Dakshin Gujarat Main

લાયસન્સ વિના આર્યુવેદિક બનાવટોનું ઉત્પાદન કરતી ઓલપાડની ફેક્ટરી પર દરોડા, સેમ્પલ લેવાયા

સુરતઃ ઓલપાડ ખાતે વગર પરવાને આયુર્વેદિક બનાવટોનું ગેરકાયદે ઉત્પાદન કરતી ફેક્ટરી પર ખોરાક અને ઔષધ નિયમન તંત્રના દરોડા પડ્યા છે. ફેક્ટરીમાંથી 11.60 લાખની કિંમતનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો છે. શંકાસ્પદ જથ્થાના 15 નમૂના લેવામાં આવ્યા છે.

ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ માહિતી આપતા કહ્યું કે, સુરત ખાતે આયુર્વેદિક બનાવટોનું ઉત્પાદન અને વેચાણ કરતી ફેક્ટરી ખાતે ડ્રગ ઓફીસરોની ટીમ દ્વારા દરોડો પાડતા સ્થળ પર કવાથ, ચૂર્ણ તથા જોઇન્ટ રીલિફ ઓઈલ નામની અલગ-અલગ પ્રકારની આયુર્વેદિક દવાનું ઉત્પાદન થતું જોવા મળ્યું હતું. પૂછપરછ કરતા જોગી હર્બાસ્યૂટીકલ પ્રા.લી. દ્વારા પરવાના કે લાયસન્સ મેળવ્યા વગર આ દવાઓનું ઉત્પાદન કરતા હોવાનું જણાઈ આવતા, તાત્કાલિક ઉત્પાદન બંધ કરાવીને ફેક્ટરી સીલ કરવામાં આવી હતી.

આ પેઢીના ડિરેક્ટર નિલેશભાઈ જોગલ તેમજ ડૉ. દેવાંગી જોગલ સામે કાયદેસરની કાર્યવાહીને ધ્યાને રાખી ફેક્ટરી ખાતેથી આશરે 2 લાખની કિંમતનું રો-મટેરિયલ, 70 હજારની કિંમતનું પેકીંગ મટેરીયલ, 2.90 લાખની કિંમતની ફીનીશ્ડ પ્રોડક્ટ તેમજ 6 લાખની કિંમતની કવાથ, ચૂર્ણ તથા ઓઈલ બનાવવાની મશીનરી મળીને આશરે 11.60 લાખ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

વધુમાં કમિશનરે જણાવ્યું હતું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા ફેક્ટરી ખાતે ઉત્પાદિત શંકાસ્પદ આયુર્વેદિક દવાના પાંચ નમૂના તથા રો-મટીરીયલના દસ નમૂનાઓ મળી કુલ 15 નમૂનાઓ લઈ, પૃથક્કરણ માટે સરકારી પ્રયોગશાળા-વડોદરા ખાતે મોકલી આપવામાં આવ્યા છે, જેનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

દવાના નમૂનાઓનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે તેમજ ગેરકાયદેસર રીતે બનાવટી એલોપેથીક, આયુર્વેદિક અને કોસ્મેટીક્સ દવા બનાવતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે તંત્ર કટિબદ્ધ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓએ તાજેતરમાં ગાંધીનગર ખાતે વગર લાયસન્સે સ્પુરીયસ એલોપેથીક દવાનું ઉત્પાદન કરતી ડુપ્લીકેટ ફેક્ટરી મે. શ્રી હેલ્થકેર અને સુરત ખાતે કોસ્મેટીકની આડમાં એલોપેથીક દવા ઓનલાઇન એમેઝોનના માધ્યમથી બનાવટી દવા વેચાણ કરતી ફેક્ટરી પકડી પાડી હતી.

આ ઉપરાંત ભાવનગર ખાતે પણ ઓનલાઇન એમેઝોનના માધ્યમથી બનાવટી કોસ્મેટીક બનાવટના કોઇપણ જાતના લાયસન્‍સ વગર ઉત્પાદન કરતી પેઢીઓ પર દરોડા પાડી, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર અને ગુનાહીત પ્રવૃતિમાં સંડોવાયેલા ઇસમો સામે કડક પગલાઓ લીધા હતા.

Most Popular

To Top