જમ્મુ-કાશ્મીર: કોંગ્રેસના (Congress) પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની (Rahul Gandhi) ‘ભારત જોડો યાત્રા’માં (Bharat Jodo Yatra) શુક્રવારે નવો ટ્વીસ્ટ આવ્યો છે. રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ને જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) બનિહાલમાં (Banihal) રોકી દેવામાં આવી હતી. કોંગ્રેસનો આરોપ છે કે યાત્રામાં સુરક્ષા પુરી પાડવામાં આવી રહી નથી. જેના કારણે યાત્રા રોકવી પડી હતી. કોંગ્રેસના આરોપ બાદ જમ્મુ-કાશ્મીર પોલીસનું નિવેદન પણ સામે આવ્યું છે. પોલીસે જણાવ્યું કે યાત્રાની શરૂઆત પહેલા તેમને મોટી સંખ્યામાં ભીડ થશે તેવી જાણ કરવામાં આવી ન હતી. યાત્રામાં કોઈ પણ ભૂલ નહોતી થઈ. કોંગ્રેસે કહ્યું કે જ્યાં સુધી અમને સુરક્ષા નહીં મળે ત્યાં સુધી યાત્રાની આગળ વધારવી જોખમી થઈ શકે છે. આ દરમિયાન રાહુલ સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો અને નેતાઓ ત્રિરંગો લઈને યાત્રા કરતા જોવા મળ્યા હતા.
J-K PCC પ્રમુખ વકાર રસૂલે કહ્યું કે દક્ષિણ કાશ્મીર સૌથી સંવેદનશીલ છે. અહીં સૌથી વધુ ઉગ્રવાદ વાળો માહોલ જોવા મળે છે. યાત્રામાં પોલીસ ક્યાંય ન દેખાય હતી. અમે જોયું છે કે દબાણ કરવામાં આવી રહ્યું છે. રાહુલ ગાંધીને પણ ધક્કો વાગ્યો હતો. અમને પણ ધક્કો મારવામાં આવ્યો હતો. સુરક્ષા એજન્સીઓએ યોગ્ય રીતે કામ કર્યું નથી. એક કલાક રાહ જોવા છતાં પણ પોલીસ આવી ન હતી. કોઈએ દોરડું પકડ્યું ન હતું. તેથી સુરક્ષાની ખામીને કારણે અમારે યાત્રા રદ્દ કરવી પડી હતી.
તો બીજી તરફ જમ્મુ-કાશ્મીર પોલીસે ટ્વિટ કરીને સ્પષ્ટતા આપી છે. પોલીસે કહ્યું- માત્ર યાત્રાના રૂટ પર આયોજકો દ્વારા અધિકૃત વ્યક્તિઓ અને ભીડને સર્ચ કર્યા બાદ અંદર જવા દેવામાં આવ્યા હતા. ભારત જોડો યાત્રાના આયોજકો અને જવાબદારોએ બનિહાલથી યાત્રામાં જોડાનાર ભીડ વિશે અને શરૂઆતના સ્થળની નજીક મોટી સંખ્યામાં લોકો એકઠા થયાની માહિતી આપી ન હતી.
યાત્રા અટકાવતા પહેલા પોલીસ સાથે ચર્ચા કરી ન હતીઃ પોલીસ
ROP અને QRT, રૂટ ડોમિનેશન, લેટરલ ડિપ્લોયમેન્ટ અને SF સહિત CAPFની 15 કંપનીઓ અને પોલીસની 10 કંપનીઓ યાત્રાની સુરક્ષા માટે હાઈ-રિજ અને અન્ય સ્થળોએ તૈનાત કરવામાં આવી હતી. આયોજકોએ 1 કિમી દોડ્યા બાદ યાત્રા પાછી ખેંચવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય લેતા પહેલા પોલીસ સાથે કોઈ ચર્ચા થઈ ન હતી. બાકીની યાત્રા શાંતિથી ચાલુ રહી. સુરક્ષામાં કોઈ ક્ષતિ નહોતી. અમે ફૂલપ્રૂફ સુરક્ષા પૂરી પાડીશું.
જમ્મુ-કાશ્મીરના બનિહાલમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં નિકળેલી ભારત જોડો યાત્રાને અટકાવી દેવાયા બાદ રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસનો આરોપ છે કે સુરક્ષામાં મોટી ક્ષતિ રહી છે, જેના કારણે યાત્રા રોકવી પડી. તે જ સમયે, જમ્મુ-કાશ્મીર પોલીસે આ સમગ્ર મામલે નિવેદન જાહેર કર્યું છે. પોલીસનું કહેવું છે કે યાત્રાની શરૂઆત પહેલા તેમને મોટી સંખ્યામાં ભીડ આવવાની જાણ કરવામાં આવી ન હતી. પ્રવાસમાં સહેજ પણ ભૂલ નહોતી.
