Sports

પાકિસ્તાન સામે હાર્યા બાદ બેલેન્સ ગુમાવી ચૂકેલી ભારતીય ક્રિકેટ ટીમને આ ‘વૉલ’ સહારો આપશે..!

રવિવારે તા. 24 ઓક્ટોબરના રોજ T-20 વર્લ્ડકપ 2021 ના પાકિસ્તાન સામેની મેચમાં ભારત શરમજનક રીતે હારી ગયું હતું. હવે ટુર્નામેન્ટમાં ટકી રહેવા માટે ભારતીય ટીમને ચારેય મેચ ફરજિયાતપણે જીતવી પડે તેમ છે. હાલમાં ભારતીય ક્રિકેટ ટીમનું સંપૂર્ણ ફોક્સ T-20 વર્લ્ડકપ પર છે ત્યારે BCCI કંઈ અલગ જ યોજના ઘડી રહ્યું છે. બીસીસીઆઈ મેનેજમેન્ટ કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રી સહિત આખાય સપોર્ટ સ્ટાફને બદલી નાંખવાના મૂડમાં છે. વન-ડે વર્લ્ડકપમાં ખરાબ પ્રદર્શન બાદ ટી-20 વર્લ્ડકપમાં નિરાશાજનક શરૂઆત કરનાર ભારતીય ટીમ અત્યારે અસંતુલિત લાગી રહી છે. ભારતીય ટીમને ફરી સંતુલિત કરવા માટે હવે એક મજબૂત કોચ ટીમને આપવામાં આવે તેવી શક્યતા છે.

કોચ બદલવાની ગતિવિધિ વચ્ચે આજે રાહુલ દ્રવિડે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ પદ માટે અરજી કરી છે. બીસીસીઆઈએ તાજેતરમાં મુખ્ય કોચની પસંદગી માટે અરજીઓ મંગાવી હતી. T20 વર્લ્ડ કપ પછી હાજર રહેલા કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે અને તેણે સંકેત આપ્યો છે કે તેઓ આ પદ પર ચાલુ રહેવા માંગતા નથી. ભારતીય ટીમના મુખ્ય કોચ બનવા માટે દ્રવિડનું નામ સૌથી આગળ છે અને હવે તેની અરજી બાદ તેની તકો વધુ વધી ગઈ છે. માનવામાં આવે છે કે નેશનલ ક્રિકેટ એકેડમીની કમાન ભારતના પૂર્વ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણને સોંપવામાં આવી શકે છે.

એક સૂત્રએ કહ્યું, દ્રવિડે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચના પદ માટે અરજી કરી છે અને દેખીતી રીતે લક્ષ્મણ NCAના વડા બનવાની રેસમાં આગળ છે. શું થાય છે તે જોવા માટે વાતચીત ચાલી રહી છે. રાહુલ દ્રવિડ શ્રીલંકા પ્રવાસ પર ટીમ ઈન્ડિયા સાથે મુખ્ય કોચ તરીકે ગયો હતો. હાલમાં જ એવા અહેવાલ આવ્યા હતા કે રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ બનવા માટે રાજી થઈ ગયો છે. દ્રવિડ પાસે અનુભવનો ભંડાર છે અને તેની દેખરેખ હેઠળ NCA ના ઘણા યુવા ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની છાપ છોડી છે. રાહુલે IPL ફાઈનલ દરમિયાન દુબઈમાં BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી અને સચિન જય શાહ સાથે પણ મુલાકાત કરી હતી.

જોકે, સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે દ્રવિડ NCAની કામગીરી અંગે ચર્ચા કરવા દુબઈ આવ્યો હતો. પૂર્વ ભારતીય કેપ્ટને કહ્યું, ‘હજી સુધી કંઈપણ કન્ફર્મ નથી થયું, મેં માત્ર અખબારમાં વાંચ્યું છે. પ્રક્રિયા હજુ પૂર્ણ નથી. તેની જાહેરાત કરવામાં આવી છે. જો તે (રાહુલ દ્રવિડ) અરજી કરવા માંગે છે, તો તે કરશે. હાલમાં તે નેશનલ ક્રિકેટ એનસીએના ડાયરેક્ટર છે. તે દુબઈમાં અમને મળવા આવ્યો હતો જેથી તે NCA વિશે ચર્ચા કરી શકે. અમે બધા માનીએ છીએ કે NCA એ ભારતીય ક્રિકેટના ભવિષ્યના વિકાસમાં મોટી ભૂમિકા ભજવી છે. NCA ને દ્રવિડ આગળ લઈ જઈ શકે છે.

Most Popular

To Top