ગુજરાતમાં ગન કલ્ચરને મામલે હવે સુરતમાંથી મોટી કાર્યવાહી સામે આવી રહી છે. ક્રાઇમ બ્રાન્ચે દેશમાં ગેરકાયદ હથિયાર લાવવાનું રેકેટ ઝડપી પાડ્યું છે. નાગાલેન્ડથી ગુજરાતમાં હથિયાર લાવવાનું કૌભાંડ ઝડપાયું છે જેમાં શહેર ક્રાઇમ બ્રાન્ચે 4 લોકોની ધરપકડ કરી છે.
આરોપીઓ સહિત પોલીસે વિદેશના 16 રિવોલ્વર હથિયાર કબ્જે કર્યા છે. સુરત શહેરમાં મોટા પ્રમાણમાં હથિયારો લાવવામાં આવ્યા હતા. ગુજરાતમાં ગન કલ્ચરને લઈ સતત સનસનીખેજ ખુલાસાઓ સામે આવી રહ્યા છે એવામાં આરોપીઓ ઝડપાતા સુરત ક્રાઇમ બ્રાન્ચે તપાસને વધુ વેગ આપ્યો છે અને પોતાની કાર્યવાહી આગળ ધપાવી છે.
ગુજરાતમાં 108 આરોપીઓએ વેપન્સમાં લાઇસન્સ લીધા છે. 7, 8 લાખથી શરૂ કરીને 20 લાખ રૂપિયા સુધીમાં લાઇસન્સ આપતા હતા. નાગાલેન્ડના ઇમ્ફાલમાંથી ચાર લાયસન્સની માહિતી શરૂઆતમાં મળી હતી. આ ચાર લાયસન્સની તપાસ કરતાં સમગ્ર પ્રકરણ ખુલ્યું હતું. આ મામલે 49 ઈસમોની સંડોવણી હોવાનું ખુલ્યું હતું જેમાંથી આ પહેલા 7 લોકોની ધરપકડ થઈ હતી.
દરમિયાન સુરતમાંથી બીજા 4 આરોપી ઝડપાયા છે. ટીમ અત્યારે પણ મણિપુર અને નાગાલેન્ડમાં તાપસ કરી રહી છે. છેલ્લા છ વર્ષમાં તમામ લાઇસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા છે. લાયસન્સ મેળવનારામાં સુરત ઉપરાંત આણંદ, વડોદરા, જૂનાગઢ, જામનગર, મોરબી, અમદાવાદ સહિત 14 લોકો સામેલ છે. ચોંકાવનારી વાત એ છે કે, આમાંથી મોટાભાગના લોકોએ ક્યારેય નાગાલેન્ડ ગયા નથી.
કામરેજના સેલાભાઈ બોડિયા અને હરિયાણાનો આસિફ પોતાના નેટવર્ક મારફતે નાગાલેન્ડમાં રહેણાંકના નકલી પુરાવા બનાવી તેમનું ઓલ ઇન્ડિયા પરમિટવાળું બોગસ લાયસન્સ તૈયાર કરાવતો હતો. એક લાયસન્સ બનાવવાની કિંમત અંદાજે 8થી 10 લાખ સુધી વસૂલવામાં આવતી હતી. લાયસન્સ તૈયાર થયા બાદ કુરિયરના માધ્યમથી સુરત મોકલવામાં આવતું હતું.
સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે, આસિફ લોકો પાસેથી દસ્તાવેજો મંગાવી તેમને લાયસન્સ બનાવી આપતો હતો અને આ માટે 10 લાખ સુધીની લાંચ વસૂલતો હતો. પૈસા દિલ્હી અથવા નોઈડાના આંગડિયા મારફતે મોકલાતા હતા.
સુરત ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ ચાર ટીમ બનાવી છે જેમાંથી એક ટીમ નાગાલેન્ડ મોકલવામાં આવી છે. જેથી તપાસ કરી શકાય કે, આ બોગસ લાયસન્સ કયા પ્રકારની પ્રક્રિયા દ્વારા તૈયાર કરાતા હતા. સાથે સાથે હથિયારના યુનિક નંબર અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. કારણ કે, કેટલાક હથિયારના નંબર સરકારી વેબસાઈટ પર રજિસ્ટર્ડ જોવા મળ્યા હતા.
ATSએ 6 હથિયાર, 135 રાઉન્ડ સાથે 7 આરોપી ઝડપ્યા
બહારના રાજ્યોમાંથી બોગસ હથિયારના લાયસન્સ થકી હથિયાર મેળવતી ગેંગને ATS એ ઝડપી હતી. આ ગેંગના કુલ સાત આરોપી સેલા બોડિયા, વિશાલ પંડ્યા, અર્જુન અલગોતાર, ધૈર્ય ઝારીવાલા, સદમ હુસૈન, બ્રિજેશ મહેતા અને મુકેશ પાસેથી 6 હથિયાર અને 135 રાઉન્ડ કબ્જે કરવામાં આવ્યા હતા. આરોપીઓ ગુજરાતમાંથી લાયસન્સ ન મળી શકે તેવા લોકોને હરિયાણા લઈ જઇને અન્ય રાજ્યોમાંથી હથિયાર અને લાયસન્સ અપાવતા હતા. આ કેસમાં જોડાયેલા 108 આરોપીઓની તપાસ કરવામાં આવી રહી છે.
