એક દિવસ આશ્રમમાં એક તંદુરસ્ત શિષ્ય અચાનક બીમાર પડ્યો.ગુરુજીએ કારણ પૂછ્યું, શિષ્યએ પોતાની ભૂલ કબુલતા કહ્યું ગુરુજી આજે સવારે મંદિરેથી પરત ફરતી વખતે પ્રસાદના ઘણા બધા પેંડા મેં એકલાએ ખાઈ લીધા હતા એટલે તબિયત ખરાબ થઈ છે.’ગુરુજી બોલ્યા, ‘વત્સ, આ તારી ભૂલ છે અને એક યાદ રાખવા જેવો પાઠ પણ છે કે જો જીભના સ્વાદને જેટલો ઓછો કરીશ એટલું તારા માટે સારું છે જીવનમાં તંદુરસ્ત રહેવાનો આ એક જ રસ્તો છે જીભના ચટાકેદાર અને મીઠા મધુરા સ્વાદ છોડો અને સ્વાસ્થ્યવર્ધક સાત્વિક ખોરાક અપનાવો .
આશ્રમમાં બે શિષ્યો જીગરજાન મિત્રો હતા.હંમેશા સાથે જ રહે, તેમની વચ્ચે વાદવિવાદ થયો બંને જણાએ એકબીજા સાથે વાત કરવાનું સાવ જ બંધ કરી દીધું.એક સારો મિત્રતાનો મીઠો સબંધ વિવાદને કારણે તૂટી ગયો.થોડા દિવસમાં આ વાત ગુરુજીના કાને પહોંચી તેમણે બંને શિષ્યોને પોતાની કુટિરમાં બોલાવ્યા અને તેમના અબોલાનું કારણ પૂછ્યું બંને જણે પોતપોતાની વાત રજુ કરી.
ગુરુજીએ કહ્યું, ‘જો આ ઝઘડાને લીધે તમે એકબીજા સાથે અબોલા લઇ વર્ષોનો મિત્રતાનો સબંધ તોડશો તો તમને બંનેને નુકસાન થશે.માટે ઝઘડો થાય તો પણ થોડીવારમાં હસીને ભૂલી જાવ.જીવનમાં મધુર સબંધો વિકસાવવાનો આ એક જ રસ્તો છે વાદ વિવાદ અને ઝઘડાને છોડો અને એક સરસ સ્મિતને અપનાવો. એક દિવસ ગુરુજીનો એક મિત્ર તેમને મળવા આવ્યો અને બોલ્યો, ‘દોસ્ત તું તો જ્ઞાની છે એટલે તારી પાસે આવ્યો છું.મને દીકરીના લગ્નની,દીકરાના ભણતરની.વેપારની અનેક ચિંતાઓ સતાવે છે એટલે સુઈ શકતો નથી. ભવિષ્યમાં શું થશે તેનો ડર લાગે છે અને આ ડર અને અનેક ચિંતાઓ મને રાત્રે સુવા નથી દેતી.હું સુઈ શકું તેવો કોઈ માર્ગ દેખાડ’ગુરુજીએ પોતાના મિત્રને કહ્યું, ‘દોસ્ત, તું કેટલી મોટી ભૂલ કરે છે.
આવતીકાલ આપણા કોઈના હાથમાં નથી તો તેની ચિંતા કરીને શું અર્થ છે?આ ચિંતાઓથી બચવાનો એક રસ્તો છે ધ્યાન —-મન શાંત કરી ધ્યાન કર .વ્યર્થ ચિંતા કરવાનું છોડી દે.ઈશ્વરે જે આપ્યું છે તે માટે તેમનો અભાર માન અને આજની ઘડીનો આનંદ લેતા શીખ.દોસ્ત જીવન સુખમય અને આનંદમય બનાવવાનો એક જ રસ્તો છે વ્યર્થ ચિંતા છોડો અને ચિંતન .સત્સંગ અને ધ્યાનને અપનાવો.’ જીભનો સ્વાદ છોડો; સાત્વિક ખોરાક અપનાવો —- વિવાદ છોડો; મધુર સ્મિત અને પ્રેમને અપનાવો —-ચિંતા છોડો; સત્સંગ, ધ્યાન ,ચિંતનને અપનાવો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.