Comments

પપ્પુમાંથી રાહુલ ગાંધી!

ખરાબ હવામાન, સખત ઠંડી, આતંકવાદીઓના હુમલાના સતત ઝળુંબતા જોખમ અને કોંગ્રેસી નેતા દિગ્વિજયસિંહે સુરક્ષાના મામલે કરેલા બફાટ છતાં કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા નિર્વિઘ્ને પાર પડી અને લોકો તેનાથી પ્રભાવિત થયાં. આ યાત્રા તેના મુકામ – જમ્મુ – કાશ્મીરમાં વિરામ પામી. રાજયમાંથી ઊભા ચીરા થઇ કેન્દ્રશાસિત બનેલા જમ્મુ કાશ્મીરનાં લોકોએ આ યાત્રાને આવકારી એટલું જ નહીં પણ ૨૦૧૯ ની તા. ૫મી ઓગસ્ટ પછીના અવિચારી પરિવર્તનને પગલે પોતાની વધેલી મુશ્કેલીઓને વાચા આપવાના અવસર તરીકે ગણી અને તેમને એવી લાગણી થઇ કે લેફટેનંટ ગવર્નર તો આપણું કંઇ સાંભળતા નથી તો રાહુલ ગાંધીને તો કંઇ કહીએ! રાહુલ ગાંધીએ પણ લોકોની વ્યથા ધ્યાનથી સાંભળી  હૈયાધરપત આપી. તેમનો પક્ષ સત્તા પર તો છે નહીં તેથી તેમણે લોકોને કોઇ વાતની ચોકકસ ખાતરી નહીં આપી છતાં લોકો અને તેમના પક્ષ વચ્ચે બંધન જણાઇ આવતું હતું. લોકો પોતાની વ્યથા કહેવા કોઇને શોધી રહ્યા હતા અને રાહુલ ગાંધીએ તક ઝડપી લીધી.

રાજયમાં કોંગ્રેસનાં ચીંથરાં ઊડી રહ્યાં છે. એક તો પીઢ નેતા ગુલામ નબી આઝાદે પક્ષ છોડયો તેથી પક્ષ અપંગ જેવો થઇ ગયો અને પક્ષમાં જૂથવાદ વધી રહ્યો છે. આઝાદની આંગળી પકડી બહાર ચાલી ગયેલા કોંગ્રેસીઓ પક્ષમાં પાછા ફર્યા એટલે પક્ષના જૂના વફાદાર કાર્યકરોને સ્વાભાવિક રીતે જ પેટમાં દુખે. આ સંજોગોમાં રાહુલ ગાંધી અને તેમની યાત્રાને આવો આવકાર મળે એ ઘટના નોંધપાત્ર છે. આમાં સાચા રાહુલ ગાંધી ઝળકી દેશમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. મુખ્ય પ્રસાર માધ્યમોના પત્રકારોએ રાહુલની અવગણના કરી હોઇ શકે પણ કોંગ્રેસના મિડીયા ડીપાર્ટમેન્ટે સોશ્યલ મિડીયા પર રંગ રાખ્યો. રાહુલ ગાંધી લોકો સમક્ષ પારદર્શક રીતે બહાર આવ્યા, જયરામ રમેશની આગેવાની હેઠળ રચાયેલી વ્યૂહરચનાએ કોંગ્રેસની છબી બદલી નાંખી. જમ્મુ-કાશ્મીરમાં તેને પગલે પક્ષ લોકો સમક્ષ જઇ શકશે.

