નવી દિલ્હીઃ ઝારખંડ ચૂંટણી દરમિયાન પ્રચારમાં વ્યસ્ત રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર ઝારખંડના ગોડ્ડામાં ફસાઈ ગયું. એટીએસએ તેમના હેલિકોપ્ટરને ઉડાન ભરવાની પરવાનગી આપી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમના હેલિકોપ્ટરને હેલિપેડ પરથી ટેકઓફ કરવાની મંજૂરી મળી નથી અને રાહુલનું હેલિકોપ્ટર અડધા કલાકથી વધુ સમયથી ત્યાં ઊભું છે. કોંગ્રેસે આ માટે ભાજપને જવાબદાર ગણાવ્યું છે.
કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાને કારણે રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને ક્લિયરન્સ આપવામાં આવ્યું નથી. રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર ગોડ્ડાના બેલબડ્ડા ખાતે રોકાયું છે. કોંગ્રેસના ધારાસભ્યે હેલિકોપ્ટર માટે મંજૂરી ન મળવાને લઈને પણ ભાજપ પર નિશાન સાધ્યું છે. ધારાસભ્યએ તેને ભાજપની ખોટી નીતિ ગણાવી છે.
ગોડ્ડામાં રાહુલ ગાંધીના હેલિકોપ્ટર ઉભા હોવાના ફૂટેજ પણ સામે આવ્યા છે. રાહુલ ગાંધી હેલિકોપ્ટરની અંદર બેઠા છે અને ગોડ્ડાથી નીકળવાની રાહ જોઈ રહ્યા છે. રાહુલ ગાંધીની સુરક્ષા માટે તૈનાત કર્મચારીઓ પણ હેલિપેડની આસપાસ ઉભા છે.
ઝારખંડમાં 20મી નવેમ્બરે મતદાન
તમને જણાવી દઈએ કે ઝારખંડમાં તમામ રાજકીય પક્ષો હાલમાં ચૂંટણી મેદાનમાં છે. રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન 13 નવેમ્બરે થયું હતું, જેમાં 15 જિલ્લાની 43 બેઠકો પર મતદાન થયું હતું. હવે બીજા તબક્કાનું મતદાન 20 નવેમ્બરે થવાનું છે, જેમાં 38 બેઠકો પર મતદાન થશે.
કલ્પના સોરેને પણ આક્ષેપ કર્યો
તાજેતરમાં જ ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના ધારાસભ્ય અને મુખ્યમંત્રી હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેને પણ આવો જ આરોપ લગાવ્યો હતો. વિધાનસભા ચૂંટણીના પ્રચારના છેલ્લા દિવસે તેમણે કહ્યું હતું કે તેમના હેલિકોપ્ટરને ઉડાવવાની પરવાનગી આપવામાં આવી નથી. લાતેહારમાં એક ચૂંટણી રેલીને ફોન પર સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું હતું કે, ઝારખંડના લોકો જોઈ રહ્યા છે કે કેવી રીતે કેન્દ્ર અને બીજેપીના ઈશારે ઝારખંડના લોકોનું અપમાન થઈ રહ્યું છે.