Editorial

પર્યાવરણ સુરક્ષાના સરકારના મોટા દાવાઓ સામે પ્રશ્નાર્થ

આપણા વર્તમાન વડાપ્રધાન પર્યાવરણ સુરક્ષા અને ટકાઉ વિકાસની ઘણી વાતો કરે છે. ટકાઉ વિકાસ એટલે એવો વિકાસ કે જે પર્યાવરણને નહીંવત કે ઓછામાં ઓછી હાનિ થાય તે રીત કરવામાં આવતો અને પ્રાકૃતિક સ્ત્રોતો વેડફાય  નહીં, તેમની જાળવણી અને સંવર્ધન થાય તે રીતે કરવામાં આવતો વિકાસ. આપણા વડાપ્રધાનશ્રીને પર્યાવરણ અંગેનો એક વૈશ્વિક એવોર્ડ પણ મળી ચુક્યો છે. પર્યાવરણ સુરક્ષા માટે દેશમાં અનેક પ્રયાસો કરવામાં આવ્યા હોવાનો આપણી  સરકારનો દાવો છે ત્યારે પર્યાવરણ સુરક્ષા માટે વિવિધ દેશોએ કરેલી કામગીરી અંગે તાજેતરમાં બહાર પડેલા એક ઇન્ડેક્સ અને અહેવાલમાં વિશ્વના મોટાભાગના દેશોની પર્યાવરણલક્ષી કામગીરી અને સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે  અને અફસોસજનક રીતે આ સૂચકઆંકમાં ભારતનો ક્રમ છેક તળિયે આવ્યો છે એટલે કે વિશ્વના ઘણા ગરીબ અને પછાત દેશો કરતા પણ પર્યાવરણ સુરક્ષાની બાબતમાં ભારતની સ્થિતિ ખરાબ છે.

પર્યાવરણ અંગેના વિવિધ દેશોના દેખાવ અંગે અમેરિકાની એક અગ્રણી યુનિવર્સિટીની સંશોધન સંસ્થાઓ  દ્વારા દુનિયાના ૧૮૦ દેશોની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું તે યાદીમાં ભારતનો ક્રમ છેક તળિયે આવ્યો છે. એન્વાર્યમેન્ટલ  પર્ફોમન્સ ઇન્ડેક્સ(ઇપીઆઇ) ૨૦૨૨માં ડેન્માર્કનો ક્રમ સૌથી ટોચ પર આવ્યો છે. કોલંબિયા યુનિવર્સિટીના યેલ સેન્ટર ફોર એન્વાર્યમેન્ટલ લૉ એન્ડ પોલિસી એન્ડ સેન્ટર ફોર ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઇન્ફરમેશન નેટવર્ક દ્વારા તાજેતરમાં  પ્રકાશિત કરવામાં આવેલ આ ઇન્ડેક્સમાં બીજો ક્રમ યુકેનો અને ત્રીજો ક્રમ ફીનલેન્ડનો છે જેમણે તાજેતરના વર્ષોમાં પ્રદૂષણકારી ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનનું પ્રમાણ ઘટાડવામાં ઉંચો સ્કોર
મેળવ્યો છે.

