મુંબઈ: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ટીમ ઈન્ડિયાના (TeamIndia) મુખ્ય કોચ (Coach) અંગે ચાલી રહેલા સસ્પેન્સનો અંત લાવ્યું છે. વર્લ્ડ કપ 2023 (ICCODIWorldCup2023) સુધી ટીમ ઈન્ડિયાને કોચિંગ આપી રહેલા રાહુલ દ્રવિડ (Rahul Dravid) ભવિષ્યમાં પણ મુખ્ય કોચ રહેશે. દ્રવિડની સાથે ટીમ ઈન્ડિયાના સપોર્ટ સ્ટાફનો પણ કોન્ટ્રાક્ટ લંબાવવામાં આવ્યો છે. જો કે, બીસીસીઆઈએ (BCCI) હજુ સુધી આ કરારની સમયમર્યાદા શું હશે તે અંગે કંઈ સ્પષ્ટ કરી નથી.
રાહુલ દ્રવિડનો ભારતીય ક્રિકેટ ટીમ સાથેનો હેડ કોચ તરીકેનો કરાર આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ પછી સમાપ્ત થયો હતો. તેનો સમયગાળો પૂરો થયા બાદ બીસીસીઆઈએ રાહુલ દ્રવિડ સાથે ચર્ચા કરી હતી અને કાર્યકાળ લંબાવવા વિનંતી કરી હતી. ત્યાર બાદ રાહુલ દ્રવિડે પોતાનો કાર્યકાળ વધારવા માટે સંમતિ આપી હતી.
બીસીસીઆઈએ દ્રવિડના વખાણ કર્યા
આ દરમિયાન બીસીસીઆઈએ દ્રવિડ રાહુલ દ્રવિડના વખાણ કર્યા હતા. બોર્ડે એનસીએના વડા અને સ્ટેન્ડ-ઇન હેડ કોચ તરીકે વીવીએસ લક્ષ્મણની પણ પ્રશંસા કરી હતી. બીસીસીઆઈના પ્રમુખ રોજર બિન્નીએ કહ્યું, ” ટીમ ઈન્ડિયાની સફળતામાં રાહુલ દ્રવિડની દીર્ઘદ્રષ્ટિ અને દૃઢ પ્રયાસો મહત્વપૂર્ણ રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ માત્ર પડકારોનો મક્કમતાથી સામનો કરવા માટે જાણીતા છે. ભારતીય ટીમનું પ્રદર્શન તેમના વ્યૂહાત્મક માર્ગદર્શનનો પુરાવો છે. હું ખુશ છું કે દ્રવિડે મુખ્ય કોચ તરીકેની ઓફર સ્વીકારી લીધી છે.
રાહુલ દ્રવિડનું પણ નિવેદન સામે આવ્યું
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનું નિવેદન પણ આવ્યું છે. દ્રવિડે કહ્યું, ટીમ ઈન્ડિયા સાથેના છેલ્લાં બે વર્ષ સંપૂર્ણપણે યાદગાર રહ્યા છે. ટીમે ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. આ સમયગાળા દરમિયાન ટીમમાં ખેલાડીઓ વચ્ચે એકબીજાને મદદરૂપ થવાની ભાવના વિકસી છે. ડ્રેસિંગ રૂમમાં અમે જે કલ્ચર સ્થાપિત કર્યું છે તેના પર મને ખરેખર ગર્વ છે. અમારી ટીમ પાસે જે ટેલેન્ટ છે તે અભૂતપૂર્વ છે.”
દક્ષિણ આફ્રિકાના પ્રવાસથી દ્રવિડ ફરી કોચપદ સંભાળશે
વર્લ્ડકપ ટુર્નામેન્ટ બાદથી દ્રવિડ આરામ પર છે. હવે જ્યારે હેડ કોચ તરીકેનો દ્રવિડનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે ત્યારે દ્રવિડ દક્ષિણ આફ્રિકાના પ્રવાસથી પોતાની જવાબદારી ફરી સંભાળી લેશે. દક્ષિણ આફ્રિકા ટુર આગામી તા. 10 ડિસેમ્બરથી શરૂ થશે. ત્રણ T20I અને ત્રણ ODI મેચ રમાશે. તેમાં સેન્ચુરિયન (26 ડિસેમ્બરથી) અને કેપ ટાઉન (3 જાન્યુઆરીથી)માં બે ટેસ્ટ રમાશે. ત્યાર બાદ જૂનમાં ટી-20 વર્લ્ડ કપ પહેલા ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી છે.