વાંકલ: (Vankal) માંગરોળના વાંકલ ગામે શ્વાને (Dog) આતંક મચાવ્યો હતો, જેમાં પહેલાં શાળાએ જતી બે વિદ્યાર્થિનીને બચકાં ભરી લીધાં હતાં. આથી એકને લોહીની ધારા વહેવા લાગી હતી તો બીજીને પગમાં બચકું ભરી લીધું હતું. તો એક શ્રમિકને કરડ્યું હતું. આ ઘટનાથી લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે.
- વાંકલમાં હડકાયા કૂતરાનો આતંક: બે વિદ્યાર્થિની સહિત ત્રણને બચકાં ભર્યાં
- એક વિદ્યાર્થિનીને હાથમાં તો બીજીને પગમાં કરડ્યું, શ્રમિક પણ ઘાયલ
માંગરોળના વાંકલ ખાતે સવારે શાળામાં જતી બે વિદ્યાર્થિનીને શ્વાને બચકાં ભર્યાં હતાં. એકને હાથમાં બે બચકાં ભરતાં હાથમાંથી લોહીની ધારા વહેવા લાગી હતી. બીજી વિદ્યાર્થિનીને કૂતરું પગમાં કરડ્યું હતું. તેમને મહામહેનતે શ્વાનના મુખમાંથી છોડાવાઈ હતી. ત્યારબાદ શ્વાન મોસાલી જવાના રસ્તા પર પેટ્રોલ પંપની સામે પહોંચી ગયો હતો. જ્યાં મજૂરીકામે આવેલા પરિવારના વિરન ડામોરને હાથ, પગ અને પાછળના ભાગે કરડ્યું હતું. આથી તેને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેને સારવાર આપવામાં આવી હતી. આ બનાવને કારણે વાંકલ પંથકમાં દહેશતનો માહોલ છવાઈ ગયો હતો.