સુરત(Surat) : ભારત જોડો ન્યાય યાત્રા (Bharat Jodo Nyay Yatra) લઈ નીકળેલા રાહુલ ગાંધીના (Rahul Gandhi) ગુજરાત (Gujarat) પ્રવેશની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. રાહુલ ગાંધી ગુજરાતમાં 4 દિવસમાં 400 કિલોમીટરનું અંતર કાપશે. આદિવાસી વિસ્તારોમાં રાહુલ ગાંધી ભારત ન્યાય યાત્રા લઈને ફરશે. ગુજરાતમાં તેમના ભવ્ય સ્વાગત માટે કોંગ્રેસ (Congress) દ્વારા તૈયારી શરૂ કરાઈ છે.
આજે તા. 7મી માર્ચે ગુજરાતના દાહોદ જિલ્લાના ઝાલોદથી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો ગુજરાત પ્રવેશ થયો છે. તેઓ ગુજરાતમાં 4 દિવસમાં 7 જિલ્લામાં 400થી વધુ કિ.મી.નો પ્રવાસ કર્યા બાદ મહારાષ્ટ્ર જશે. રાહુલ ગાંધી આગામી તા. 10મી માર્ચના રોજ બારડોલી આવશે. અહીં તેઓ સ્વરાજ આશ્રમની મુલાકાત લેશે. રાહુલ ગાંધીની ગુજરાત યાત્રા અંગે આજે સુરતમાં કોંગ્રેસના આગેવાનોએ માહિતી આપી હતી.
ગુજરાતમાં રાહુલની યાત્રા ક્યાં ક્યાં ફરશે?
ગુજરાતમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ગાંધી કંબોઈ ધામ (ગુરુ ગોવિંદ), પાવાગઢ તળેટી મંદિર, હરસિદ્ધિ માતાજી મંદિર, રાજપીપળા, સ્વરાજ આશ્રમ બારડોલી સહિતના ઐતિહાસિક અને પૂજનીય સ્થળોની મુલાકાત લેશે. યાત્રા દરમિયાન 6 પબ્લીક મિટિંગ, 27 કોર્નર મિટિંગ, 70થી વધુ સ્વાગત અને ટાઉન પદયાત્રાના કાર્યક્રમો થશે.
કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના સ્વાગતની પૂરજોશ તૈયારી
ગુજરાતમાં ભારત જોડો યાત્રા અંગેની માહિતી આપતા પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તાએ નૈષધ દેસાઈએ સુરત ખાતે કહ્યું કે, રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાના સ્વાગતની કોંગ્રેસ દ્વારા પૂરજોશ તૈયારી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં તેઓ બારડોલીના સ્વરાજ આશ્રમની મુલાકાત લેશે. તેઓ બારડોલીમાં કોર્નર બેઠક અને જાહેર સભા પણ સંબોધશે.
અર્જુન મોઢવડિયા ભાજપમાં જોડાયા તેનું દુ:ખ : નૈષધ દેસાઈ
સુરતમાં ભારત જોડો ન્યાય યાત્રા વિશે માહિતી આપતી વખતે પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નૈષધ દેસાઈએ અર્જુન મોઢવડિયા સહિતના કોંગ્રેસીઓ પક્ષ છોડી ભાજપમાં જોડાયા તે અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું. દેસાઈએ કહ્યું કે, એક સમયે જે લોકો નરેન્દ્ર મોદી અને અમિત શાહને ‘રંગા-બિરલા’ કહેતા હતા તે આજે તેમની પંગતમાં બેસી તેમની ચાપલુસી કરવા લાગ્યા છે. હદ તો ત્યારે થાય છે જ્યારે એક સમયે મોદી-શાહને ગમે તેમ બોલનારા મોઢવડિયા આજે મોદી-શાહને ગાંધી-સરદાર સાથે સરખાવી રહ્યાં છે. આ ખરેખર અફસોસજનક બાબત છે.