આગામી વર્ષે ગુજરાતમાં વિધાનસભાની 182 બેઠકોની ચૂંટણી આવી રહી છે ત્યારે હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાની નિમણૂંકનો મામલો હવે ઉકેલાઈ જાય તેવી સંભાવના છે. ખાસ કરીને ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓને હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ( રાગા) નું તેડુ આવી ગયું છે.
આગામી તા.22મી ઓક્ટોબરના રોજ સવારે 10.30 વાગ્યે રાહુલ ગાંધીના નિવાસસ્થાને મહત્વની બેઠક યોજાનાર છે. જેમાં નવા પ્રદેશ અધ્યક્ષ અને વિપક્ષના નેતાની વરણી અંગે નિર્ણય લેવાઈ જાય તેવી સંભાવના છે. રાહુલ ગાંધી દ્વારા યુવા નેતાગીરીને જવાબદારી સોંપાય તેવી પણ સંભાવના છે. જેના પગલે કેટલાંક સિનિયર નેતાઓ હાલમાં નવી દિલ્હી પહોચી ગયા છે. અને ત્યાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે.
2017થી વિધાનસભા શરૂ કરીને આજદિન ગુજરાતમાં કોંગ્રેસને સ્થાનિક સ્વરાજયની ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ જોઈએ તેટલી સફળતા મળી નથી. જેના પગલે કોંગીના કાર્યકરોમાં પણ નારાજગી છે. બીજી તરફ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમીત ચાવડા તથા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પોતાના રાજીનામા આપીને માઠા પરિણામની નૈતિક જવાબદારી સ્વીકારી પણ લીધી હતી. અલબત્ત નવી વ્યવસ્થા ના ગોઠવાય ત્યાં સુધી તેઓને ચાલુ રાખવામાં આવ્યા છે.
કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા તાજેતરમાં જ ગુજરાતના પ્રભારી તરીકે રાજસ્થાનના આરોગ્ય મંત્રી અને પાર્ટીની સિનિયર અગ્રણી રઘુ શર્માની નિમણૂક કરવામાં આવી છે ત્યારે તેમણે હવે ગુજરાતમાં પહેલા તો કોંગ્રેસનું સંગઠન વધારે મજબૂત બને તે દિશામાં કવાયત શરૂ કરી છે. હવે ખુદ રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસન મામલો હાથ પર લીધો છે. રાહુલ ગાંધીના નિવાસ્થાને મળનારી બેઠકમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી, ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમીત ચાવડા, પૂર્વ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અર્જુન મોઢવાડિયા, શકિત્તસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ, મધુસૂદન મિસ્ત્રી તથા સિનિયર અગ્રણીઓ હાજર રહેશે.