નવી દિલ્હી : કોંગ્રેસે (Congress) આજે માગણી કરી હતી કે રાફેલ (Rafael) સોદામાં સંયુક્ત સંસદીય સમિતિ(JPC) દ્વારા તપાસ કરાવવામાં આવે, તેણે કહ્યું હતું કે ફાઇટર જેટોની આ ખરીદીમાં ભ્રષ્ટાચાર (Corruption) અંગે સત્ય બહાર લાવવા માટેનો આ જ એક માર્ગ છે.
કોંગ્રેસના પ્રવકતા રણદીપ સુરજેવાલાએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી હતી કે તેઓ આગળ આવે અને રાફેલ જેટ સોદામાં એક સંયુક્ત સંસદીય સમિતિ(જેપીસી) તપાસનો આદેશ આપે. રાફેલ સોદામાં ભ્રષ્ટાચાર થયો હોવાનું હવે સ્પષ્ટ બહાર આવી ગયું છે. ફ્રેન્ચ સરકારે તપાસનો આદેશ આપ્યા બાદ કોંગ્રેસ પક્ષ અને રાહુલ ગાંધીના અભિગમેને આજે સમર્થન મળી ગયું છે એમ તેમણે એક પત્રકાર પરિષદને જણાવ્યું હતું. અલબત્ત, ભારત સરકાર અથવા ભાજપ તરફથી આ બાબતે કોઇ તત્કાળ પ્રતિભાવ આવ્યો ન હતો. સુરજેવાલાએ કહ્યું હતું કે જ્યારે આ બાબત રાષ્ટ્રીય સુરક્ષા અને ઓળખને લગતી છે ત્યારે એક વાજબી અને સ્વતંત્ર જેપીસી તપાસ જ યોગ્ય માર્ગ છે અને નહીં કે સુપ્રીમ કોર્ટ.
બીજી બાજુ, ભાજપે વળતા પ્રહારમાં રાહુલ ગાંધી હરીફ ડિફેન્સ કંપનીઓના એજન્ટ તરીકે કામ કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો અને એવો પણ દાવો કર્યો હતો કે ભારતને નબળા પાડવાના પ્રયાસમાં કોંગ્રેસ રાફેલ સોદામાં ભ્રષ્ટાચારના આક્ષેપો ઉછાળી રહી છે. ફ્રેન્ચ સરકારે તપાસ માટે જજની નિમણૂક કરી તે બાબતને હળવાશથી લેતા ભાજપના પ્રવકતા સંબિત પાત્રાએ કહ્યું હતું કે એક એનજીઓની ફરિયાદને આધારે આ તપાસ શરૂ કરવામાં આવી છે અને તેને ભ્રષ્ટાચારની બાબત તરીકે જોવું જોઇએ નહીં.