Dakshin Gujarat

વાપીના રાધા માધવ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પ્લાસ્ટિકના યુનિટમાં આગ

વાપી : વાપીના દેગામ સ્થિત રાધા માધવ (Radha Madhav) ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં (Industrial Park) ખુશીના એક યુનિટમાં વહેલી સવારે આગ (Fire) લાગતા દોડધામ મચી ગઈ હતી. પ્લાસ્ટિકની થેલી બનાવતી આ નવી કંપનીમાં આગ કઈ રીતે લાગી તે જાણી શકાયું નથી. વાપી ફાયર વિભાગની જીઆઇડીસી તેમજ ટાઉન તથા ધરમપુરના ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબુ મેળવવામાં ત્રણથી ચાર કલાકનો સમય લાગ્યો હતો. પ્લાસ્ટિકનો જથ્થો હોવાથી આગ વધુ ઝડપથી પ્રસરી હતી. જેમાં મશીનરી પણ હોવાનું ફાયર વિભાગના સૂત્રોથી જાણવા મળ્યું છે. જોકે આગને કારણે કેટલું નુકશાન થયું તે જાણી શકાયું નથી. ફાયર બ્રિગેડની ચારેક કલાકની મહેનત બાદ આગ કાબુમાં આવી ગઈ હતી.

અમલસાડ-સરીબુજરંગ વચ્ચે ચાલુ ટ્રેનમાંથી ખાડીના પાણીમાં પડતા મુંબઈના વૃદ્ધનું મોત

નવસારી : અમલસાડ-સરીબુજરંગ ગામ વચ્ચે ચાલુ ટ્રેનમાંથી મુંબઈના વૃદ્ધ ખાડીના પાણીમાં પડતા મોત નીપજ્યાનો બનાવ ગણદેવી પોલીસ મથકે નોંધાયો છે.મળતી માહિતી મુજબ, મુંબઈ કલમ્બોરી મયુરેશ સોસાયટીમાં મોહનભાઈ પુંજાભાઈ મકવાણા (ઉ.વ.આ.72) રહેતા હતા. ગત 15મીએ મોહનભાઈ વડોદરાથી ટ્રેનમાં બેસી મુંબઈ જવા નીકળ્યા હતા. દરમિયાન ટ્રેન અમલસાડ-સરીબુજરંગ ગામની વચ્ચે રીચર સોસાયટીની પાછળ રેલવેબ્રિજ નીચે પાણી ભરેલા ખાડીમાં મોહનભાઈ પડી જતા ખાડીના પાણીમાં ડૂબી મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે બીલીમોરાના નીતિનભાઈ સોલંકીએ ગણદેવી પોલીસ મથકે જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોચી લાશનો કબજો લઇ પી.એમ. અર્થેની તજવીજ હાથ ધરી હતી. જ્યારે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હે.કો. કિશનભાઈને સોંપી છે.

કાવેરી નદીમાં ડૂબી જતાં વાંસદાના લાખાવાડીના યુવાનનું મોત
વાંસદા : વાંસદા તાલુકાના લાખાવાડી ગામે ઉતારા ફળિયા ખાતે રહેતો તરુણકુમાર ગુલાબભાઈ પટેલ ઘરેથી રાત્રીના આશરે ૩:૩૦ કલાકે કોઈને કંઇ પણ કહ્યા વગર ક્યાંક ચાલી ગયો હતો. જેને પગલે પરિવારે તપાસ કરતા તેની બાઇક ઘર આંગણામાં જોવા મળી ન હતી. અને તરુણનો ફોન પર સંપર્ક કરતા તેનો ફોન પણ બંધ આવતો હતો. ત્યારબાદ તરુણના પરિવારજનો અને ગ્રામજનો દ્વારા તપાસ કરતા સિંગાડ ગામના, મંદિર ફળીયામા સિંગાડથી પાલગભાણ જતા રસ્તામાં કાવેરી નદીના કોઝવે પાસે તરુણની મો.સા. મળી આવતા કાવેરી નદીની આસપાસ તપાસ કરતા પાણીમાંથી લાશ મળી આવી હતી. આ અંગે નદીમાં પડી જઈ તેનુ મોત નિપજ્યું હોવાની ફરિયાદ મરનારના પિતા ગુલાબ રુમસીભાઈ પટેલે વાંસદા પોલીસ મથકે આપી હતી.

Most Popular

To Top