આ સૂચકઆંક ૧૧ મુદ્દાની  કક્ષાઓમાં ૪૦ પર્ફોમન્સ ઇન્ડિકેટરોનો ઉપયોગ કોઇ પણ દેશને રેન્ક આપવા માટે કરે છે. આ ઇન્ડિકેટરો એ માપ પુરું પાડે છે કે કોઇ પણ દેશ એન્વાયમેન્ટલ પોલિસી ટાર્ગેટ સ્થાપિત કરવાની કેટલી નિકટ છે. આ ઇન્ડેક્સમાં સૌથી ઓછો  સ્કોર ભારતનો છે જે ૧૮.૯નો છે. જેનાથી થોડા ઉપર મ્યાનમાર(૧૯.૪), વિયેટનામ(૨૦.૧), બાંગ્લાદેશ(૨૩.૧) અને પાકિસ્તાન(૨૪.૬) છે. અહીં જોઇ શકાય છે કે પર્યાવરણ સુરક્ષાની બાબતમાં ભારત કરતા બાંગ્લાદેશ અને પાકિસ્તાન પણ  આગળ છે. કોઇ એવી દલીલ કરી શકે કે ભારતમાં ઔદ્યોગિક વિકાસ વધુ હોવાથી પર્યાવરણની સ્થિતિ બગડી છે પરંતુ આમ તો બાંગ્લાદેશે પણ છેલ્લા કેટલાક દાયકાઓમાં નોધપાત્ર ઔદ્યોગિક વિકાસ કર્યો છે. મહત્વની વાત તો એ છે કે  ચીન ભારત કરતા ઘણુ વધારે ઔદ્યોગિકરણ ધરાવતો દેશ છે છતાં પર્યાવરણ સુરક્ષાની બાબતમાં તેનો ક્રમ ભારત કરતા આગળ આવ્યો છે અને તેનો સ્કોર પણ ભારત કરતા નોંધપાત્ર સારો છે. ચીન આ સૂચકઆંકમાં ૧૬૧મુ સ્થાન ધરાવે છે  જેનો સ્કોર ૨૮.૪નો છે.

મોટા ભાગના નીચો સ્કોર ધરાવનારા દેશો એવા છે કે જેઓ પર્યાવરણના ભોગે આર્થિક વિકાસને પ્રાથમિકતા આપે છે અથવા તો એવા દેશો છે કે જેઓ નાગરિક અજંપા તથા અન્ય કટોકટીઓનો સામનો કરે છે. ભારત એ વધતી જતી હદે  ભયંકર રીતે ખરાબ હવાની ગુણવત્તા અને ઝડપથી વધતા ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનને કારણે પ્રથમ વખત આ રેન્કીંગમાં તળિયે ગયું છે એમ આ અહેવાલ જણાવે છે.  ચીન અને ભારતને માટે આ અહેવાલમાં એવું કહેવાયું છે કે તેઓ  ૨૦પ૦માં ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જન કરનાર અનુક્રમે સૌથી મોટો અને બીજા ક્રમના સૌથી મોટો દેશ હશે. આ હેવાલમાં એમ પણ કહેવાયું છે કે  જો આ જ પ્રવાહ ચાલુ રહેશે તો ૨૦૫૦માં દુનિયામાં થતા કુલ ગ્રીનહાઉસ વાયુઓના  ઉત્સર્જનમાંથી ચીન, ભારત, અમેરિકા અને રશિયા ભેગા મળીને પ૦ ટકા ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન કરતા હશે. આમ તો આ ચારેય દુનિયાની ઘણી મોટી વસ્તી ધરાવતા અને ઘણું ઔદ્યોગિકરણ ધરાવતા દેશો છે અને તેમના દ્વારા  કાર્બન યુક્ત ગ્રીન હાઉસ વાયુઓનું ઉત્સર્જન વધુ થાય તે સ્વાભાવિક છે પરંતુ ૨૦પ૦ના વર્ષ સુધીમાં સ્થિતિમાં તેઓ સુધારો લાવી શકે તેવી આશા રાખી શકાય. પરંતુ હાલમાં ઇપીઆઇ સૂચકઆંકમાં ભારતનું સ્થાન તળિયે ગયું છે તે ખૂબ  ચિંતાજનક છે અને પર્યાવરણ રક્ષાના સરકારના દાવાઓ સામે પ્રશ્નો પણ ઉભા કરે છે. આ ઇન્ડેક્સની ચોક્કસતા અંગે કોઇ પ્રશ્નો ઉપાડી શકે પરંતુ આપણા દેશમાં જળ, વાયુ અને જમીનના પ્રદૂષણ અને જંગલોની નિકળી રહેલા નિકંદનની  સ્થિતિ આપણે જોઇએ જ છીએ તેથી આ ઇન્ડેક્સ પર બહુ શંકા કરવાનું  મન થાય તેમ નથી.

Most Popular

To Top