નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) હેડક્વાર્ટર ખાતે કોંગ્રેસની ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી જે લગભગ બે કલાક સુધી ચાલી હતી. કોંગ્રેસની આ ઈમરજન્સી બેઠકમાં સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત કુલ 40 સભ્યો હાજર રહ્યા હતા. આ ઉપરાંત ધણાં સભ્યો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ બેઠકમાં જોડાયા હતા. બેઠકમાં રાહુલ ગાંધીને સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવા અને અદાણી મુદ્દે જેપીસી તપાસની પાર્ટીની માંગ પર ઉગ્ર ચર્ચા થઈ હતી. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે કોંગ્રેસ સોમવારથી મોદી સરકાર વિરુદ્ધ દેશવ્યાપી વિરોધ શરૂ કરશે. આ સાથે રાહુલ ગાંધી આવતીકાલે એટલે કે શનિવારે ખાસ પ્રેસ કોન્ફરન્સ પણ કરશે.
આ બેઠક બાદ જયરામ રમેશે કહ્યું કે અમે આ મુદ્દાને દેશભરમાં તેઓ લઈ જશે. તેઓએ કહ્યું કે રાહુલ ગાંધીને જાણી જોઈને અયોગ્ય ઠેરવવામાં આવ્યા કારણ કે તેઓ 2014થી સતત મોદી સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા હતા. તેઓએ વધુમાં કહ્યું કે રાહુલ હંમેશા નોટબંધી, ચીન સહિત તમામ મુદ્દે સવાલ ઉઠાવતા રહ્યાં છે. ભારત જોડો યાત્રાને લઈને ભાજપ અને સરકાર પરેશાન હતી. ભારત જોડો યાત્રાએ કોંગ્રેસમાં નવો ઉત્સાહ પ્રસર્યો હતો.
જયરામ રમેશે કહ્યું બુલેટ ટ્રેન કરતા પણ વધુ ઝડપે રાહુલ ગાંધી સામે કાર્યવાહી કરવામાં આવી છે. 7 ફેબ્રુઆરીએ લોકસભામાં રાહુલનું ભાષણ અને 16મી ફેબ્રુઆરીએ બદનક્ષીના ફરિયાદીએ હાઈકોર્ટમાંથી પોતાનો સ્ટે પાછો ખેંચી લીધો હતો અને 27મી ફેબ્રુઆરીએ માનહાનિના કેસમાં સુનાવણી શરૂ થાય છે. 17મી માર્ચે ચુકાદો અનામત રાખવામાં આવે છે અને 23મી માર્ચે ચુકાદો આવે છે. આટલી ઝડપી કાર્યવાહી જોઈને આશ્ચર્ય થાય છે.
કેરળમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવા સામે વાયનાડના મનંથાવાડીમાં કોંગ્રેસના કાર્યકરો વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત છત્તીસગઢમાં પણ રાહુલ ગાંધીને સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવાને તો રાયપુરમાં યુવા કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે અથડામણ અને પથ્થરમારો થયો હતો. છત્તીસગઢ યુથ કોંગ્રેસે રાયપુરમાં આ મુદ્દે ભાજપ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું.