ભરૂચ, અંકલેશ્વર: અંકલેશ્વર ભરૂચ વચ્ચેના રેલવે જંક્શન વચ્ચેથી પસાર થતી મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચના દરવાજા પાસે એકાએક ધુમાડા નીકળતા પેસેન્જર વર્ગના જીવ તાળવે ચોંટી ગયા હતા. મળતી માહિતી પ્રમાણે મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચના દરવાજાની પાછળના ઇલેક્ટ્રિક બોર્ડમાં શોર્ટ સર્કિટ થવાને કારણે ધુમાડાએ દેખા દેતા પેસેન્જર વર્ગમાં નાસભાગ મચી જવા પામી હતી. જો કે તુરંત ટ્રેનને ઉભી રાખી દેવામાં આવી હતી અને પેસેન્જરોને ઉતારી દેવામાં આવ્યા હતા.
અંકલેશ્વર ભરૂચ વચ્ચે બોરભાઠા ગામ નજીક મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનના એન્જીનથી બીજા ડબ્બાના જનરલ કોચના એક દરવાજામાં એકાએક ધુમાડા દેખાયા હતા. ટ્રેનમાં તહેનાત રેલવે કર્મચારીએ તુરંત ફાયર ઇન્સ્ટિગ્યુશ્નરની મદદથી નજીવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો કર્યા હતા. જો કે ટ્રેનને તાત્કાલિક ધોરણે રોકી દેવામાં આવી હતી અને ટ્રેનમાંથી તમામ મુસાફરોને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા.
આ ઘટનાના તુરંત બાદ ભરૂચ રેલવે સ્ટેશન ઉપર નગરપાલિકાના બે ફાયર ટેન્ડરોને તહેનાત કરી દેવામાં આવ્યા હતા અને ટ્રેનને ભરૂચ રેલવે સ્ટેશન લઇ જવામાં આવી હતી. જો કે આ ઘટનામાં કોઈપણ જાનહાનિ કે ઇજા નહીં પહોંચતા સ્થાનિક રેલવે સતાધિશોએ રાહતનો શ્વાસ લીધો હતો.