રાહુલ ગાંધીએ કહ્યું કે યાત્રા દરમિયાન પોલીસ તંત્ર સંપૂર્ણપણે તૂટી ગયું હતું અને ભીડને સંભાળી રહેલા પોલીસકર્મીઓ ક્યાંય દેખાતા ન હતા. મારા સુરક્ષાકર્મીઓ મને યાત્રામાં આગળ ચાલવાથી ખૂબ જ અસ્વસ્થતા અનુભવતા હતા, તેથી મારે મારી યાત્રા રદ કરવી પડી હતી. તેણે કહ્યું કે મારા લોકોએ મને યાત્રા ન કરવાની સલાહ આપી, તેથી મેં યાત્રા રદ કરી અને મારી સાથે અન્ય મુસાફરોએ પણ પદયાત્રા રદ્દ કરી હતી.
જ્યાં સુધી સુરક્ષા નહીં મળે ત્યાં સુધી યાત્રા નહીં કરીએ – કોંગ્રેસ
આ પહેલા કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું હતું કે ભારત જોડો યાત્રામાં સુરક્ષામાં ખામી જોવા મળી હતી. તેમણે કહ્યું કે અમને સુરક્ષા નથી મળી રહી. આવી સ્થિતિમાં આપણે રાહુલ ગાંધીને આ રીતે આગળ જવા દઈ શકીએ નહીં. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી ભલે જવા માગતા હોય, અમે તેમને આગળ નહીં જવા દઈએ. તેમણે કહ્યું કે વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓએ અહીં આવવું જોઈએ. છેલ્લા 15 મિનિટમાં સુરક્ષા નિષ્ફળ ગઈ છે. કોંગ્રેસે કહ્યું કે જ્યાં સુધી સુરક્ષા નહીં મળે ત્યાં સુધી તે આગળ નહીં વધે.
તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાં રાહુલ ગાંધીની યાત્રા આજે 9 વાગે શરૂ થઈ હતી. આ યાત્રા રામબનથી અનંતનાગ જવાની હતી. પરંતુ યાત્રાને બનિહાલમાં જ રોકી દેવામાં આવી હતી. કોંગ્રેસનું કહેવું છે કે જ્યાં સુધી સુરક્ષા નહીં મળે ત્યાં સુધી યાત્રા આગળ નહીં વધે. અગાઉ બનિહાલમાં નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં જોડાયા હતા.
દેશની છબી માટે યાત્રામાં જોડાયા- અબ્દુલ્લા
અબ્દુલ્લાએ યાત્રામાં જોડાતા પહેલા જણાવ્યા હતું કે તેઓ દેશની છબીને લઈને વધુ ચિંતિત હોવાથી તેઓ આ યાત્રામાં જોડાયા હતા. તેમણે કહ્યું, “અમે આમાં કોઈ વ્યક્તિની છબી માટે નથી પરંતુ દેશની છબી માટે યાત્રામાં સામેલ થયા છીએ.” અબ્દુલ્લાએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો કે દિલ્હી જમ્મુ-કાશ્મીરનો અવાજ સાંભળતી નથી. અમારા અવાજો દબાવવામાં આવે છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી કાશ્મીરી પંડિત પરિવારમાંથી આવે છે. અમે તેમનું સ્વાગત કરીએ છીએ. આ પછી તેમણે દાવો કર્યો કે જો જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી થશે તો ભાજપને ખબર પડશે કે તે અહીં લોકપ્રિય નથી. લોકો તેમની સાથે નથી. ભાજપના લોકો ડરપોક અને કાયર છે.
30 જાન્યુઆરીએ યાત્રાનો છેલ્લો દિવસ રહેશે
ગુરુવારે ગણતંત્ર દિવસને ધ્યાનમાં રાખીને એક દિવસના આરામ પછી શુક્રવારે સવારે બનિહાલથી ‘ભારત જોડો યાત્રા’ ફરી શરૂ થઈ હતી. બુધવારે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર ભૂસ્ખલન થવાને કારણે યાત્રા રામબનમાં રોકવી પડી હતી. ‘ભારત યાત્રીઓ’ બનિહાલથી અનંતનાગ જિલ્લાના ખાનાબલ પહોંચી હતી. 7 સપ્ટેમ્બર 2022ના રોજ તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થયેલી ‘ભારત જોડો યાત્રા’ પંજાબ થઈને જમ્મુ અને કાશ્મીરમાં પ્રવેશી હતી. આ યાત્રા 30 જાન્યુઆરીએ સમાપ્ત થશે, જ્યારે રાહુલ શ્રીનગરમાં કોંગ્રેસના મુખ્યાલયમાં ત્રિરંગો ફરકાવશે અને શેર-એ-કાશ્મીર ક્રિકેટ સ્ટેડિયમમાં જાહેર સભાને સંબોધશે.