નવી દિલ્હી: (New Delhi) જાણીતા ઉદ્યોગપતિ (Industrialist) રાહુલ બજાજનું (Rahul Bajaj Death) 83 વર્ષની પ્રૌઢ વયે શનિવારે દુ:ખદ નિધન થયું છે. પાંચ દાયકા સુધી બજાજ ગ્રુપના ચેરમેન રહેલા રાહુલ બજાજને સરકારે પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા. ભારતવાસીઓને સાઈકલ પરથી ટુવ્હીલર પર લઈ જવાનો શ્રેય રાહુલ બજાજને ફાળે જાય છે.
રાહુલ બજાજ વર્ષ 1965માં બજાજ ગ્રુપના ચેરમેન બન્યા હતા. તેમના નેતૃત્વમાં બજાજ ઓટોનું વાર્ષિક ટર્નઓવર 7.2 કરોડથી વધુ 12 હજાર કરોડ સુધી પહોંચ્યું હતું. બજાજ સ્કૂટર તેમની ઓળખ બની હતી. તેમના નેતૃત્વમાં સ્કૂટરનું વેચાણ કરનારી બજાજ કંપની દેશની સૌથી મોટી કંપની બની હતી. 70-80ના દાયકામાં રસ્તા પર મોટા ભાગે બજાજ સ્કૂટર જ જોવા મળતા હતા. વર્ષ 2001માં ભારત સરકારે ઉદ્યોગ અને વ્યાપાર ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન બદલ તેમને પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા. રાહુલ બજાજ રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. રાહુલ બજાજને નાઈટ ઓફ ધ નેશનલ એવોર્ડ ઓફ ધ લિજેન્ડ ઓફ ઓનર નામનો ફ્રાન્સનો સર્વોચ્ચ નાગરિક સન્માન પણ એનાયત કરાયો છે.
2005માં દીકરા રાજીવને સુકાન સોંપી રાહુલ બજાજ નિવૃત્ત થયા હતા
રાહુલ બજાજે 2005માં દીકરા રાજીવ બજાજને કંપનીનું સુકાન સોંપ્યું હતું. તે સમયે રાજીવને બજાજ ઓટોના મેનેજિંગ ડિરેક્ટરની જવાબદારી સોંપાઈ હતી. ત્યાર બાદ ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીઝમાં કંપનીના ઉત્પાદકોની માંગ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી હતી. રાહુલ બજાજે ગયા વર્ષે 29મી એપ્રિલના રોજ બજાજ ઓટોના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું હતું. વધતી ઉંમરને પગલે તેઓએ નિવૃત્તિ સ્વીકારી લીધી હતી.
હમારા બજાજ.. ટેગલાઈન ખૂબ લોકપ્રિય થઈ હતી
80ના દાયકામાં રાહુલ બજાજના નેતૃત્વમાં ભારતીય બજારમાં સ્કૂટરનું વેચાણ ખૂબ વધ્યું હતું. તે સમયે ટીવી પર ‘હમારા બજાજ..’ જાહેરાત આવતી હતી, જે ભારતીય પ્રજામાં ખૂબ લોકપ્રિય બની હતી.