અમદાવાદ : રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના પીડીત પરિવારો સાથે આજે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરી સાંત્વના પાઠવી હતી. તેમજ ન્યાયની લડાઈમાં છેલ્લે સુધી કોંગ્રેસ તેમની સાથે છે, તેવી બાંયધરી આપી હતી.
આજે રાહુલ ગાંધીએ રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં ભોગ બનેલા મૃતકોના પરિવારના સભ્યો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરી પોતાની સંવેદના દર્શાવી હતી, સાથે જ પીડિત પરિવારોએ પણ પોતાનું દર્દ રાહુલ ગાંધી સામે વ્યક્ત કર્યું હતું.
રાહુલ ગાંધીએ પ્રદેશ કોંગ્રેસને કહ્યું હતુ કે, પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે કોંગ્રેસ શું કરે છે. ત્યારે પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહેલ અને કાર્યકારી પ્રમુખ જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા ઘટના બની ત્યારથી અત્યાર સુધીમાં પીડિત પરિવારોની પડખે ઊભી છે. ન્યાય મળે તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે, પીડિત પરિવારોને વળતરની રકમ વધુ મળે, સમગ્ર ઘટનાની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ મારફતે તપાસ કરાવવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે કેન્ડલ માર્ચ યોજી હતી તેમજ ત્રણ દિવસના ઉપવાસ કર્યા હતા. સાથે જ આગામી 25મી જૂનના રોજ રાજકોટ બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે.
રાહુલ ગાંધીએ પીડિત પરિવાર સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ ન્યાયની લડતમાં તમારી સાથે છે, છેલ્લે સુધી સાથ આપવાની બાહેધરી આપી હતી, તેમજ લોકસભામાં આ પ્રશ્નને ઉઠાવવાની પણ ખાતરી આપી હતી.