2024ની લોકસભા ચૂંટણી પત્યા બાદ સંસદનું નવું પહેલું સત્ર પૂરું થયું. આ વખતે ચૂંટણીમાં મોદીજીના અહંકાર અને ભૂલોને કારણે વિપક્ષો જે પહેલી વાર એકજૂટ રહ્યાં તેમાં કોંગ્રેસને નવાણું સીટ મળી ગઇ. સંસદમાં રાહુલ ગાંધીને વિપક્ષના નેતા તરીકે સ્થાન મળી ગયું. કમનસીબે એમણે પોતાના પહેલા જ ભાષણમાં જે લગભગ દોઢ કલાક ચાલ્યું પોતાનું જ્ઞાન પોતાની હેસિયત બતાડી દીધી. એમણે ભારતમાં એંસી ટકા હિસ્સો ધરાવતાં હિન્દુઓ માટે અણછાજતી ધિક્કારથી ભરપૂર ટિપ્પણીઓ કરી તે પણ ભગવાનની છબીના ઓઠા હેઠળ એમના લોહીમાં કયાંય હિન્દુત્વ નથી એ બધા જાણે છે. પણ આટલી નફરત છે એ પહેલી વાર જાહેર થયું. એ જયારે પણ મોદીજી વિરુધ્ધ બોલે છે ત્યારે અંબાણી, અદાણીનો ઉલ્લેખ જરૂર કરે છે, કારણ એમને રાફેલ વિમાનના સોદામાં કટકી ન મળી એનો ગુસ્સો છે. એમને એટલી પણ સમજ નથી કે સફળ કે શ્રીમંત ઉદ્યોગપતિ સિવાય દેશની ઇકોનોમી આગળ ન વધી શકે.
અરે બીજા દેશો તો પોતાના ઉદ્યોગપતિઓ માટે ગર્વ કરે છે. આજે એમનું ભાષણ સાંભળ્યા પછી એમને મત આપી જીતાડનાર મતદાતા પોતાની ભૂલ સમજી ગયા હશે. ખેર, હવે તો પાંચ વર્ષ સુધી એમાં ફેરફાર નહીં થાય. સાથે એક વાત એટલી જ સ્પષ્ટ છે મોદીજીએ પણ પોતાના વિચાર બદલવા પડશે. વાણી પર સંયમ રાખવો પડશે. એમના સૌથી મોટા મતદાર મધ્યમ વર્ગની મુશ્કેલીઓ સમજવી પડશે. એમણે દેશના હિતમાં કરેલાં કામ વિકાસ માટે કરેલાં કામ યાદ રાખી, પ્રજાએ એમને ત્રણ વખત સાથ આપ્યો, પણ હવે એવું ન પણ બને. આમ પણ સનાતન સત્ય એ છે કે દુનિયા કોઇ વગર અટકતી નથી.
હૈદરાબાદ – જીતેન્દ્ર શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
આટલું બધું નકલી છે તો સરકાર કરે છે શું?
બોગસ પેઢીઓ, બોગસ જન્મના દાખલા, બોગસ રેશનકાર્ડ, બોગસ રસીદો, બોગસ લગ્નનોંધણી, બોગસ ખનિજ વિજિલન્સ ગેંગ આદિના સમાચાર વાંચીને થાય છે કે કાનૂન અને વ્યવસ્થાનું શું થવા બેઠું છે? નકલી ટોલનાકા, નકલી પોલીસો, નકલી કોલ લેટર, નકલી વિંગ કમાન્ડર, નકલી વિડિયો, નકલી સરકારી કચેરીઓ, નકલી એર ટિકિટ, નકલી અદાલતી ઓર્ડર, નકલી મીઠાઇ, નકલી ઓઇલ ઇત્યાદિ પ્રત્યે બહુ જ ચિંતાજનક સ્તરે આંખમિંચામણાં થઇ રહ્યાં હોય એમ જણાય છે. ગુજરાતમાં ચોતરફ નકલીની બોલબાલા વધતી જણાય છે.
બનાવટી ચલણી નોટો, બનાવટી માર્કશીટો, બનાવટી પાસપોર્ટ, બનાવટી આધારકાર્ડ, બનાવટી જોબકાર્ડ, બનાવટી કાશ્મિરી પંડિત વિગેરે પકડાયાની ઘટનાઓમાં વૃધ્ધિ થઇ રહી છે. આ સઘળી બનાવટોથી આપણા આર્થિક અને સામાજિક તાણાવાણા ગૂંચવાય છે અને ક્ષતિગ્રસ્ત થાય છે. એમ લાગે છે કે પુરાવાઓ અને પ્રમાણપત્રોની તંત્રોમાં યોગ્ય ચકાસણી થતી નથી. નકલખોરી અને બનાવટ કરનારાઓ ભોગવિલાસી, હરામખોર, ખલનાયક, તરકટિયા, નકાબપોશ, હરાયા આદિ છે જ.
અમદાવાદ – જિતેન્દ્ર બ્રહ્મભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.