National

‘અમારી લડાઈ ભારત રાજ્ય વિરુદ્ધ છે’, રાહુલ ગાંધીના નિવેદનને પગલે વિવાદ

નવી દિલ્હીઃ કોંગ્રેસના નવા હેડક્વાર્ટર ઈન્દિરા ભવનમાં ઉદ્દઘાટન ભાષણ દરમિયાન રાહુલ ગાંધીએ વધુ એક બફાટ કર્યો હતો. રાહુલ ગાંધીએ કથિત રીતે પોતાના નિવેદનમાં ભારતીય રાજ્ય (Indian State) સામે લડવાની વાત કરી હતી. રાહુલ ગાંધી અહીં બીજેપી-આરએસએસ અને મોહન ભાગવતને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ પોતે જ ભેરવાઈ ગયા.

આજે તા. 15 જાન્યુઆરીએ કોંગ્રેસે તેના નવા કાર્યાલયમાં પ્રવેશ કરવાનો પ્રસંગ હતો. સોનિયા ગાંધીએ આ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું અને રાહુલ ગાંધીએ ભાષણ આપ્યું. રાહુલે નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ માત્ર BJP-RSS સાથે નહીં પરંતુ ભારતીય રાજ્ય સાથે લડી રહી છે.

આ નિવેદનને પગલે ભાજપ ગુસ્સે ભરાયું છે. ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીનું કહેવું છે કે રાહુલ ગાંધીએ પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે. તેમણે કહ્યું અમે ભારતીય રાજ્ય સામે લડી રહ્યા છીએ. રાહુલ ગાંધી એ શક્તિઓના રિમોટ કંટ્રોલ હેઠળ છે જેઓ ભારતીય રાજ્યને નષ્ટ કરવા માંગે છે. તેમના ઈરાદા રાષ્ટ્રીય હિતની વિરુદ્ધ છે.

શું કહ્યું રાહુલ ગાંધીએ?
રાહુલ ગાંધીએ પોતાના નિવેદનમાં કહ્યું, અમારી લડાઈ માત્ર ભાજપ અને આરએસએસ જેવા રાજકીય સંગઠનો સાથે નથી પરંતુ ભારતીય રાજ્ય સાથે પણ છે. રાહુલ ગાંધીએ કહ્યું, જો તમે વિચારી રહ્યા છો કે અમે ભાજપ અને આરએસએસ જેવા રાજકીય સંગઠનો સામે લડી રહ્યાં છે તો તે ખોટું છે. આ બંનેએ દેશની દરેક સંસ્થા પર કબ્જો કરી લીધો છે. હવે અમે ભાજપ, આરએસએસ અને ભારતીય રાજ્ય સામે પણ લડી રહ્યાં છે.

ભાજપને રાહુલને ઘેરવાની તક મળી
રાહુલ ગાંધીના ભારતીય રાજ્ય સામે લડવાના નિવેદનથી ભાજપ ગુસ્સે ભરાયું છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ ડેપ્યુટી સીએમ કવિન્દર ગુપ્તાએ કહ્યું હવે કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ જશે. આ લોકો લડતા લડતા પોતાનો જ વિનાશ કરી રહ્યાં છે. આવી વિચારધારા જ તેમને હાંસિયામાં ધકેલી દેશે. રાહુલ ગાંધી પોતાના નિવેદન બદલ માફી માંગે તેવી માંગણી ભાજપ કરે છે.

કોંગ્રેસે સ્પષ્ટતા કરી
રાહુલના નિવેદન બાદ વિવાદ સર્જાતા કોંગ્રેસીઓ તેમના બચાવમાં ઉતરી પડ્યા છે. સચિન પાયલટે કહ્યું કે, રાહુલ ગાંધીના નિવેદનને ખોટી રીતે રજૂ કરાયું છે. તેમના નિવેદનને સંપૂર્ણતામાં જોવું જોઈએ. તેમણે કહ્યું કે તમામ બંધારણીય સંસ્થાઓ પર આરએસએસ સાથે જોડાયેલા લોકોએ કબ્જો કર્યો છે અને ન્યાય મળી રહ્યો નથી.

Most Popular

To Top