Editorial

રાહુલ ગાંધી કેસ: સુપ્રીમ કોર્ટએ કરેલી ટિપ્પણીથી નીચલી કોર્ટોએ સમજવું જરૂરી

નજર સમક્ષ દેખાતું હોય કે પરિણામ શું આવવાનું છે છતાં પણ સામસામે આક્ષેપો કરવામાં આવે, આંદોલનો કરવામાં આવે તેને રાજકારણ કહેવામાં આવે છે. રાહુલ ગાંધીના કિસ્સામાં પણ આવું જ થયું છે. ‘મોદી’ અટકના મામલે કરવામાં આવેલી ટિપ્પણીમાં રાહુલ ગાંધીને સુરત કોર્ટમાં કરવામાં આવેલી સજામાં છેવટે સુપ્રીમ કોર્ટમાં શું નિર્ણય આવશે તેની ભાજપ અને કોંગ્રેસ, બંને પક્ષના ટોચના આગેવાનોને ખબર હતી. છતાં પણ ભાજપે રાહુલ ગાંધીને સજાના થયેલા આદેશનો રાજકીય લાભ લેવા પ્રયાસ કર્યો અને કોંગ્રેસે રાહુલ ગાંધીને સહાનુભૂતિ મળે તે માટે આખા દેશમાં ધરણા-પ્રદર્શનો કર્યા. ખેર, છેવટે સુપ્રીમ કોર્ટએ રાહુલ ગાંધીની સજા પર સ્ટે આપી દેતા હવે રાહુલ ગાંધી ફરી સાંસદ પણ બની જશે અને લોકસભામાં હાજરી પણ આપતા થઈ જશે. આ આખી લડાઈ રાજકીય લડાઈ જ હતી અને તેમાં ન્યાયપ્રણાલિકાનો ઉપયોગ કરવામાં આવ્યો. આ લડાઈમાં કોઈ જ જીત્યું કે હાર્યું નથી. જો હાર્યુ હોય તો તે દેશની ન્યાયપ્રણાલી હારી છે.

આ કેસમાં રાહુલ ગાંધીની સજા સામે ‘સ્ટે’ આપવાની સાથે સુપ્રીમ કોર્ટ દ્વારા નીચલી કોર્ટ માટે જે ટિપ્પણી કરવામાં આવી તે ખૂબ જ મહત્વની છે. સુપ્રીમ કોર્ટએ કહ્યું કે રાહુલ ગાંધીને નીચલી કોર્ટો દ્વારા મહત્તમ સજા કેમ આપવામાં આવી? બેંચએ એવું કહ્યું કે, જો નીચલી કોર્ટના જજે 1 વર્ષ અને 11 મહિનાની સજા આપી હોત તો તે (રાહુલ ગાંધી) અયોગ્ય સાબિત નહીં થયા હોત. જો એક દિવસની પણ ઓછી સજા આપી હોત તો રાહુલ ગાંધી સાંસદ રહી શક્યા હોત. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ટ્રાયલ કોર્ટે આપેલા ચુકાદાની અસર વ્યાપક છે. આનાથી માત્ર રાહુલ ગાંધીના જાહેર જીવનમાં ચાલુ રહેવાના અધિકારને જ નહીં પરંતુ તેમને ચૂંટવાના મતદારોના અધિકાર પર પણ અસર પડી છે. ટ્રાયલ જજે મહત્તમ સજા આપવા માટે કોઈ જ કારણ આપ્યું નથી. જેને કારણે અંતિમ ચુકાદો આવે ત્યાં સુધી ટ્રાયલ કોર્ટના આદેશ પર રોક લગાડવાની જરૂરીયાત છે. આ મામલો કોઈ એક વ્યક્તિનો નથી પરંતુ સમગ્ર સંસદીય મતવિસ્તારનો છે. મતદારોને તેમના પ્રતિનિધિત્વથી વંચિત કેવી રીતે રાખી શકાય??

સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટના ચુકાદા પર ટિપ્પણી કરી પરંતુ મામલો ત્યાંથી પતતો નથી. જો સુપ્રીમ કોર્ટ એવું માનતી હોય તો ટ્રાયલ કોર્ટના નિર્ણય બદલ તેની સામે ચોક્કસ પગલાઓ પણ લઈ શકે છે. સામાન્ય રીતે દેશની ન્યાયપ્રણાલીમાં નીચલી કોર્ટે આપેલા ચુકાદાથી વિપરીત ચુકાદો સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવે તો પણ નીચલી કોર્ટને કોઈ સજા કે દંડ કરવામાં આવતો નથી. પરંતુ જો નીચલી કોર્ટ દ્વારા ખોટો ચુકાદો આપવામાં આવ્યો હોય તો સુપ્રીમ કોર્ટ દ્વારા તે કોર્ટ સામે પગલા લેવામાં આવે તે જરૂરી છે. ન્યાયપ્રણાલીમાં ન્યાયાધીશને વિવેકબુદ્ધીની સત્તા આપવામાં આવી હોય છે. કાયદાની કલમોમાં લઘુત્તમથી માંડીને મહત્તમ કેટલી સજા આપી શકાય? તેનો ઉલ્લેખ હોય છે.

ન્યાયાધીશે કયા આરોપીને કેટલી સજા કરવી તે તેમની વિવેકબુદ્ધી પર નિર્ભર છે પરંતુ કેટલાક કેસમાં જ્યાં ઓછી સજા આપવાની જરૂરીયાત હોય ત્યાં નીચલી કોર્ટ દ્વારા આરોપીને વધુ સજા કરવામાં આવી હોય અને બાદમાં સુપ્રીમ કોર્ટમાંથી તે આરોપીને ન્યાય મળ્યો હોય તેવું પણ બન્યું છે.  દેશમાં લોકશાહીના ત્રણ સ્તંભ છે. જેમાં કાયદો ઘડનાર લોકસભા-વિધાનસભા, તેનો અમલ કરનાર પ્રશાસન તેમજ જે અમલ થાય છે તે યોગ્ય છે કે કેમ તે જોવા માટે ન્યાયતંત્રનો સમાવેશ થાય છે.

હાલના તબક્કે આ ત્રણેય સ્તંત્રમાં જો સૌથી વધુ વિશ્વાસ નાગરિકોને જો કોઈના પર હોય તો તે ન્યાયતંત્ર પર છે. ક્યારેક કેટલાક કેસોમાં નીચલી કોર્ટો દ્વારા અપાતા ચુકાદાઓને કારણે નાગરિકોનો વિશ્વાસ ડગે છે છતાં પણ નાગરિકોને એવી આશા હોય છે કે ન્યાયતંત્ર દ્વારા તેમને ન્યાય અપાવવામાં આવશે. જે તેમને મળે પણ છે.

સુપ્રીમ કોર્ટની એ ફરજ છે કે દેશમાં લોકશાહીનું જતન થાય. બંધારણની જોગવાઈઓ અને કાયદાની જોગવાઈઓ પ્રમાણે શાસનવ્યવસ્થા ચાલે. સાથે સાથે સુપ્રીમ કોર્ટે હવે એ પણ સુનિશ્ચિત કરવા જેવું છે કે જે તે વ્યક્તિને નીચલી કોર્ટમાંથી પણ યોગ્ય ન્યાય મળે. નીચલી કોર્ટમાં જો યોગ્ય  ન્યાય તોળાય કે પક્ષકારોને ઉપલી કોર્ટમાં જવાની જરૂરીયાત જ નહીં ઊભી થાય. નીચલી કોર્ટના ચુકાદા સામે અસંતોષને કારણે સુપ્રીમ કોર્ટમાં લાખો કેસોનો ભરાવો થઈ જાય છે. જેનો ભાર પણ અંતે સુપ્રીમ કોર્ટ પર જ આવે છે. સુપ્રીમ કોર્ટ દ્વારા જો ન્યાયપ્રણાલીમાં સુધારાઓ કરવામાં આવશે તો જ ભારતની લોકશાહી સદીઓ સુધી જીવંત રહી શકશે તે નક્કી છે.

Most Popular

To Top