ઘટનાચક્રની ગતિ હંમેશાં અકળ હોય છે. ક્યારેક એ રૉકેટ ગતિએ ભાગે છે, તો ક્યારેક ગોકળગાયની ગતિએ ઢસરડા કરતું ચાલે છે. જે હોય તે, ઘટનાચક્ર ક્યારેય સ્થિર નથી રહેતું. ભારત જે બાંગલા દેશ નામના નવોદિત દેશનું સર્જક બન્યું હતું તે દેશમાં જ હવે ભારતવિરોધી ભાવના વધી રહી છે. બાંગલા દેશના નસીબમાં લાંબા ગાળાની શાંતિ લખાઈ નહોતી. હજુ હમણાં આપણાં નવા કેન્દ્રીય મંત્રીમંડળ તેમજ પ્રધાનમંત્રીની શપથવિધિ સમારોહ દીપાવવા બાંગલા દેશના પ્રધાનમંત્રી ભારત આવ્યાં હતાં. તેમની રાજ કરવાની પદ્ધતિ પણ બહુ લોકશાહી સમર્પિત હતી એવું નથી.
હમણાં કેટલાક મહિના પહેલાં જ થયેલ બાંગલા દેશની ચૂંટણીઓમાં મોટા પાયે ગે૨રીતિ થવાની ફરિયાદો ઊઠી હતી. ખુદ અમેરિકાએ પણ આ સામે કડક ટીકા કરી ચૂંટણીઓ ફરી યોજવા હાકલ કરી હતી પણ એમાંનું કંઈ થાય તે પહેલાં લશ્કરથી માંડી યુવા અને વિદ્યાર્થીઓ તેમજ જનતાએ ભેગાં થઈને એક એવો જોરદાર ધક્કો માર્યો કે શેખ હસીનાએ બાંગલા દેશમાંથી ભાગી છૂટવું પડ્યું અને ભારતમાં આશ્રય લેવો પડ્યો. એમની એક બહેન બ્રિટનમાં સત્તાધારી પક્ષની સભ્ય અને મંત્રી પણ છે, પણ હજુ સુધી શેખ હસીનાના રાજ્યાશ્રયમાં ભારત બહાર કશું ગોઠવાયું નથી.
દરમિયાનમાં બાંગલા દેશ સાથેના આપણા સંબંધો પ્રમાણમાં ઠીક ઠીક હતા અને વડાં પ્રધાન શેખ હસીના ભારત માટે કૂણી લાગણી ધરાવતાં હતાં તેને બદલે માલદીવની માફક બાંગલા દેશમાં પણ ‘ઇન્ડિયા ગો-બેક’ના નારા ઊઠ્યા. પહેલો અને પાયાનો પ્રશ્ન એ થાય છે કે એક અઠવાડિયા કરતાં પણ ઓછા સમય પહેલાં બાંગલા દેશના તત્કાલીન વડાં પ્રધાન ભારત આવ્યાં, થોડુંક રોકાયા પણ ખરાં. સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધીને પણ મળ્યાં. આ દરમિયાન એમની સામે ષડયંત્ર પૂરજોશમાં આકાર લઈ રહ્યું હશે ત્યારે સામાન્ય મગજમાં ન ઊતરે તેવી બાબત એ છે કે ભારતનું ગુપ્તચર ખાતું અને શ્રીમાન ડોભાલ આ મુદ્દે ઊંઘતાં ઝડપાયા કે પછી વધારે પડતા આત્મવિશ્વાસમાં રહ્યા? ભારતની કૂટનીતિ, ગુપ્તચર નીતિ તેમજ વિદેશનીતિ કહેવાય છે કે સક્ષમ હાથોમાં છે. ભારતીય પ્રધાનમંત્રી એના ઉપર સીધી નજર હોય છે, તો પછી બાંગલા દેશના બળવાની આપણને ગંધ સરખી ના આવી અથવા મોડી આવી એવું કેમ બન્યું?
