સુરત નકલી ચીજવસ્તુના ઉત્પાદન અને વેચાણ માટે કુખ્યાત બની ગયું છે. નકલી ઘી, માખણ બાદ હવે ડુપ્લીકેટ કોસ્મેટિકનું ગોડાઉન સુરતમાંથી પકડાયું છે. શહેરના પુણા વિસ્તારના એક ગોડાઉનમા રેઈડ પાડીને પુણા પોલીસ અને ઝોન 1 એલસીબીની ટીમે 11.78 લાખના ડુપ્લીકેટ કોસ્મેટિકનો જથ્થો ઝડપી પાડ્યો છે.
પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર પુણા વિસ્તારમાં પિતા અને તેના બે પુત્ર ડુપ્લીકેટ કોસ્મેટિકનું ઓનલાઈન વેચાણ કરતા હોવાની બાતમી મળી હતી. તેના આધારે દરોડા પાડતા નકલી વેપલાનો પર્દાફાશ થયો હતો. પિતા-પુત્રો ગોડાઉનમાં નકલી કોસ્મેટિક ચીજવસ્તુનું રો મટીરીયલ સસ્તામાં લાવી બોટલમાં ભરી તેની પર બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવતા હતા. ત્યાર બાદ ઈ-કોમર્સ વેબસાઈટ પર ઓનલાઈન વેચાણ કરતા હતા. પોલીસે પિતા બાબુ ઉકા ચૌહાણ (ઉં.વ. 54) અને તેના બે પુત્રો નિરલ (ઉં.વ.27) અને સિદ્ધાર્થ (ઉં.વ.22)ની ધરપકડ કરી છે.
10 રૂપિયાની વસ્તુ 200માં વેચતા
આ પિતા પુત્રો ડુપ્લીકેટ કોસ્મેટિક 10 રૂપિયામાં બનાવતા અને તેની પર બ્રાન્ડનું સ્ટિકર લગાવી 200થી વધુ રૂપિયામાં વેચતા હતા. તેઓ એમેઝોન, ફ્લિપકાર્ટ, મિશો જેવી વેબસાઈટ પર વેચતા હતા. સસ્તામાં ક્રીમ, શેમ્પુ, હેર ઓઈલ સહિતની ડુપ્લીકેટ પ્રોડક્ટ વેચતા હતા.
ક્યાં ચાલતો હતો નકલી વેપાર?
પુણાગામની રંગ અવધૂત સોસાયટીના એક ગોડાઉનમાં આ આખોય ગોરખધંધો ચાલતો હતો. અહીં ડુપ્લીકેટ કોસ્મેટીક વસ્તુઓનું ઉત્પાદન અને પેકિંગ કરાતું હતું. પોલીસે દરોડો પાડ્યો ત્યારે મોટા પ્રમાણમાં નકલી ચીજો મળી આવી હતી. પોલીસે ગોડાઉનમાંથી આશરે 11.78 લાખની કિંમતનો ડુપ્લીકેટ કોસ્મેટિક ચીજવસ્તુઓનો જથ્થો કબ્જે કર્યો છે.