Feature Stories

શોખીનોને શાંતિ! સ્કેનર પર પૈસા જમા કરાવો અને ગમે ત્યારે મશીનમાંથી માવો લઈ લો

https://www.instagram.com/reel/DIRhakxyGyt/?igsh=MXQ3eGJ0dHcxYXUxOQ==

પાણી, દુધ, કોન્ડોમ અને સેનેટરી પેડ બાદ હવે સુરતમાં માવા માટે પણ વેન્ડિંગ મશીન મુકાયા

માવો…સોપારી, ચુનો અને તંબાકુના મિશ્રણથી બનતા માવાના શોખીનો આખા દેશમાં છે. જોકે, માવામાં જેટલા ઈનોવેશન સુરતે કર્યા છે. તેટલા કોઈપણ શહેરએ કર્યા નથી. આખા દેશમાં સુરતમાંથી માવા સપ્લાય થાય છે. આજે સુરત માવાનું હબ છે. સુરતથી માવાઓ રોજ મુંબઈ મંગાવનાર ઉદ્યોગપતિઓ પણ છે. સામાન્ય રીતે શોખીનો પાનના ગલ્લા પર જઈને માવો લેતા હોય છે પરંતુ જો રાત્રે તલબ લાગે અને પાનનો ગલ્લો ખુલ્લો જ નહીં હોય તો શું કરવું? સુરતીઓએ આનો પણ ‘તોડ’ શોધી નાખ્યો છે. સામાન્ય રીતે અત્યાર સુધી એવું સાંભળતા આવ્યા હતા કે પૈસા માટેના વેન્ડિંગ મશીન એટલે કે એટીએમ છે, કોન્ડોમ માટે પણ વેન્ડિંગ મશીન છે, સેનેટરી પેડ માટે પણ વેન્ડિંગ મશીન છે અને પાણી તેમજ દૂધની થેલીઓ માટે પણ વેન્ડિંગ મશીન છે પરંતુ સુરતમાં વરાછા-કતારગામ સહિતના વિસ્તારોમાં હવે પાનના ગલ્લા પર જ માવાના વેન્ડિંગ મશીન મુકી દેવામાં આવ્યા છે. માવાના આ વેન્ડિંગ મશીનોને કારણે મોડી રાત સુધી બહાર ફરતાં શોખીનોને રાહત થઈ જવા પામી છે.

મશીનમાં એક, બે, ત્રણ ચાર અલગ અલગ નંગ માવા માટે અલગ અલગ બટન છે

માવા માટેના આ વેન્ડિંગ મશીનમાં એવી વિશેષતા છે કે, તેમાં એક નંગ, બે નંગ, ત્રણ નંગ અને ચાર નંગ, એમ ચાર પ્રકારના માવાની સંખ્યાના ઓપ્શન માટે ચાર અલગ-અલગ બટન અપાયા છે. આ બટન દબાવ્યા બાદ મશીનમાં અપાયેલો કયુઆર કોડ સ્કેન કરવાથી તેની કિંમત આપોઆપ આવી જાય છે. સ્કેનર પર પેમેન્ટ થતાં જ ગ્રાહકના હાથમાં તેણે જેટલા માવાનો ઓર્ડર આપ્યો હોય એટલા માવા ભરેલું બોક્ષ આવી જાય છે. જો કે સિગારેટના વેન્ડિંગ મશીનમાં માત્ર એક જ સિગારેટનો ઓપ્શન આપી શકાયો હતો.

એક વેન્ડિંગ મશીનમાં 50 માવાની ક્ષમતા છે, સ્ટોક ખાલી થઈ જાય તો એપ્લિકેશનથી જાણ થઈ જાય છે: દિનેશભાઇ, ગલ્લા ધારક

કતારગામ, ધનમોરા કોમ્પ્લેક્ષ પાસે પાનનો ગલ્લો ચલાવતા દિનેશભાઇ દેનગણિયાએ જણાવ્યું હતું કે, અમારે ગલ્લો 11 વાગ્યે બંધ થઇ જાય ત્યાર બાદ રોજના કોઇ ગ્રાહકને માવાની જરૂર પડે તો રાત્રે ફોન આવતા તેથી અમને આ વેન્ડિંગ મશીન મુકવાનો વિચાર આવ્યો હતો. પહેલા અમે સિગારેટનું વેન્ડિંગ મશીન મુક્યું હતું. જે સફળ રહેતા હવે માવા માટે વેન્ડિંગ મશીન મૂક્યું છે. તેમાં 50 માવા સ્ટોર થઇ શકે છે. માવાના એક, બે, ત્રણ કે ચારના જથ્થામાં ઓર્ડર થઇ શકે છે. તહેવારના દિવસો હોય કે લગ્નસરા હોય, કે આસપાસમાં ક્યાંય કોઇ એવો પ્રસંગ બન્યો હોય કે જાગવું પડે તો 50 માવા પણ ખુટી જાય છે.

સેનેટરી પેડના વેન્ડિંગ મશીનને મોડિફાઈ કરીને અમે માવાનું વેન્ડિંગ મશીન બનાવ્યું: હીરેન દેવગણિયા

માવાનું વેન્ડિંગ મશીન બનાવનાર ઈલેકટ્રિક એન્જિનિયર હિરેન દેવગણીયાએ જણાવ્યું હતું કે, તેણે પોતાના કોમ્પ્યુટર એન્જિનિયર મિત્ર જીગર ઉનાગર અને મિકેનિકલ એન્જિનિયર મિત્ર ભાવિન વોરાની મદદથી માવાનું આ વેન્ડિંગ મશીન બનાવ્યું છે. અમે ત્રણેય મિત્રો સેનેટરી પેડ અને કોન્ડોમ વેન્ડિંગ મશીનના કામ સાથે જોડાયેલા છે, તેથી અમે પાનના ગલ્લાને મદદરૂપ થઇ શકે તેવું આ મશીન બનાવ્યું છે. આ મશીનને માત્ર મોડિફાઇ કરીને થોડા ફેરફાર કરવાથી કામ કરતું થઇ જાય છે અને તેને બનાવવાનો 20 હજારની આસપાસ ખર્ચ થાય છે.

Most Popular

To Top