નવી દિલ્હી: લોકસભાના (Lok Sabha) વિપક્ષના નેતા અને કોંગ્રેસના (Congress) સાંસદ રાહુલ ગાંધી આજે હાથરસના પ્રવાસે છે. અગાઉ મંગળવારે હાથરસમાં (Hathras) ભોલે બાબાના સત્સંગ દરમિયાન નાસભાગમાં 121 લોકોના મોત થયા હતા. તેમજ ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. આ દુર્ઘટના (Tragedy) બાદ યુપીની યોગી સરકારે પણ ઝડપી તપાસ કરવા માટે અનેક ટીમો બનાવી હતી. તેમજ પીડિતોને વળતરની પણ જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આજે 5 જુલાઇના રોજ રાહુલ ગાંધી મૃતકોના પરિવારજનો અને ઘાયલોને મળ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ રાહુલ ગાંધીનો હાથરસ મુલાકાતનો પ્રવાસ સવારે 5:30 વાગ્યાની આસપાસ શરૂ થયો હતો. તેઓ આજે સવારે અલીગઢથી હાથરસ જવા રવાના થયા હતા, ત્યારે રાહુલ ગાંધી સૌપ્રથમ રાહુલ ગાંધી અલીગઢના પીલખાના ગામ પહોંચ્યા હતા. અહીં તેઓ પીડિતોના પરિવારજનોને મળ્યા હતા. કારણ કે હાથરસ નાસભાગમાં પીલખાનાના ચાર લોકોના મોત થયા હતા. અહીં રાહુલ મૃતકોના પીડિત પરિવારને મળ્યા હતા. તેમજ આ મુલાકાત બાદ રાહુલ ગાંધીએ યોગી સરકારને ખાસ અપીલ કરી હતી.
રાહુલ ગાંધીએ આ મુલાકાત બાદ યોગી સરકાર પાસે કરી માંગ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શુક્રવારે 5 જુલાઈએ હાથરસ અકસ્માતના પીડિતોને મળ્યા હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે હું આ મુદ્દા પર રાજનીતિ કરવા માંગતો નથી. સિસ્ટમમાં ખામીઓ જોવા મળી છે. રાહુલે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે માંગ કરી છે કે પીડિત પરિવારો ખૂબ ગરીબ છે, તેથી તેમને વધુ વળતર મળવું જોઈએ. પીડિત પરિવારોનું કહેવું છે કે ઘટના સ્થળે પોલીસ બંદોબસ્ત પૂરતો નહોતો. જેથી તંત્રની કામગીરીમાં પણ ખામી હોવાનું કહી શકાય છે.
યુપીના સીએમને દિલથી વળતર આપવાની અપીલ: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું, “દુઃખની વાત છે કે ઘણા પરિવારોને નુકસાન થયું છે. ઘણા લોકોના મોત થયા છે. હું આ ઘટનાને રાજકીય લેન્સથી જોવા નથી માંગતો. પરંતુ આ વહીવટીતંત્રનો અભાવ છે અને ભૂલો થઈ છે. તેમજ પીડિત પરિવારો ખુબ જ ગરીબ હોય, આ સમયે પરિવારોને વધુ વળતરની જરૂર છે. હવે તમે છ મહિના પછી આપો કે એક વર્ષ પછી અને વિલંબ કરો તેનાથી કોઈને ફાયદો થશે નહીં. વળતર શક્ય તેટલું વહેલું મળવું જોઈએ અને ગમે તે થાય પણ વળતર ખુલ્લા દિલથી આપવું જોઈએ.”
પીડિત પરિવારે રાહુલ સાથેની મુલાકાતમાં શું થયું તે જણાવ્યું..
અલીગઢના પીલખાનામાં રાહુલ ગાંધીએ મૃતક મંજુ દેવીના 6 વર્ષના પુત્ર પંકજ અને તેના પતિ છોટે લાલ સાથે અડધો કલાક મુલાકાત કરી હતી. રાહુલની મુલાકાત પછી મંજુના પતિ છોટે લાલ, તેની પુત્રી અને કાકીએ કહ્યું કે ‘રાહુલ ગાંધીએ કહ્યું છે કે તેઓ જેટલી મદદ કરી શકે છે તેટલી કરશે, અમારી પાસે સરકાર નથી પરંતુ મદદ કરીશું. અમને પૂછ્યું કે શું સરકારે કોઈ મદદ કરી છે? અમે ના કહ્યું. ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું હતું, મેં સાંભળ્યું છે કે પીએમઓ તરફથી 2 લાખ રૂપિયાની રકમની જાહેરાત કરવામાં આવી છે પરંતુ હજુ સુધી પૈસા મળ્યા નથી.
પીડિત છોટે લાલે કહ્યું, ‘અમે રાહુલ ગાંધીને અકસ્માતના દિવસની સમગ્ર ઘટના જણાવી. મારે 4 દીકરીઓ છે, ચારેયને ઘરે મૂકી હું, પુત્ર અને પત્ની હાથરસ ગયા હતા. હું બાઇક પર બહાર હતો. પરિવારને ધર્મસભા બાદ અહીં આવવા જણાવ્યું હતું. ત્યારબાદ મેઈન ગેટની બહાર નીકળતી વખતે નાસભાગ મચી ગઈ, પરંતુ મને તાત્કાલિક ખબર ન પડી કે મારી પત્ની અને પુત્ર પણ કચડાઈ ગયા છે. મને પણ આ અકસ્માતમાં ઈજા થઈ છે. ત્યારે હાલ બાબા ગુમ છે કે કેમ તેવા સવાલ પર પરિવારનું કહેવું છે કે, ‘હવે તમે જેને ઈચ્છો તેને ફાંસી આપો, મારો પરિવાર ખતમ થઈ ગયો છે, પોલીસ દ્વારા બેરિકેડિંગ હોવું જોઈતું હતું, તે પોલીસની બેદરકારી હતી.’