ખાતમુહૂર્તના 6 મહિના બાદ પણ કામ શરૂ નથી થઈ શકતા લોકોમાં સરકારની ઢીલી નીતિને લઈને રોષ જોવા મળી રહ્યો છે. કહેવાય રહ્યું છે કે, રેલવે ઓવરબ્રિજની ડિઝાઇનમાં કઈક ક્ષતિ હોવાથી કામગીરી શરૂ થઈ શકી નથી.
2016થી જેમ દસ્તાન ફાટક પર રેલવે ઓવરબ્રિજનું કામ 6 વર્ષ બાદ પણ પૂર્ણ થઈ શક્યું નથી. પાલિકાના વર્ષ 2015-16ના બજેટમાં રેલવે ઓવરબ્રિજની જોગવાઈ કરવામાં આવી હતી. ત્યારબાદ ખર્ચ વધી જતાં આ કામગીરી હવે જીયુડીસી હેઠળ કરવામાં આવી રહી છે. પરંતુ મંજૂરીનાં બે વર્ષ અને ખાતમુહૂર્તના 6 મહિના બાદ પણ લોકો હજી કામ શરૂ થાય તેની રાહ જોઈને બેઠા છે.