રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની ચૂંટણીમાં હારને કારણે શોકમાં ઉતરી ગયેલી કોંગ્રેસને હવે કળ વળી છે. આ ત્રણેય રાજ્યોમાં ભલે હાર થઈ પરંતુ તેને મત નોંધપાત્ર રીતે મળ્યા છે. ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં કોંગ્રેસનો બેઝ હજુ છે પરંતુ કોંગ્રેસ આ બેઝની ઉપર જઈને જીત મેળવી શકતી નથી. જેને કારણે સત્તાથી દૂર રહે છે. ઉત્તર ભારતની આ વાસ્તવિકતા સમજીને કોંગ્રેસે હવે પોતાનું ધ્યાન દક્ષિણ અને પૂર્વ ભારત તરફ આપવાનું શરૂ કર્યું છે.
જ્યારે 1977માં ઈમરજન્સી પછી કોંગ્રેસ હારી ગઈ હતી ત્યારે કોંગ્રેસની ઈજ્જત દક્ષિણ ભારતે જ બચાવી હતી. દક્ષિણ ભારતનો કોંગ્રેસનો ગઢ મજબુત છે. પૂર્વ ભારતમાં પણ એક સમયે કોંગ્રેસ હાવી હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી પૂર્વ ભારતમાં કોંગ્રેસને ફટકા પડી રહ્યા છે. લોકસભામાં જીત મેળવીને સત્તા સુધી પહોંચવા માટે જરૂરી સંસદસભ્યોની સંખ્યા છે પછી ચાહે તે સંસદસભ્યો ઉત્તર ભારતના હોય કે દક્ષિણ ભારતના. કોંગ્રેસે આ સત્ય સમજીને મોટાભાગે હવે પૂર્વ તેમજ દક્ષિણ ભારતના રાજ્યોના મતદારોને ટાર્ગેટ કરવાનો નિર્ણય કર્યો છે અને આ કારણે જ હવે રાહુલ ગાંધીએ મણિપુરથી શરૂ કરીને છેક મુંબઈ સુધી ભારત ન્યાય યાત્રા કાઢવાનો નિર્ણય કર્યો છે.
જોકે, જો કોંગ્રેસ અને રાહુલ ગાંધી પક્ષની હાર પાછળના સાચા કારણો શોધીને તે દિશામાં મહેનત કરશે તો જ આ યાત્રાનું ફળ કોંગ્રેસને મળી શકશે. અગાઉ રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડા યાત્રા કાઢી હતી. આ યાત્રાને સારો પ્રતિસાદ મળ્યો હતો. આ પ્રતિસાદના પગલે જ કોંગ્રેસે કર્ણાટકટ અને હાલમાં તેલંગાણામાં પણ વિજય મેળવ્યો છે. હાલમાં મણિપુરમાં ચાલી રહેલી હિંસા આખા દેશમાં મોટો ઈસ્યુ બન્યો છે ત્યારે રાહુલ ગાંધી 14મી જાન્યુ.થી મણિપુરથી આ યાત્રા કાઢશે. રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસના જે તે રાજ્યના તમામ નેતાઓ પણ જોડાશે.
આ યાત્રા 20મી માર્ચે પુરી થશે અને આશરે 6200 કિ.મી.નું અંતર કાપશે. મણિપુરથી શરૂ કરીને નાગાલેન્ડ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશથી ગુજરાત થઈને યાત્રા મહારાષ્ટ્ર પહોંચશે અને મુંબઈમાં પુરી થશે. 14 રાજ્યો અને 85 જિલ્લામાંથી આ યાત્રા પસાર થશે. રાહુલ ગાંધી આ યાત્રા દરમિયાન યુવાનો, મહિલાઓ અને જેઓને ન્યાય નથી મળ્યો તેવા લોકો સાથે વાતો કરશે. ભારત જોડો યાત્રાની જેમ જ આ ભારત ન્યાય યાત્રા રહેશે.
ભારત જોડો યાત્રાને જે પ્રતિસાદ મળ્યો હતો તેવો જ પ્રતિસાદ આ યાત્રાને પણ મળશે તેવો આશાવાદ કોંગ્રેસના નેતાઓ સેવી રહ્યા છે પરંતુ કોંગ્રેસની હાર પાછળ ખરેખર જે જવાબદાર મુદ્દાઓ છે તે મુદ્દાઓને કોંગ્રેસના નેતાઓ નજરઅંદાજ કરી રહ્યા છે. દેશભરમાં કોંગ્રેસના કાર્યકરો છે જ. જે રાજ્યોમાં કોંગ્રેસની હાર થઈ છે તે રાજ્યોમાં પણ કોંગ્રેસ પાસે કાર્યકરો છે. પરંતુ કોંગ્રેસ પાસે ખરેખર જનસમુદાયમાં સ્વીકાર્ય થાય તેવા નેતાઓ નથી. જે રાજ્યોમાં કોંગ્રેસની હાર થઈ છે તે રાજ્યોમાં કોંગ્રેસના નેતાઓને નેતા બનીને જ ફરવું છે પરંતુ કોઈને પણ લોકો સમક્ષ જવું નથી. રાહુલ ગાંધીએ ખરેખર કોંગ્રેસ પક્ષને સત્તા સ્થાને લઈ જવો હોય તો કોંગ્રેસને કેડરબેઈઝ પાર્ટી બનાવવાની જરૂરીયાત છે. કોંગ્રેસમાં નેતાઓ મનફાવે તેમ વર્તી રહ્યા છે.