ત્યાર પછીની ઘટનાઓ વધુ ચિંતાજનક છે. એક પછી એક મુદ્દા ઊભા કરી ત્યાં ભારતવિરોધી લાગણીને પ્રોત્સાહન આપનાર એક વિશિષ્ટ વર્ગ ઊભો થયો છે. એવું પણ કહેવાય છે કે, ધીરે ધીરે જેની ચુંગાલમાંથી ભારતે બાંગલા દેશને મુક્ત કરાવ્યું તે પાકિસ્તાન સાથેના સંબંધોમાં પણ બાંગલા દેશ કૂણું બની રહ્યું છે, ત્યાં સુધી કે તેણે પાકિસ્તાન પાસેથી તેણે મોટા જથ્થામાં શસ્રો આયાત કર્યાની વાત પણ બહાર આવી છે. બાંગલા દેશની સીમા ત્રણ બાજુથી ભારત સાથે જોડાયેલી છે અને ચોથી બાજુએ મ્યાનમાર સાથે જોડાયેલી છે. બાંગલા દેશ આટલો મોટો શસ્ત્રોનો જથ્થો મેળવે તે કોની સામે અને ક્યાં વાપરવાનો છે એ બાબત પણ આપણા વિદેશ મંત્રાલયની ધ્યાન બહાર તો નહીં જ હોય ને.
ખેર, આ એક ચિંતાનો વિષય તો છે જ. ભારતનું ઉત્તરપૂર્વ વધુ ને વધુ ઉકળતા ચરુ જેવું બનતું જાય છે. મણિપુર જેવી ઘટનાઓ, અરુણાચલ પ્રદેશમાં ચીનની ઘૂસણખોરી, મ્યાનમાર સાથે લગભગ ખુલ્લી સરહદ અને હવે બાંગલા દેશ– જે કાંઈ ઘટનાઓ ઘટી રહી છે તેના આવનાર સમયમાં અતિ ગંભીર પરિણામો જોવા મળે. ઉત્તર પૂર્વીય ભારત સમસ્યાઓનો ઉકળતો ચરુ બની જાય અને એ દિશામાંથી ભારતમાં ઘૂસી આવી દેશવિરોધી પરિબળો છેક બિહાર અને હિમાચલ પ્રદેશ સુધી કાયદો અને વ્યવસ્થા તેમજ રાષ્ટ્રીય સુરક્ષાના પ્રશ્ને મોટો પડકાર બનીને ઊભા રહે ત્યાં સુધીની ઘટના આમાંથી બની શકે. અત્યારે બાંગલા દેશમાં ભારતવિરોધી ઉશ્કેરાટ ફેલાવવામાં આવી રહ્યો છે તેમાં હાલ પૂરતા તો ત્રણ મુદ્દા મુખ્ય છેઃ
પહેલો મુદ્દોઃ ભારતે બાંગલા દેશનાં દુશ્મન એવા ભાગેડુ પૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાને આશ્રય આપી બાંગલા દેશની લાગણીને ઠેસ પહોંચાડી છે. બીજો મુદ્દોઃ ભારતની બેદરકારીથી બાંગલા દેશની પૂર્વ સરહદે પૂરનાં પાણી ધસી આવવાની વાત છે. આમ તો ઘૂમતી નદી ભારત અને બાંગલા દેશ બંનેમાંથી વહે છે, જેના સ્રાવ વિસ્તારમાં ખૂબ ભારે વરસાદ પડ્યો હતો. એ ઉપરાંત ત્રિપુરામાં આવેલા ડેમના દરવાજા ડેમ ભયજનક સ્થિતિએ પહોંચે ત્યારે ઑટોમેટિક ખૂલી જાય છે. એમાં ભારતને દોષ દઈ શકાય નહીં, એવો ખુલાસો વિદેશ મંત્રાલયના પ્રવકતા રણવીર જયસ્વાલે કર્યો છે તે સામે બાંગલા દેશે ભારતને દોષ દીધો છે.
અસંતોષનો એક વધુ મુદ્દો તાત્કાલિક મેડિકલ સારવાર અથવા અન્ય અગત્યનાં કારણોસર જેમને ભારત આવવું છે તેમને વીઝા મેળવતા નિર્ધારિત પંદર દિવસને બદલે બે થી ત્રણ મહિના જેટલો સમય લાગે છે અને આમ છતાંય ક્યારેક વિઝા નથી મળતો કે નથી પાસપોર્ટ પાછો અપાતો. તાજેતરમાં જ આવા એક વિઝા પ્રોસેસીંગ સેન્ટર ખાતે એક કિલોમીટર કરતાં પણ લાંબી સર્પાકાર લાઇનને કારણે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બેકાબૂ થઈ હતી. સરવાળે ભારત વિરુદ્ધ જે કડવાશ વિકસી રહી છે તેની આગમાં ઘી હોમવાનું કામ થયું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.