મુસાફરીમાં ભારતીય અને ખાસ કરીને ગુજરાતીઓની આદત કે બાજુવાળા સાથી મુસાફરને ક્યાં જાવ છો? થી શરૂ કરીને ઊતરવાનું સ્ટેશન આવે તે પહેલાં તેની જિંદગી વિશે લગભગ બધું જ જાણી લે.આવી જ રીતે ટ્રેનમાં બે અજાણ્યા મુસાફરની વાતચીત શરૂ થઇ.એક હતાં પ્રોફેસર રોશનીબહેન અને બીજાં અનુભવી દાદી નીલા બા. નીલા બાએ પૂછ્યું, ‘કયાં જાવ છો?’ પ્રોફેસર રોશનીબહેને બુક વાંચતાં જવાબ આપ્યો, ‘છેલ્લું સ્ટેશન.’ તેમને વાતચીતમાં બહુ રસ ન હતો, પણ નીલા બાને તો વાતો કરવી હતી એટલે તેમણે કહ્યું, ‘એટલે અમદાવાદ પિયર છે?’ હું વડોદરા ઊતરી જઈશ.’
રોશનીબહેને બુક બંધ કરી ચશ્માં માથા પર ચઢાવ્યાં અને બોલ્યાં, ‘હા બા,અમદાવાદ જાઉં છું પણ પિયર નહિ, એક લેકચર માટે.’ નીલા બા બોલ્યાં, ‘તો બહેન તારું પિયર કયાં છે?’ રોશનીબહેને કડવાશથી કહ્યું, ‘બા, ક્યાંય નહિ, અનાથ છું અને લગ્ન કર્યાં નથી.’ પ્રોફેસરનો જવાબ સાંભળી નીલા બા ચૂપ થઈ ગયાં, આગળ કોઈ સવાલ પૂછી શક્યાં નહિ અને બારીની બહાર જોવા લાગ્યાં. થોડી મીનીટો આમ જ વીતી ગઈ.રોશનીબહેન બોલ્યાં, ‘બા, કોફી પીશો?’ અને પોતાની બેગમાંથી થર્મોસ કાઢ્યો અને બે કપ કોફીના ભરી એક નીલા બા ને આપ્યો.નીલા બા કંઈ બોલી ન શક્યાં. ધીમેથી કપ લીધો અને કોફી પીવા લાગ્યાં.રોશનીબહેને કહ્યું, ‘બા, કેમ ચૂપ થઇ ગયાં.કંઈ વાત તો કરો. તમારી સાથે વાતો કરવા મેં બુક વાંચવાનું બંધ કર્યું.’ નીલા બા ધીમેથી બોલ્યાં, ‘માફ કરજે દીકરા ,મેં તો સામાન્ય રીતે પૂછ્યું, પણ મારાથી અજાણતાં તને દુઃખી કરી દીધી.’
રોશનીબહેન બોલ્યાં, ‘ના, ના, બા, એવું જરાય નથી.” નીલા બાએ કહ્યું, ‘કેમ બેટા, મોઢા પરથી તું ૪૦ ૪૫ ની લાગે છે. હજી લગ્ન નથી કર્યા તો કોઈ દુઃખ નથી?’ પ્રોફેસર રોશનીબહેને કહ્યું, ‘ના બા , મને કોઈ દુઃખ નથી.આપણે ત્યાં જયારે કોઈ બે અજાણ્યા મળે તો જે સવાલો પૂછે તેમાં એ જ મુખ્ય હોય છે કે કયાં ગામનાં? કઈ જ્ઞાતિના? શું ભણ્યાં? શું કરો છો? લગ્ન કર્યાં? કેટલાં બાળકો છે? બીજા કોઈ સવાલ કોઈ પૂછતું જ નથી. તમે પણ તે જ સવાલો પૂછ્યા, તેમાં ખોટું શું છે.’ નીલા બા ફરી બોલ્યાં, ‘તને દુઃખ થયું હોય તો મને માફ કરજે, પણ અજાણ્યાને બીજું શું પુછાય, તું જ સમજાવ.’
પ્રોફેસર રોશનીબહેને કહ્યું, ‘બા, મેં કહ્યું તેમ હું બિલકુલ દુઃખી નથી.મેં જાણી જોઇને સમજીને લગ્ન કર્યાં નથી.હું સમાજમાં મારા જેવી અનાથ બહેનો માટે કામ કરવા ઇચ્છતી હતી અને કરું છું, એટલે લગ્નનો વિચાર જ કર્યો નથી.મારા જીવનનું ધ્યેય લગ્ન નહિ, પણ સમાજ ઉત્કર્ષ છે અને મારા ધ્યેય તરફ હું આગળ વધી રહી છું.નાનકડી વર્કિંગ વુમન હોસ્ટેલ શરૂ કરી છે.હું બહુ ખુશ છું. આપણે ત્યાં કોઇ પણ જાણીતાં કે અજાણ્યાં કોઈને એમ નથી પૂછતાં તમે જીવનમાં શું કરવા માંગો છો? શું ધ્યેય છે? શું ખુશ છો?’ નીલા બા બોલ્યાં, ‘તારી વાત સાચી છે દીકરા, હું હવેથી પૂછીશ આ સવાલો, તું કહે, તું ખુશ છે ને.’ રોશનીબહેન અને નીલા બા વડોદરા સુધી વાતો કરતાં રહ્યાં. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.