National

કોંગ્રેસના અધ્યક્ષ પદની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો, રાહુલ ગાંધીએ કહ્યું, ‘હું ચૂંટણી નહીં લડું’

નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) પક્ષમાં અધ્યક્ષ (President) માટેની ચર્ચા ઉઠી છે. અશોક ગેહલોત (Ashok Gehlot) અને શશી થરૂર (Shashi Tharur) અધ્યક્ષપદ માટે દાવેદારી કરી રહ્યાં છે ત્યારે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું (Rahul Gandhi) મહત્ત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. રાહુલ ગાંધીએ ચોખ્ખે ચોખ્ખું કહ્યું છે કે તેઓ પોતાના જૂના વલણ પર અડગ છે. તેઓ પોતાનો નિર્ણય બદલવા માંગતા નથી.

રાહુલ ગાંધીએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું કે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી નહીં લડે. કેરળમાં મીડિયા સાથેની વાતચીતમાં રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ તેમના સ્ટેન્ડ પર અડગ છે. 2019ની લોકસભા ચૂંટણીમાં હારની જવાબદારી લેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. આ પછી તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ બિન-ગાંધી બનવું જોઈએ. જો કે રાહુલને ફરી કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાનો અવાજ પાર્ટીમાંથી ઉઠી રહ્યો છે. છેલ્લા 3 વર્ષમાં કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓએ પણ રાહુલ ગાંધીને મનાવવાના ઘણા પ્રયાસો કર્યા હતા.

તમને જણાવી દઈએ કે કોંગ્રેસના અધ્યક્ષ પદની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો છે. કોંગ્રેસ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર અનુસાર 24થી 30 સપ્ટેમ્બર સુધીમાં ઉમેદવારી પત્ર ભરી શકાશે. 8 ઓક્ટોબર ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ રહેશે જ્યારે 17 ઓક્ટોબરે મતદાન અને 19 ઓક્ટોબરે મતગણતરી કરવામાં આવશે.

તાજેતરમાં જ્યારે કોંગ્રેસ પ્રમુખ પદ માટેની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. આ પછી આ પ્રયાસો તેજ થયા. તાજેતરમાં 10 રાજ્યોમાં કોંગ્રેસ એકમોએ પણ રાહુલ ગાંધીના સમર્થનમાં ઠરાવ પસાર કર્યો હતો. આમ છતાં રાહુલ ગાંધી અધ્યક્ષ બનવાનો સતત ઈન્કાર કરી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ એક વૈચારિક પોસ્ટ છે- રાહુલ ગાંધી અધ્યક્ષ પદના સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું કે મેં ગત વખતે પણ સ્પષ્ટ કર્યું હતું. હું હજુ પણ મારા જૂના સ્ટેન્ડને વળગી રહ્યો છું. મેં તેને ઘણી વખત પુનરાવર્તિત કર્યું છે. રાહુલે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષનું પદ એક વૈચારિક પદ છે. તે એક માન્યતા પ્રણાલી જેવું છે. હું માનું છું કે જે પણ કોંગ્રેસ અધ્યક્ષ બને તેણે કોંગ્રેસની આ માન્યતા અને વિચારધારાને રજૂ કરવી જોઈએ.

અશોક ગેહલોત અને શશિ થરૂર ચૂંટણી લડવા તૈયાર
રાજસ્થાનના (Rajasthan) મુખ્યમંત્રી અશોક ગેહલોત (Ashok Gehlot) આખરે કોંગ્રેસ અધ્યક્ષ (Congress President) પદ માટે ચૂંટણી (Election) લડવા માટે રાજી થઈ ગયા છે. તેમણે પોતે બુધવારે આ વાત પર મહોર મારી દીધી છે. સીએમ ગેહલોતે કહ્યું કે પાર્ટી દ્વારા તેમને જે જવાબદારી આપવામાં આવશે છે તે પૂરી ઈમાનદારીથી નિભાવશે. જો પાર્ટી કહેશે તો કોંગ્રેસ પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવશે. સીએમ ગેહલોતે થોડા સમય પહેલા મીડિયાને કહ્યું હતું કે કોંગ્રેસના તમામ લોકોના પરિવારની જવાબદારી મારા પર છે. તેમણે કહ્યું કે હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને સમગ્ર દેશના કોંગ્રેસી લોકોનો પ્રેમ અને વિશ્વાસ મળ્યો. આ તરફ રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ પદની જવાબદારી સંભાળે તે માટે પણ કેટલાક રાજ્યોમાં દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.

બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર પણ પાર્ટી અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. આ ક્રમમાં તેઓ પાર્ટીના સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટીના વડા મધુસૂદન મિસ્ત્રીને મળ્યા અને નોમિનેશનની પ્રક્રિયા વિશે પૂછપરછ કરી હતી. મિસ્ત્રીએ કહ્યું કે થરૂર તેમને મળ્યા અને મતદાર મંડળની યાદી, ચૂંટણી એજન્ટો અને નામાંકનની પ્રક્રિયા વિશે પૂછપરછ કરી હતી. મિસ્ત્રીએ કહ્યું કે થરૂર અહીંથી સંતુષ્ટ થઈને ગયા છે અને તેઓ 24 સપ્ટેમ્બરે તેમના કોઈ વ્યક્તિને નોમિનેશન ફોર્મ લેવા માટે મોકલશે.

Most Popular

To Top