અમદાવાદ: વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે તા. 6 જુલાઈ 2024ના રોજ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓ અમદાવાદ એરપોર્ટથી સીધા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે પહોંચ્યા હતા. અહીં તેઓ રાજકોટ અગ્નિકાંડ, વડોદરા બોટકાંડ અને મોરબી બ્રિજ દુર્ઘટનાના પીડિત પરિવારતોને મળ્યા હતા. ત્યાર બાદ રાહુલ ગાંધીએ કાર્યકરોને સંબોધતા કહ્યું કે, લખી લો… ગુજરાતમાં મોદીને હરાવીશું.
કોંગ્રેસ કાર્યાલય પર શક્તિસિંહ ગોહિલે રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, સાચા શિવભક્ત રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું છે. રાહુલ ગાંધીની સ્પીચના લીધે ગૌરવ વધ્યું છે. રાહુલ ગાંધીને સંસદમાં ભગવાન શિવના દર્શન કરાવ્યા શિવપુરાણને સાચું હિન્દુત્વ સમજાવ્યું એટલે ભાજપના પેટમાં તેલ રેડાયું છે.
રાહુલ ગાંધીએ અમદાવાદના પાલડી ખાતે કોંગ્રેસના કાર્યાલય ખાતે કોંગ્રેસી કાર્યકરોનો જુસ્સો વધાર્યો હતો. તેમણે ફરી એકવાર ગુજરાતમાં ભાજપને હરાવવાની વાત પર ભાર મુકતા કહ્યું કે, કોંગ્રેસના કાર્યકરો બબ્બર શેર છે અને તેઓ ચોક્કસ આ વખતે ગુજરાતમાં ભાજપને હરાવશે.
રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસના કાર્યાલય પર હુમલા વિશે કહ્યું કે જે રીતે એ લોકોએ અમારી ઓફિસો તોડી છે અમે પણ હવે તેમની સરકાર તોડીશું. ગુજરાતમાં એ લોકોને હરાવીને જ ઝંપીશું. રાહુલે કહ્યું કે દેશમાં આઝાદીની લડાઈની શરૂઆત ગુજરાતથી જ થઈ હતી.
બાદમાં રાહુલ ગાંધીએ કાર્યકરોને સંબોધતા કહ્યું કે, ભાજપની જે અયોધ્યાની મૂવમેન્ટ હતી. તેની શરૂઆત અડવાણીએ કરી હતી. રથયાત્રા થઈ હતી અને તેમા તમે રથ પર અડવાણીને જોયા હતા. કહેવામાં આવે છે કે, નરેન્દ્ર મોદીએ તેમની રથયાત્રામાં મદદ કરી હતી. તેમની શરૂઆત ત્યાંથી થઈ હતી.
રાહુલ ગાંધીએ રામમંદિર મુદ્દે કહ્યું કે રામમંદિરના ઉદઘાટન સમયે પણ કોઈ ગરીબ દેખાયું નહોતું. ફક્ત ધનિકો અને સેલિબ્રિટીઓ દેખાયા હતા. અયોધ્યાનમાં ભાજપની નીતિ નિષ્ફળ રહી અને આ કારણે જ ભાજપ અયોધ્યામાં હાર્યું હતું. ભાજપે ભરપૂર પ્રયાસો કર્યા છતાં I.N.D.I.A. ગઠબંધન અયોધ્યામાં જીતી ગયું. રાહુલે મોદીને પડકારતાં કહ્યું કે ગુજરાતથી જ નવી કોંગ્રેસની શરૂઆત થશે અને અમે અહીં જીતીશું. ગુજરાતની જનતા ડર્યા વિના લડશે તો અમે જીતી જઈશું.