લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી શનિવારે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યાં કુલીઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે કુલીઓ સાથે લગભગ 40 મિનિટ વાત કરી અને તેમની સમસ્યાઓ વિશે માહિતી મેળવી હતી.
રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ એક કુલી દીપેશ મીણાએ કહ્યું કે અમને ખૂબ આનંદ છે કે રાહુલ ગાંધી અમને મળવા આવ્યા. તેમણે અમારી સમસ્યાઓ વિશે પૂછ્યું. અમને આશા છે કે તે અમારી સમસ્યાઓનો ઉકેલ લાવશે.
અગાઉ સપ્ટેમ્બર 2023 માં રાહુલ ગાંધીએ આનંદ વિહાર રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી હતી. ત્યાં પણ તેમણે કુલીઓ સાથે વાત કરી હતી અને તેમની સમસ્યાઓ સાંભળી હતી. આ દરમિયાન રાહુલે કુલીનો ડ્રેસ પણ પહેર્યો હતો અને મુસાફરોનો સામાન ઉપાડ્યો હતો.
જણાવી દઇએ કે રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર મોટો હુમલો કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગમાં બે મુખ્ય પદ ખાલી છે જે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સરકારની દલિત વિરોધી માનસિકતાનો બીજો પુરાવો છે. તેમણે એમ પણ કહ્યું કે વડા પ્રધાન મોદીએ શક્ય તેટલી વહેલી તકે કમિશનના તમામ પદો ભરવા જોઈએ જેથી તે દલિતોના અધિકારોના રક્ષણની પોતાની જવાબદારી અસરકારક રીતે નિભાવી શકે. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગની વેબસાઇટ અનુસાર આયોગના ઉપાધ્યક્ષ અને એક સભ્યનું પદ ખાલી છે.
