નવી દિલ્હી: ટી20 વર્લ્ડ કપ 2022માં (T20 World Cup 2022) ટીમ ઈન્ડિયાની (Indian Cricket Team) હાર બાદ ઘણું બદલાઈ ગયું છે. T20 ફોર્મેટ રમવાની રીત, તેના મેનેજમેન્ટ અને ખેલાડીઓ અને સ્ટાફમાં ફેરફાર વિશે વાત કરવામાં આવી રહી છે. પહેલા BCCIએ નવી પસંદગી સમિતિ બનાવવાનો નિર્ણય લીધો અને હવે ટીમ મેનેજમેન્ટમાં ફેરફાર કરવાની તૈયારીઓ ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે બોર્ડ હવે T20 ફોર્મેટ માટે અલગ કેપ્ટનની સાથે અલગ કોચની નિમણૂક કરવાની તૈયારી કરી રહ્યું છે.
BCCI હવે T20 ફોર્મેટ માટે અલગ કોચની નિમણૂક કરવાના વિકલ્પ પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. ટીમનું બિઝી શેડ્યૂલ માત્ર ખેલાડીઓ માટે જ નહીં, પણ સપોર્ટિંગ સ્ટાફ માટે પણ મોટો માથાનો દુ:ખાવો છે, તેથી હવે રાહુલ દ્રવિડનું (Rahul Dravid) ધ્યાન માત્ર વનડે અને ટેસ્ટ પર જ કેન્દ્રિત કરી શકાય તે માટે બીસીસીઆઈ વિચારી રહ્યું છે.
BCCIના એક અધિકારીના જણાવ્યા અનુસાર, ‘બોર્ડ T20 ફોર્મેટ માટે અલગ કોચ લાવવા કે કેમ તે અંગે વિચાર ચાલી રહ્યો છે. રાહુલ દ્રવિડ સામે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા નથી, બલ્કે બિઝી શેડ્યૂલના લીધે ટી-20 ફોર્મેટની સ્પેશ્યિલ ટીમ તૈયાર કરવામાં આવી રહી છે. નજીકના દિવસોમાં T20 શેડ્યૂલ વધુ બિઝી થવાનું છે, તેથી ટીમ મેનેજમેન્ટમાં ચેન્જ લાવવો આવશ્યક બન્યો છે. અધિકારીનું કહેવું છે કે જાન્યુઆરી સુધીમાં ટીમ ઈન્ડિયાને નવો કેપ્ટન અને નવો ટી-20 સેટઅપ મળી શકે છે. તમને જણાવી દઈએ કે નવી પસંદગી સમિતિની ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે, આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે નવી સમિતિ જ T-20 ફોર્મેટના નવા કેપ્ટનની જાહેરાત કરી શકે છે, જે હાર્દિક પંડ્યા હોઈ શકે છે.
જણાવી દઈએ કે રાહુલ દ્રવિડને ટી20 વર્લ્ડ કપ 2021 બાદ ટીમ ઈન્ડિયાનો કોચ બનાવવામાં આવ્યો હતો. તેમના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ સતત ઘણી દ્વિપક્ષીય શ્રેણી જીતી, પરંતુ બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં તે આવું કરી શકી નહીં. એશિયા કપ, T20 વર્લ્ડ કપ 2022માં હાર બાદ નવી રીતની માંગ ઉઠી હતી. ટીમ ઈન્ડિયા સતત ક્રિકેટ રમી રહી છે, ઘણી વખત રાહુલ દ્રવિડની ગેરહાજરીમાં VVS લક્ષ્મણ ટીમ ઈન્ડિયાના કોચની ભૂમિકામાં દેખાય છે. જે હવે નેશનલ ક્રિકેટ એકેડમીના ડાયરેક્ટર છે. આવી સ્થિતિમાં હવે શક્ય છે કે T20 ફોર્મેટ માટે અલગ કેપ્ટન અને અલગ કોચિંગ સ્ટાફ જોવા મળશે.