ભારતીય ટીમના વાઇસ કેપ્ટન અજિંકેય રહાણેએ દેશમાં સ્પિનરોને મદદરૂપ પીચની ટીકાને ગંભીરતાથી ન લેવાની સલાહ આપતા મંગળવારે કહ્યું હતું કે અમે જ્યારે વિદેશ પ્રવાસે જઇએ છીએ ત્યારે ત્યાની બાઉન્સી અને ઝડપી બોલરોને મદદરૂપ વિકેટ પર કોઇ ફરિયાદ કરી નથી અને હવે ઇંગલેન્ડે પણ અમદાવાદમાં રમાનારી ચોથી ટેસ્ટમાં સ્પિનરોને મદદરૂપ વિકેટની જ અપેક્ષા કરવી જોઇએ. ચેપોકમાં રમાયેલી બીજી અને અમદાવાદમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં સ્પિનરોને મદદરૂપ વિકેટો અંગે ઘણી ચર્ચા થઇ હતી.
અંતિમ ટેસ્ટ 4થી માર્ચથી શરૂ થઇ રહી છે ત્યારે રહાણેએ એક ઓનલાઇન પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે મને લાગે છે કે ચોથી ટેસ્ટની વિકેટ પણ ચેન્નાઇમાં રમાયેલી બીજી અને અમદાવાદમાં રમાયેલી ત્રીજી ટે્ટ જેવી જ હશે, જેના પર સ્પિનરોને મદદ મળશે. હાં ફરક એટલો હશે કે પિન્ક બોલના સ્થાને લાલ બોલ હશે. પિન્ક બોલ પીચ પડ્યા પછી વધુ ઝડપથી આવે છે.
રહાણે પહેલીવાર થોડો નારાજ જણાયો હતો, જ્યારે પીચ બાબતે ઇંગ્લેન્ડના માજી ખેલાડીઓના નિવેદન પર તેની પ્રતિક્રિયા માગવામાં આવી હતી. રહાણેએ કહ્યું હતું કે સ્પિનરોને મદદરૂપ પીચ પર તમારે બોલની દિશામાં રમવું જરૂરી બની જાય છે. તેણે કહ્યું હતું કે જ્યારે આવી પીચ પર તમે રમો ત્યારે બોલ કઇ દિશામાં જાય છે કે ધ્યાને લેવું જરૂરી હોય છે.
બાઉન્સી વિકેટ પર અમારી ટેક્નીકની ખામી કાઢનારાઓને હવે પોતાના ખેલાડીઓની ખામી નથી દેખાતી
અજિંકેય રહાણેએ થોડા ગુસ્સાભર્યા સ્વરે કહ્યું હતું કે જ્યારે અમે વિદેશ પ્રવાસે જઇએ છીએ તો ઝડપી બોલરોને મદદરૂપ થાય તેવી પીચ બાબતે કોઇને કંઇ કહેવાનું યાદ નથી આવતું. તેઓ ત્યારે ભારતીય બેટ્સમેનોની ટેકનીકની ખામી કાઢે છે, ટર્ન લેતી વિકેટો પર તેમને પોતાના ખેલાડીઓની ટેકનીકમાં કોઇ ખામી દેખાતી નથી. મને નથી લાગતું કે આ લોકોને ગંભીરતાથી લેવા જોઇએ.
વિદેશમાં ભીનાશ ધરાવતી ઘાસવાળી વિકેટ અન-ઇવન બાઉન્સ લે તો પણ અમે ફરિયાદ કરતાં નથી
રહાણેએ વિદેશ પ્રવાસમાં મળતી પીચ મામલે કહ્યું હતું કે જ્યારે અમે વિદેશ પ્રવાસે જઇએ છીએ તો પહેલા દિવસે એ પીચમાં ભીનાશ હોય છે. જ્યારે પીચ પર ઘાસ હોય છે ત્યારે તેના પર અન-ઇવન બાઉન્સ મળે છે. આ સ્થિતિમાં પીચ વધુ જોખમી બની જાય છે. પણ અમે કદી પણ એવી પીચ બાબતે ફરિયાદો કરી નથી કે નથી એ બાબતે કોઇ વાતો કરી.