ભારત દેશમાં સદીઓથી તીર્થયાત્રાની પરંપરા રહી છે. પ્રાચીન કાળમાં વાહનવહેવારની કોઈ સુવિધા નહોતી ત્યારે પણ લોકો બદ્રીનાથ, કેદારનાથ, જગન્નાથ પુરી, દ્વારકા અને રામેશ્વરમની પગપાળા યાત્રા કરતા હતા, જેમાં વર્ષો પસાર થઈ જતા હતા. કાશીથી ગંગાજળ લઈને તેઓ દક્ષિણ ભારતમાં આવેલા રામેશ્વરમના શિવલિંગ પર ચડાવતા અને રામેશ્વરમના દરિયાના પાણી વડે કાશી વિશ્વનાથનો અભિષેક તેઓ કરતા હતા. આ ધાર્મિક યાત્રાઓ દ્વારા ભારતની સાંસ્કૃતિક એકતા જળવાઈ રહેતી હતી. ભારતના રાજકીય તખતે ગાંધીજીનું આગમન થયું તે પછી યાત્રાનો રાજકીય ઉપયોગ થવા લાગ્યો. ૧૯૧૫માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા તે પછી તેમણે ટ્રેનના થર્ડ ક્લાસના ડબ્બામાં બેસીને આખા ભારતની યાત્રા કરી હતી. આ યાત્રા દ્વારા તેમને ભારતનું ખરું ચિત્ર જોવા મળ્યું હતું. મીઠાનો અન્યાયી કાયદો તોડવા માટે તેમણે સાબરમતીથી દાંડીની યાત્રા કરી હતી, જેને કારણે સમગ્ર ભારતમાં અભૂતપૂર્વ રાજકીય જાગ્રતિનો માહોલ છવાઈ ગયો હતો.
મહાત્મા ગાંધી પછી યાત્રાનો રાજકીય ઉપયોગ કરનારા નેતાઓમાં ભાજપના લાલ ક્રિષ્ના અડવાણીનું નામ ટોચ ઉપર છે. ૧૯૮૫ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને રોકડી બે સીટો મળી અને ભાજપ પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહ્યો હતો ત્યારે તેના નેતાઓ ભગવાન શ્રીરામને શરણે ગયા હતા. તેમણે અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે દેશવ્યાપી આંદોલન ચાલુ કર્યું હતું. આ આંદોલનને વેગ આપવા અડવાણીએ ગુજરાતના સોમનાથથી અયોધ્યાની રથયાત્રા કાઢી હતી, જે રથના સારથિ નરેન્દ્ર મોદી બન્યા હતા.
આ રથયાત્રાને પરિણામે ભારતભરમાં હિન્દુત્વની લહેર પેદા થઈ હતી, જેના પરિપાકરૂપે ૧૯૯૨ની ૬ઠ્ઠી ડિસેમ્બરે બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી. ભાજપના હાથમાં ભારતનું શાસન આવ્યું તેમાં આ રથયાત્રાનો મોટો હિસ્સો હતો. હવે વિલીન થવાના આરે પહોંચી ગયેલી કોંગ્રેસ છેલ્લા ઉપાયના રૂપમાં ‘ભારત જોડો’ યાત્રા કાઢી છે. ૧૯૮૫માં ભાજપની જેવી ખરાબ હાલત હતી તેના કરતાં ૨૦૨૨માં કોંગ્રેસની હાલત બહુ સારી નથી. ભાજપ તો અગાઉ ક્યારેય સત્તાના સિંહાસન સુધી પહોંચ્યો નહોતો, પણ કોંગ્રેસે ૬૦ વર્ષ સુધી દેશમાં શાસન કર્યું તે પછી લોકસભામાં તેમના માત્ર ૪૪ સભ્યો રહ્યા છે. કોંગ્રેસ છેલ્લાં ૮ વર્ષમાં અનેક મોટાં રાજ્યોની ચૂંટણી હારી છે.
આ વર્ષે પંજાબ પણ તેના હાથમાંથી ઝૂંટવાઈ ગયું છે. મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીની સરકારમાં કોંગ્રેસ સામેલ હતી, પણ મહારાષ્ટ્ર ભાજપે ઝૂંટવી લીધું છે. ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં પરાભવ પછી રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે રાજીનામું આપ્યું તે પછી સોનિયા ગાંધી વચગાળાનાં અધ્યક્ષ તરીકે ગાડી ગબડાવી રહ્યાં છે. કોંગ્રેસના નેતાઓ ભેગા મળીને કોઈ ફુલટાઇમ અધ્યક્ષ પણ ચૂંટી શકતા નથી. ડૂબી રહેલાં વહાણમાંથી ઉંદરડાં કૂદી પડે તેમ એક પછી એક પીઢ નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે. આ સંયોગોમાં કોંગ્રેસમાં નવો પ્રાણ ફૂંકવાના આશય સાથે રાહુલ ગાંધી અને તેમના સાથીદારો દ્વારા લગભગ પાંચ મહિના ચાલનારી ભારત જોડો યાત્રા કન્યાકુમારીથી શરૂ કરવામાં આવી રહી છે. આ યાત્રા દ્વારા રાહુલ ગાંધી ૨૦૨૪ની ચૂંટણીની તૈયારીના રૂપમાં મતદારોની નજીક જવા પ્રયાસ કરશે.
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં ૧૧૮ કાયમી સભ્યો હશે. બાકીના સભ્યો દરેક રાજ્યોમાંથી જોડાતા જશે. ૧૨ રાજ્યોમાંથી પસાર થનારી યાત્રા ૧૫૦ દિવસમાં ૩,૭૫૦ કિલોમીટરનું અંતર કાપશે. યાત્રા દરમિયાન જાહેર સભાઓ અને રેલીઓ દ્વારા ભાજપ સરકારની નિષ્ફળતા તરફ મતદારોનું ધ્યાન આકર્ષિત કરવામાં આવશે. તેમાં પણ વધી રહેલી મોંઘવારીનો મુદ્દો ટોચ ઉપર રહેશે. ભારત જોડો યાત્રા દરમિયાન નિવાસ કરવા માટે ૬૦ જેટલા કન્ટેઇનરો તૈયાર કરવામાં આવ્યાં છે, જેમાં સૂવા માટેની પથારીથી લઈને સંડાસ-બાથરૂમ સુધીની સવલતો હશે. રાહુલ ગાંધી તેમ જ બીજા વરિષ્ઠ નેતાઓના કન્ટેઇનરમાં એર-કન્ડિશનર જેવી સુવિધાઓ પણ હશે.
રાહુલ ગાંધી યાત્રા દરમિયાન ફાઇવ સ્ટાર હોટેલમાં રહેવાને બદલે ફાઇવ સ્ટાર કન્ટેઇનરમાં રહેશે, તેને રાહુલ ગાંધીની સાદગી ગણાવાઈ રહી છે. રાતના સમયે આ કન્ટેઇનરોને કોઈ એક જ જગ્યાએ પાર્ક કરવામાં આવશે, જ્યાં ગામડું ઊભું કરવામાં આવશે. રાહુલ ગાંધી પણ કાર્યકરો સાથે જ ભોજન લેશે. રાહુલ ગાંધી સામે કાયમની ફરિયાદ હોય છે કે તેઓ કાર્યકરોને કે નેતાઓને પણ સહેલાઈથી મળતા નથી. આ ફરિયાદ ભારત જોડો યાત્રા દરમિયાન દૂર કરવામાં આવશે. કોંગ્રેસના નેતાઓ અને ખાસ કરીને રાહુલ ગાંધી દેશની જમીની વાસ્તવિકતા સમજે તે માટે આ યાત્રા બહુ જરૂરી છે.
૨૦૧૪ની ચૂંટણીમાં કોંગ્રેસની નામોશીભરી હાર થઈ તે પછી ત્યારે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રહેલા રાહુલ ગાંધી રાજકીય તખતેથી અલોપ થઈ ગયા હતા. ૨૦૧૭માં તેમને રિલોન્ચ કરીને ધામધૂમથી કોંગ્રેસનું પ્રમુખપદ સોંપવામાં આવ્યું હતું. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો ભૂંડો પરાજય થયો તે પછી ફરી વખત રાહુલ ગાંધી કોપભવનમાં ચાલ્યા ગયા હતા. તેમણે ફરીથી કોંગ્રેસ અધ્યક્ષપદ ન સ્વીકારવાનો સંકલ્પ જાહેર કર્યો હતો અને તેને તેઓ વળગી રહ્યા હતા. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી કોંગ્રેસના કોઈ પદ પર ન હોવા છતાં તેઓ રિમોટ કન્ટ્રોલ વડે પક્ષનું સંચાલન કરી રહ્યા છે.
પંજાબમાં જે ઉથલપાથલ થઈ તેની પાછળ આ ભાઈ-બહેનનો દોરીસંચાર જ જવાબદાર હતો. હવે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીની તૈયારી ચાલી રહી છે ત્યારે ભારત જોડો યાત્રા દ્વારા રાહુલ ગાંધી ફરીથી કોંગ્રેસના કેન્દ્રસ્થાને આવી જવા માગે છે. મળતા સમાચારો મુજબ ગાંધીપરિવારના વફાદાર અશોક ગેહલોતને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની તૈયારી ચાલી રહી છે. ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી પણ થઈ જશે, પણ નવા અધ્યક્ષને જેટલી પ્રસિદ્ધિ મળશે, તેના કરતાં અનેક ગણી પ્રસિદ્ધિ રાહુલ ગાંધી ખાટી જશે તે નક્કી છે.
કરોળિયો જાળું ગૂંથતી વખતે જમીન પર પડી જાય તો પાછો ઊભો થઈ જાય છે અને નવું જાળું ગૂંથવાનું ચાલુ કરી દે છે. ફિનિક્સ પંખી રાખમાંથી પણ બેઠું થઈ જાય છે. તેમ રાહુલ ગાંધી વારંવાર ચૂંટણીમાં હાર્યા પછી પણ હિંમત હારતા નથી અને ફરી લડવાની હિંમત દેખાડે છે. આ હિંમતને કેટલાક લોકો તેમની બહાદુરી ગણે છે તો કેટલાક લોકો તેને મૂર્ખાઈ પણ ગણે છે. એટલું નક્કી છે કે કોંગ્રેસમાં આજની તારીખમાં પોતાના જોર પર લોકસભાની ચૂંટણીમાં મતો લાવી શકે તેવો કોઈ લોકપ્રિય નેતા નથી, જેને કારણે કોંગ્રેસના નેતાઓને ગાંધીપરિવારનું શરણું લેવું પડે છે.
શ્રીમતી સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની એટિટ્યૂડ એવી છે કે અમને સત્તાના રાજકારણમાં કોઈ રસ નથી; પણ તમારો ઉદ્ધાર કરવા અમે સત્તા સંભાળી રહ્યા છીએ. કોંગ્રેસના નેતાઓને ડર છે કે જો ગાંધીપરિવાર સત્તાનો ત્યાગ કરી દેશે તો કોંગ્રેસના ટુકડા થઈ જશે, કારણ કે દરેક નેતા અને તેમના સમર્થકો સત્તાના સિંહાસન પર કબજો જમાવવા મેદાનમાં આવી જશે. ગાંધીપરિવાર કોંગ્રેસ માટે ફેવિકોલની ગરજ સારે છે. જો પાંચ મહિનાની ભારત જોડો યાત્રા પછી પણ રાહુલ ગાંધી મતદારોને પ્રભાવિત નહીં કરી શકે તો તેમણે રાજકારણમાંથી કાયમી સંન્યાસ લઈ લેવો પડશે. આ યાત્રા રાહુલ ગાંધી માટે આખરી તક જેવી છે. તેમના માટે તે ‘ડુ ઓર ડાઇ’ જેવો પડકાર છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.