ગુજરાતીમાં કહેવત છે, ‘હીરો ઘોઘે જઈ આવ્યો ને ડેલીએ હાથ અડાડી પાછો આવ્યો’. પ્રધાનમંત્રીશ્રીની અમેરિકા યાત્રાના સંદર્ભમાં આ કહેવતનું સ્મરણ થયું. સાહેબ આવ્યા એની સાથોસાથ બીજાં બે પ્લેન ચોવીસ કલાકના અંતરે અમૃતસર ઊતર્યાં અને એમાં પણ હાથકડી, બેડી અને સાંકળે બાંધેલા અમેરિકા એડીપોર્ટ કરેલાં ભારતીય નાગરિકો હતાં. અપેક્ષા એવી હતી કે આપણા પ્રધાનમંત્રી અને અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો પ્રવર્તે છે એટલે આ મુદ્દે પોતાનો વ્યવહાર બદલવા અમેરિકા ચોક્કસ સધિયારો આપશે અને અત્યારે જે જંગલિયતભરી રીતે ડિપોર્ટેશન કરવામાં આવે છે એ નીતિમાં અમેરિકા કૂણું પડશે. પણ એવું કંઈ બન્યું નથી.
ભારત પાછાં મોકલાતાં લોકો માટે અમેરિકાનું વલણ હેવાનિયતભર્યું જ રહ્યું છે અને જાણે કે ભારતના મોં પર લપડાક મારતું હોય તે રીતે પ્રધાનમંત્રીની અમેરિકા મુલાકાત અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મંત્રણાઓ બાદ બે વિમાનો આવી જ જંગલિયત સાથે ભારત મોકલવામાં આવ્યાં છે. ભારત આ મુદ્દે કેમ કડકાઈ નથી વરતતું તે સમજાતું નથી. કોલંબિયા જેવો નાનો દેશ પોતાનાં નાગરિકોને આ રીતે અપમાનિત ના થવું પડે તે માટે મક્કમ વલણ લઈ પોતાનાં નાગરિકોને પરત લાવવા રાષ્ટ્રપ્રમુખનું અંગત વિમાન મોકલતું હોય તો આપણે કેમ એવું ન કરી શકીએ? કેનેડા તો એથી પણ આગળ ગયું. કેનેડિયનોએ અમેરિકા ફરવા જવાની પોતાની ટ્રીપ કેન્સલ કરી દીધી અને અમેરિકાનો આલ્કોહોલ સમેત માલસામાન બહિષ્કાર કરવામાં આવ્યો.
ટ્રમ્પ આપણો કાકાનો છોકરો ભાઈ થતો હોય એવું હરખપદુડાપણું અને વેવલાઈ હજુ પણ ગુજરાતીઓના હૃદયમાં છલોછલ ભરેલી પડી છે ત્યારે પોતાની નિર્લજ્જતાનું પ્રદર્શન આગળ વધારતાં ટ્રમ્પે ભારતને સંભળાવી દીધું છે કે, ‘દુનિયાના કોઈ પણ દેશ કરતાં ભારત અમેરિકા પર સૌથી વધુ ટેરિફ લાદે છે જેના લીધે અમારા માટે ભારતમાં અમારો સામાન વેચવાનું અઘરું બને.’ આ વાત કહીને ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની ભારત માટેની અને ખાસ કરીને ટ્રમ્પની ભારત માટેની લાગણી કેટલી બરડ છે, એનો પરિચય આપ્યો છે.
એક ઇન્ટરવ્યૂમાં ડોનાલ્ડ ટ્રમ્પે નિર્લજ્જતાની ચરમસીમારૂપ વિધાન કરતાં કહ્યું હતું કે, ‘ટેરિફ બાબતે કોઈ સમાધાન નહીં. જેવા સાથે તેવાની નીતિ અમલમાં રહેશે.’ ભારતના વડા પ્રધાન સાથેની મિટિંગમાં ટેરિફ અંગે પોતાનું અક્કડ વલણ દર્શાવી ટેરિફનો ચુસ્ત અમલ કરવાની વાતને ટ્રમ્પે આગળ ધરી હતી. ભારત જેટલું જ ટેરિફ વસૂલ કરશે એટલું જ સામે ભરવું પડશે એવી વાહિયાત વાત ટ્રમ્પે કરી છે. આ વાત ઑટોમોબાઇલ ક્ષેત્રને તો ખાસ લાગુ પડે છે.ઑટો આયાત ક્ષેત્ર પર ભારત ૧૦૦ ટકા ટેરિફ વસૂલે છે. એક સાવ માનવતાહીન વાત પણ ટ્રમ્પે કરી છે. ઇમીગ્રેશન કૉર્ટમાં વાલી વગર અમેરિકા ઘૂસી આવેલ બાળકોને સરકાર દ્વારા અપાતી કાનૂની સહાય હવે બંધ કરવામાં આવી છે. એટલે હવે ૧૮ વર્ષની નીચેનાં આ બાળકોએ પોતાનો કેસ પોતે લડવો પડશે.
ટ્રમ્પને ભારત માટે ઘણો આદર છે. એ કહે છે કે ભારતમાં ખૂબ કરવેરા વસૂલ કરવામાં આવે છે એટલે એના ડોઝ વિભાગે ભારતમાં મતદાન વધારવા માટે ૨૧૦ લાખ અમેરિકન ડૉલર (આશરે ૧૮,૦૦૦ લાખ રૂપિયા)ની સહાય અમેરિકાએ બંધ કરી દીધી છે. આ તો હજુ પાશેરામાં પહેલી પૂણી છે. વહાલા મિત્ર ટ્રમ્પના પગ હજુ જમીનને અડ્યા નથી. કેનેડાએ લાલ આંખ બતાવી, કોલંબિયાએ લાલ આંખ બતાવી, મેક્સિકોએ લાલ આંખ બતાવી. ત્યાં ટ્રમ્પ પાછો પડ્યો છે પણ ભારતના કિસ્સામાં તો ‘ગરીબની જોરૂ તે આખા ગામની ભાભી.’ એફ-૩૫ વિમાન ટ્રમ્પ ભારતને પધરાવવા માગે છે, જેને એલન મસ્કે ભંગારખાનું કહ્યુ છે.આપણે હજુય નહીં બોલીએ તો આ ભંગારખાનું આપણા માથે વાગવાનું છે એવું માની લેવાનું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