આંતરિક જુથબંધી પર કોઈનો જ કાબુ નથી. જેને કોંગ્રેસની કોર કમિટીના નેતાઓ ગણી શકાય તેવા નેતાઓ પણ પોતાની અલગ જ કોંગ્રેસ ચલાવવામાં વ્યસ્ત છે અને કારણે જ કોંગ્રેસમાં ‘હું નહીં તો તું નહીં’ જેવી સ્થિતિ છે અને તેને કારણે કોંગ્રેસ હારી રહી છે. સામે જે કોંગ્રેસના નબળા પાસા છે તે ભાજપના સબળા પાસા છે અને આ કારણે જ ભાજપ જીતી રહી છે. ભાજપનો પ્રત્યેક કાર્યકર્તા પક્ષ માટે દોડે છે.
આ કાર્યકર્તા આંતરિક જુથબંધીમાં હોય છે પરંતુ ચૂંટણીમાં તે પક્ષ સમર્પિત થઈ જાય છે. ચૂંટણી જંગમાં ભાજપ હોય કે કોંગ્રેસ, બંને પક્ષને કમિટેડ મતદારોના મતો તો મળે જ છે પરંતુ જે ફ્લોટિંગ મતદારો છે, કે જે છેલ્લી ઘડીએ નક્કી કરે છે કે કોને મત આપવો, તેને કોંગ્રેસ પોતાની સાથે લઈ શકતી નથી. કોંગ્રેસ ચૂંટણી જંગના અંતમાં જે જુસ્સો રાખવાનો હોય તે રાખી શકતી નથી અને તેને કારણે કોંગ્રેસને મોટું નુકસાન થાય છે. રાજકારણ અને શાસન, બંને અલગ છે. રાજકારણીઓએ રાજકારણ સતત કરતાં જ રહેવું પડે છે. મતદારોના વિચારોમાં પક્ષની વિચારધારાને ઘુસાડી દેવી પડે છે.
મતદાર જ્યારે મત આપવા માટે જાય ત્યારે તેને માત્ર એક જ પક્ષનું સીમ્બોલ ધ્યાનમાં રહે તેવી રીતે તેને તૈયાર કરવો પડે. કોંગ્રેસ શાસનમાં કદાચ ભાજપ કરતા સારી હોઈ શકે પરંતુ રાજકારણમાં ભાજપ, કોંગ્રેસ કરતાં અનેકગણી આગળ છે અને તે કારણે જ કોંગ્રેસ હારી રહી છે. છેલ્લે 2014માં કેન્દ્રમાં સત્તા ગુમાવ્યા બાદ કોંગ્રેસ દ્વારા આ મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવ્યું જ નથી અને પરિણામે કોંગ્રેસે સતત લોકસભાની બે ચૂંટણીઓમાં હારનું મોઢું જોવું પડ્યું છે.
રાહુલ ગાંધી દ્વારા ભારત ન્યાય યાત્રા કાઢવામાં આવી રહી છે તેનો લાભ કોંગ્રેસ પક્ષને ચોક્કસ મળશે પરંતુ જો સત્તા મેળવવી હોય તો કોંગ્રેસે પોતાના કાર્યકરોને હરીફ પક્ષો સાથે લડતા કરવા પડશે. હાલમાં કોંગ્રેસના કાર્યકરોમાં ડરનો માહોલ છે. લોકો સમક્ષ જવાનું કાર્યકરો ટાળી રહ્યા છે. કોંગ્રેસનો કાર્યકર લોકો પાસે જઈને પક્ષ વિશે સમજાવી શકે તેવી સ્થિતિ કોંગ્રેસ હાઈકમાન્ડે ઊભી કરવી પડશે. કોંગ્રેસના નેતાઓ હાલમાં પાર્ટટાઈમ રાજકારણીઓ થઈ ગયા છે. જે નેતાઓ ચૂંટણી લડે છે તે પછી પક્ષના કોઈ પણ કાર્યક્રમમાં દેખાતા નથી.
ફરી પાંચ વર્ષનો ખર્ચો નીકળી શકે તે માટે ચૂંટણી વખતે ટિકીટ લેવા માટે આ નેતાઓ લાઈનમાં ગોઠવાઈ જાય છે. કોંગ્રેસ હાઈકમાન્ડે આવા નેતાઓને ઓળખીને તેમને પક્ષમાંથી દૂર કરવા પડશે. પક્ષની વિચારધારાને ચોક્કસ દિશા આપવી પડશે. ખરેખર તો કોંગ્રેસે યુવા નેતાઓની કેડર તૈયાર કરવાની જરૂરીયાત છે કે જે નવા વિચારો અને આચારો સાથે મતદારો સમક્ષ આવે. જો આમ થશે તો જ કોંગ્રેસ ફરી સત્તા મેળવી શકશે તે ચોક્કસ છે.