Charchapatra

રાધે રાધે

ગોકુળમાં એક મોર ભગવાન કૃષ્ણનો ભક્ત હતો. તે કૃષ્ણને એટલો પ્રેમ કરતો હતો કે તેની ઈચ્છા હતી કે કૃષ્ણ તેને પ્રેમ કરે. તેને હંમેશા પોતાની પાસે રાખે. કૃષ્ણકૃપા મેળવવા મોર રોજ કૃષ્ણની આગળ પાછળ ફરતો…કૃષ્ણ જ્યાં જતા ત્યાં જતો …તેમના ઘરના આંગણામાં ફરતો અને સતત કૃષ્ણનું નામ લેતો રહેતો પણ ભગવાન કૃષ્ણ તેની તરફ એક મીઠી નજર પણ ન નાખતા, તેને બોલાવતા પણ નહિ.

મોરની ભક્તિ સાચી હતી. તે સતત કૃષ્ણની પાછળ પાછળ ફરતી અને કૃષ્ણ નામ લેતો રહેતો.આમ ઘણો સમય વીતી ગયો પણ કૃષ્ણની કૃપા દૃષ્ટિ એક વાર પણ મળી નહિ. છેવટે મોર કૃષ્ણ નામ લેતાં લેતાં રડવા લાગ્યો. એક મેનાએ તેને રડતાં જોયો અને કહ્યું, ‘‘કૃષ્ણના ગોકુળ ગામમાં તું રડે છે કેમ? શું થયું? કૃષ્ણને જઈને તારી તકલીફ કહે, લાલો જરૂર મદદ કરશે.’’મોર રડતાં રડતાં બોલ્યો, ‘‘હું કૃષ્ણની ભક્તિ કરું છું…સતત તેમનું નામ લેતાં લેતાં તેમની પાછળ પાછળ ફરું છું પણ કૃષ્ણ મારી સામે પણ જોતા નથી એટલે રડું છું.’’

મેનાએ કહ્યું, ‘‘આમ તો કૃષ્ણ કોઈને રડાવે નહિ, ચલ, તું બરસાના. રાધા રાની બહુ દયાળુ અને કૃપાળુ છે તે માર્ગ દેખાડશે.’’મેના અને મોર બરસાના ગયાં.મોરના મુખમાં આદત પ્રમાણે સતત કૃષ્ણ નામનું રટણ ચાલુ જ હતું અને રાધાએ પોતાના સાંવરિયાનું નામસ્મરણ કરતાં મોરને તરત ગળે લગાડયો અને વ્હાલ કર્યું.મોર રાજી રાજી થઈ ગયો પણ પછી આંખોમાં આંસુ સાથે બોલ્યો, ‘‘રાધા રાની, તમે તો તરત કૃપા કરી, પરંતુ ભગવાન કૃષ્ણનું નામ સ્મરણ કરતાં કરતાં કેટલાય વખતથી તેમની આગળ પાછળ ફરું છું પરંતુ તેઓ સામે પણ જોતા નથી.’’

રાધારાણીએ મીઠું મલકીને કાનમાં કૈંક કહ્યું… મોર ઊડતો ઊડતો ગોકુળ પહોંચ્યો અને કૃષ્ણના આંગણમાં રાધે રાધે …રાધે રાધે …નામસ્મરણ કરવા લાગ્યો. રાધા નામ સાંભળતાં જ કૃષ્ણ દોડી આવ્યા અને રાધા નામ લેતાં મોરને ગળે લગાડ્યો.મોર ગદ્ગદ્ થઈ ગયો. કૃષ્ણને ભેટીને કહેવા લાગ્યો, ‘‘પ્રભુ, કેટલાય દિવસોથી તમારું નામ લેતાં લેતાં તમારી પાછળ ફરતો હતો ત્યારે મારી સામે પણ ન જોયું અને રાધા નામ બે ઘડી લીધું ને તમે દોડી આવ્યા’’ …મોર રાધા રાધા નામ જપતાં નાચી ઊઠ્યો.

કૃષ્ણે મીઠું મલકીને કહ્યું, ‘‘મોર જે ભક્તો મારું નામ લે છે તે ભક્તોની હું બરાબર કસોટી કરું છું પછી જ સ્વીકારું છું પણ જે રાધાનું નામ એક વાર પણ લે છે તેમને હું પ્રેમવશ તરત પોતાના કરી લઉં છું. તારા મુખમાં રાધા નામ આવ્યું અને હું તને મળી ગયો અને એટલો વખત તારી કસોટી કરી. તેના ફળ રૂપે હવે હું તને સતત સાથે રાખીશ અને તારા મોરપીંછને મારા શિશ પર ધારણ કરીશ.’’ પ્રેમથી રાધે રાધે જપો …ચલે આયેંગે બિહારી…પ્રેમથી પ્રભુને પણ સહેલાઈથી પામી શકાય છે.    
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top