સુરત: સુરત શહેરના પાલનપુર જકાતનાકામાં આવેલી વી સ્ક્વેર બિલ્ડિંગમાં ચાલતા વેલનેસ સેન્ટરની અંદર ચાલતા કુટણખાના પર રાંદેર પોલીસે દરોડા પાડયા હતા. પોલીસે સંચાલક સહિત ૫ ઇસમોને પકડી લીધા છે. પોલીસે રેડ દરમિયાન ૧.૪૬ લાખની મત્તા કબજે કરી કુટણખાનું ચલાવનાર બેને વોન્ટેડ જાહેર કર્યા છે.
રાંદેર પોલીસ પાસેથી મળતી માહીતી મુજબ પાલનપુર જકાતનાકા વી સ્ક્વેર બિલ્ડિંગના બીજા માળે વેલનેસ સેન્ટરની આડમાં દેહ વ્યાપારનો ધંધો ચાલતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા દુકાનની અંદરથી 6 થાઈલેન્ડની યુવતી દેહ વ્યાપારનો ધંધો કરતી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે 6 વિદેશી યુવતીઓને દેહ વ્યાપારની પ્રવૃત્તિમાંથી મુક્ત કરાવી હતી.
પોલીસે વેલનેસ સેન્ટરના સંચાલક સંચાલક રોશન રાજકુમાર સિંગ (ઉં.વ ૨૯, રહે., એસએમસી આવાસ, સ્ટાર બજાર પાસે, અડાજણ, મૂળ જામનગર)ને પકડી લીધો હતો. વિદેશી મહિલાઓ સાથે કઢંગી હાલતમાં ૪ ગ્રાહકો પણ પકડાયા હતા. જેમાંથી એક ગ્રાહક બાળક કિશોર હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે અન્ય હાજર ગ્રાહકોને નામ પૂછતા કુમાર અતુલભાઇ અજુડીયા (ઉં.વ. ૨૧, રહે., સુખ શાંતિ રો હાઉસ, વેલંજા, મૂળ જામનગર), કેવલ કુમાર રાજેશભાઈ નાકરાણી (ઉં.વ.૨૨, રહે., ક્રિષ્ના ટાઉનશીપ, મોટા વરાછા, મૂળ અમરેલી) અને ઋત્વિક ગોરધનભાઈ ધામેલીયા (ઉં.વ. 24, રહે., સાધના સોસાયટી, મીની બજાર, વરાછા, મૂળ ભાવનગર) હોવાનું જણાવ્યું હતું.
ઉપરાંત પોલીસ દ્વારા હની અને અભય સાળુંકે નામના બે ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે ૧૨ હજાર રોકડા, ૫ મોબાઈલ સહિત કુલ ૧.૪૬ લાખની મત્તા કબજે લીધી છે. પોલીસે તમામ વિરુદ્ધ ઈમોરલ ટ્રાફિકિંગ પ્રિવેશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હની અને અભય જગ્યા ભાડે રાખી દેહ વ્યાપાર ચલાવતા હતા
પોલીસની તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, ગ્રાહક પાસેથી શરીર સુખ માણવાના 5,000 રૂપિયા લેવામાં આવતા હતા અને સંચાલક દ્વારા આ વિદેશી યુવતીઓને 2000 રૂપિયાની ચૂકવણી કરવામાં આવતી હતી. પોલીસને એવું પણ જાણવા મળ્યું હતું કે, હની અને અભય સાળુકે નામનો ઈસમ રોશન સિંગ સાથે મળીને વેલનેસ સેન્ટરની જગ્યા ભાડે રાખીને તેની અંદર દેહ વ્યાપારની પ્રવૃત્તિ કરાવતા હતા.