વકતવ્ય આપવામાં લોચા મારનાર તરીકે જાણીતા થયેલા  રાહુલ ગાંધી પત્રકારો સાથે સોંસરી વાત કરી શકયા અને આ વ્યૂહરચનાએ આશ્ચર્યજનક પરિણામ આપ્યાં છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ ‘પપ્પુ’નો પરિચય મળી ગયો છે. લોકોની વ્યથા સાંભળવાની રાહુલ ગાંધીની કુશળતાએ સારું પરિણામ આપ્યું છે. ખાસ કરીને ભારત જોડો યાત્રાના માર્ગમાં આવેલાં રાજયોમાં કોંગ્રેસમાં આવેલું નવું જોમ અભ્યાસનો વિષય બની ગયું છે. પણ જમ્મુ-કાશ્મીરને રાજયત્વનો દરજજો આપવા માટે અને વિધાનસભાની ચૂંટણી યોજવા માટે પ્રજાની આકાંક્ષાઓને રાહુલ ગાંધીએ આપેલી ઉગ્રતાભરી રજૂઆતની રાષ્ટ્રીય સ્તર પર વિધાયક અસર પડી શકે.

રાહુલ ગાંધીની મુલાકાતને પગલે લોકો ધર્મ, પ્રદેશ, જ્ઞાતિ વગેરે મતભેદ ભૂલી પોતાની વ્યથાને વાચા આપી શકયા. તા. ૫મી ઓગસ્ટ, ૨.૧૯ પછીની પરિસ્થિતિ અંગે તેમના મનમાં ખૂબ ઉભરો હતો. રાજકીય મોરચે આ યાત્રાએ સ્થાનિક સ્તરે વિપક્ષી એકતા સિધ્ધ કરી છે. નેશનલ કોન્ફરંસના નેતા ડો. ફારૂખ અબ્દુલ્લાએ પક્ષના એક બસ ભરીને નેતાઓને લઇ જઇ આ યાત્રાને આવકારી હતી. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીનાં નેતા મેહબૂબા મુફતી અને જમ્મુ સ્થિત ડોગરા સ્વાભિમાન સંગઠનના નેતા અને પોતાનો પક્ષ રચવા ભારતીય જનતા પક્ષનો પાલવ પકડનાર તેમજ ભૂતપૂર્વ કોંગ્રેસી લાલસિંહે યાત્રાને પંજાબ સરહદે આવકારી હતી.

વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધીને આવો ભવ્ય આવકાર મળે છે તે જાણી ભારતીય જનતા પક્ષના પેટમાં તેલ રેડાયું હતું. કાશ્મીર પંડિતો અને જમ્મુ પ્રદેશનાં વિવિધ જૂથોનાં બનેલાં બે જૂથ ભારતીય જનતા  પક્ષના ટેકેદાર છે પણ તે બધાએ ભેગા મળી રાહુલ ગાંધી સમક્ષ પોતાની વ્યથા વર્ણવી તે જોઇ ભારતીય જનતા પક્ષના પેટમાં ઉકળતું તેલ રેડાયું હતું.

રાહુલ ગાંધીએ આઝાદ અને તેમની ડેમોક્રેટિક પાર્ટીની ઠેકડી ઉડાવી અવગણના કરીને વધુ એક રાજકીય સોગઠી મારી હતી. આઝાદના પક્ષને યાત્રામાં જોડાવા નિમંત્રણ જ નહોતું અપાયું. આઝાદ સાથે ચાલી નીકળી ગયા પછી પાછા ફરેલા નેતાઓને રાહુલે વખારે નાંખ્યા હતા અને રમેશે મજાક કરી હતી કે આઝાદનો પક્ષ તેમના વતન પૂરતો ડેડ આઝાદ પક્ષ બની ગયો છે અને ટૂંક સમયમાં ‘ડેડ આઝાદ પાર્ટી’ બની જશે. રાહુલની યાત્રાને પગલે કોંગ્રેસ પક્ષ ગાઢ નિદ્રામાંથી બહાર આવી ગયો છે અને પક્ષના કાર્યકરો અને નેતાઓમાં ચેતના આવી છે અને જૂથવાદ કોરાણે મૂકવામાં આવ્યો છે. યાત્રા પૂરી થશે અને રાહુલ આણિ મંડળી જમ્મુ-કાશ્મીર છોડીને જશે પછી પક્ષની ખરી ખસોટી શરૂ થશે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top